• શનિવાર, 27 એપ્રિલ, 2024

દખલગીરીને જવાબ  

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના મુદ્દે અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું છે કે અમે નિષ્પક્ષ, સમયબદ્ધ અને પારદર્શી કાનૂની પ્રક્રિયા માટે ભારતની સરકારને પ્રોત્સાહિત કરીએ છીએ. કેજરીવાલની ધરપકડ પર અમે બારીક નજર રાખી રહ્યા છીએ. અમેરિકા પૂર્વે જર્મનીની સરકારે પણ કેજરીવાલની ધરપકડ બાબત આવી ટિપ્પણી કરી હતી. ભારતે જર્મન દૂતાવાસના ડેપ્યુટી ચીફને પણ રૂબરૂ બોલાવી જર્મનીની દખલગીરી કડક શબ્દોમાં વખોડી હતી. હવે અમેરિકાની ટિપ્પણી સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. અમેરિકા દૂતાવાસના કાર્યકારી ડેપ્યુટી ચીફને હાજર થવાનું ફરમાન કર્યું અને વિદેશ વિભાગના અધિકારીઓએ 40 મિનિટ સુધી લોરિયાને ઠપકો આપ્યો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારતનો આંતરિક મામલો છે, જેમાં બીજા દેશનો હસ્તક્ષેપ નહીં જોઈએ.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક દેશ બીજા દેશ પાસેથી પોતાના સાર્વભૌમત્વ અને આંતરિક બાબતોના સન્માનની અપેક્ષા રાખતો હોય છે. બંને લોકશાહી દેશો હોવાના કિસ્સામાં જવાબદારી સવિશેષ વધી જાય છે. અન્યથા તે મોટો દાખલો બેસાડી શકે છે. વર્તમાન એનડીએ સરકારની નીતિ ભ્રષ્ટાચારના વિરોધમાં ઝીરો ટોલરન્સ છે. ભારત આઝાદ થયા પછી રાજકીય ભ્રષ્ટાચાર પણ શરૂ થયો છે. સત્તા પક્ષ નીતિઓમાં પરિવર્તન કરી એમના નિકટવર્તી લોકોને ફાયદો પહોંચાડતો રહ્યો છે. ભ્રષ્ટાચારના કેસ પ્રકાશમાં પણ આવ્યા છે. એનડીએ સરકાર આવ્યા પછી ભ્રષ્ટાચાર ખતમ કરવાની શરૂઆત થઈ છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઈડીનાં પગલાં અધિકાંશ વિપક્ષી નેતાઓની વિરુદ્ધ એવી ટીકા થઈ રહી છે. ઈડી સરકારના ઈશારે સિલેક્ટિવ કામ કરી રહી છે એવી ફરિયાદ પણ થાય છે.

અમેરિકાએ ઈરાકમાં શું કર્યું? અફઘાનિસ્તાનમાં શું કર્યું?  જૉ બાયડનની સરકાર ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ તપાસ અને કાનૂની કાર્યવાહી કરી રહી છે. અમેરિકાએ માનવાધિકારથી લઈને લોકતંત્રની વિરુદ્ધ વલણ લીધું છે. અમેરિકા કાશ્મીરમાં પણ મધ્યસ્થી કરવાની પેશકશ કરી ચૂક્યું છે, જે ભારત નકારી ચૂક્યું છે. અમેરિકા અને જર્મની ભારતની આંતરિક સ્થિતિની ચિંતા કરે અને કોઈપણ પ્રકારની ટીકા ટિપ્પણ કરે બંને દેશોના હિતમાં છે. બંને દેશો સાથે ભારતના સારા સંબંધો છે તે જાળવી રાખે. શાંત પાણીમાં પથ્થર ફેંકવાનો કોઈ અર્થ નથી.