• રવિવાર, 28 એપ્રિલ, 2024

જેલમાં બેસીને સરકાર ક્યાં સુધી ચાલશે?  

દિલ્હીના શરાબ કૌભાંડમાં ઈડીની કસ્ટડીમાં પુરાયેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જેલમાંથી સરકાર ચલાવવાનો નિર્ણય લીધો છે. તેમણે એક નવા વિવાદ અને નવી ચર્ચાને જન્મ આપ્યો છે. ભૂતકાળમાં કસ્ટડીમાં લઈ જવામાં આવે તે પહેલાં મુખ્ય પ્રધાને રાજીનામું આપી દીધું હોય એવો શિરસ્તો રહ્યો છે. મુખ્ય પ્રધાનોએ રાજીનામાં રાજકીય યોગ્યતા અને બંધારણીય ગરિમાની રક્ષાના નૈતિક દબાણથી પ્રેરિત આપ્યાં હતાં, પરંતુ કેજરીવાલના વલણથી વિરોધીઓને તેમના પર હુમલો કરવાની તક મળી છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન આવશે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે કે નહીં, તે આગામી દિવસોમાં જણાશે પણ એટલું નક્કી છે કે મુખ્ય પ્રધાન કેજરીવાલ જેલમાં બેસીને સરકાર નહીં ચલાવી શકે. કેજરીવાલ અને દિલ્હી સરકારની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પણ તપાસ થઈ રહી છે કે અઠવાડિયાની અંદર કેટલી હદ સુધી શાસકીય કામકાજને અસર પહોંચી છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઈરાદા પર નાયબ રાજ્યપાલ વીકે સકસેનાએ પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા છે. તેમણે એક ન્યૂઝ ચૅનલના કાર્યક્રમમાં કહ્યું છે કે હું દિલ્હીની જનતાને વિશ્વાસ આપું છું કે સરકાર જેલથી નહીં ચાલે. જાણવા મળે છે કે દિશામાં કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ રાજ્ય સરકાર દ્વારા જે બે આદેશો અને નિર્દેશોને લઈ પ્રચારિત કરવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ ઈડીના તાબામાં હોવા છતાં પણ જનતાને માટે કામ કરી રહ્યા છે.

જેલના નિયમો અનુસાર મુખ્ય પ્રધાન જેલમાં કોઈ બેઠક કરી શકે નહીં અને ફાઈલો કે પત્રોનું આદાન પ્રદાન પણ કરી શકે નહીં. કૅબિનેટ બેઠક થાય નહીં તો નિર્ણય લેવાય નહીં. નાયબ રાજ્યપાલની સ્વીકૃતિ માટે પણ ફાઈલ મુખ્ય પ્રધાન દ્વારા મોકલવામાં આવે છે, પરંતુ 21મી માર્ચ, જ્યારથી કેજરીવાલની ધરપકડ થઈ છે, ઉપરોક્ત બંને પ્રક્રિયા બંધ છે. `આપ' સરકાર પાસે પૂર્ણ બહુમત છે તેથી આવી સીધી રીતે રાષ્ટ્રપતિ શાસન આવી શકે નહીં જ્યારે દિલ્હીમાં બંધારણીય સંકટ ઊભું થાય તો શક્ય છે.

મુખ્ય પ્રધાન રાજીનામું આપે નહીં અને જેલથી સરકાર ચલાવવાના નિષ્ફળ પ્રયાસ કરતા રહેશે તો પેન્ડિંગ ફાઈલોની સંખ્યા વધતી જશે, જેને લઈ બંધારણીય સંકટ ઊભું થવું નક્કી છે. જોકે કેજરીવાલ રાજીનામું આપીને બીજા કોઈને મુખ્ય પ્રધાન બનાવે તો કદાચ સરકાર બચેલો કાર્યકાળ પૂરો કરી શકે.

કેજરીવાલની પીએમએલએ કેસમાં ધરપકડ થઈ છે, જેમાં જામીન સરળતાથી મળતા નથી. આવા કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ મહિનાઓથી જેલમાં બંધ છે. નીચલી કોર્ટથી સર્વોચ્ચ કોર્ટ સુધી તેઓની જામીન અરજીઓ નકારાઈ છે. સિસોદિયા અને એક અન્ય પીએમએલએ કેસમાં ધરપકડ કરાયેલા સત્યેન્દ્ર જૈન મહિનાઓ સુધી જેલમાં પણ પ્રધાન રહ્યા, પરંતુ પછીથી તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું. હાલ તો કેજરીવાલનો કેસ એટલો નબળો જણાય છે કે શક્ય છે કે તેઓને લાંબો સમય જેલમાં રહેવું પડે.

આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન જેવું કોઈ ઉતાવળિયું પગલું લેવામાં આવે તો આમ આદમી પક્ષને `વિકટીમ કાર્ડ' રમવાની તક મળી જશે. કેજરીવાલ કહી શકશે કે તેમની પ્રચંડ બહુમત સરકારને હટાવવા માટે તેમની ધરપકડ થઈ હતી. આવામાં તેમને આવનારી ચૂંટણીમાં સહાનુભૂતિના સહારે ફાયદો મળી શકે છે, જે ભાજપ માટે લાભદાયક નહીં હોય.