• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

વિશ્વ ચકલી દિવસ : લુપ્ત થતી બચાવો

હાલમાં જ વિશ્વ ચકલી દિન મનાવવામાં આવ્યો છે. આ પ્રસંગે પક્ષી વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે સંરક્ષણ નહીં હોવાથી મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ જેવાં શહેરો અને હરિયાણા, પંજાબ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં ચકલીઓની સંખ્યા ચિંતાજનક છે. કાઉન્સિલ અૉફ એગ્રીકલ્ચર રિસર્ચ અનુસાર આંધ્ર પ્રદેશમાં આ સંખ્યા 80 ટકા સુધી ઓછી થઈ ગઈ છે.

ચકલીના રક્ષણ માટે અનેક ફાઉન્ડેશનો કાર્યરત છે અને પક્ષીઓની આ જાતિને લુપ્ત થતી બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. સંસ્થાઓનાં કાર્યાલયમાં ચકલીઓને આકર્ષવા માટે આંબાનાં વૃક્ષો ઉગાડાય છે. તેની આગળ સૂત્રો લખેલાં પાટિયાં પણ છે. ‘હમેં ભી પ્યાસ લગતી હૈ,’ ‘હમેં ભી મોટે અનાજ પસંદ હૈ’, ‘હમારી ચિંતા નહીં કરેંગે તો સિર્ફ ગૂગલ પર દિખેંગે’, ‘વ્યગ્ર હૈં હમ’ વગેરે સૂત્રો દ્વારા ચકલીઓનાં દર્દને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લગભગ 60 શહેરોમાં ચકલી ફેસ્ટિવલ અંતર્ગત સ્પેરો હાઉસ અને જળપાત્રનું વિતરણ કરવામાં આવ્યું છે. પક્ષી રક્ષણ માટે અસરકારક પગલાં લેનારી સંસ્થાઓ, કૉલેજો અને વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યાં છે.

લુપ્ત થઈ ચૂકેલી ચકલીને કોવિડકાળમાં લૉકડાઉનથી નવજીવન મળ્યું હતું. સવાર-સાંજ તેમની ચીંચીંથી નિરાશ મનમાં ઉત્સાહ અને આશાનો સંચાર થતો હતો, પરંતુ મનુષ્યનાં જીવન સામાન્ય થતાં જ દૃશ્ય બદલાઇ ગયું છે. શહેરના ઘોંઘાટ પ્રદૂષણે શાંતિ છિનવી લીધી છે. આમ છતાં ઘણા લોકોએ પોતાના ઘરની ચોમેર અનુકૂળ વાતાવરણ બનાવી ચકલીઓ માટે માળા - ઘર ઊભા કર્યાં છે. જ્યાં પૂરતા પ્રમાણમાં ચણ તથા પાણીની વ્યવસ્થા હોય છે. હાલ આ ઘરો અન્ય પક્ષીઓ માટે પણ બસેરા બની ગયાં છે. આનો ઉલ્લેખ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મનકી બાત’માં પણ કર્યો હતો.

કમનસીબે વધતી વસ્તી અને રોજેરોજ વધતા જતાં ક્રૉંક્રીટનાં જંગલો તથા કપાતાં વૃક્ષોને કારણે આજે ચકલીનું અસ્તિત્વ સંક્ટમાં આવી પડÎું છે. જલવાયુ પરિવર્તન અને પર્યાવરણ પ્રદૂષણનાં કારણે તાપમાનમાં વૃદ્ધિ થવાથી ચકલીઓનાં કમોત થવાં લાગ્યાં છે. વાસ્તવમાં ચકલી અધિક ગરમ વાતાવરણ સહન નથી કરી શકતી. દેશનાં મોટાં શહેરોમાં તો ચકલી બિલકુલ લુપ્ત થઈ ચૂકી છે, પરંતુ એ તો નાનાં શહેરોમાં પણ આ લુપ્તતાના આરે પહોંચી ગઈ છે.

જોકે, આપણા ગ્રામીણ પરિસરમાં ચકલીઓની ચહલપહલ આજે પણ ચાલુ છે. નાનાં શહેરોમાં જે કંઈ ચકલીઓ હજી સુધી બચી છે, તે પણ દાણા-પાણી અને રહેઠાણનો અભાવ તથા પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ક્યાં સુધી ટકી રહેશે તે કહેવું કઠિન છે.