મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આવતા મહિના સુધીમાં `મુંબઈ વન' સિંગલ સ્માર્ટ કાર્ડની અમલ બજાવણી શરૂ થશે એવી ઘોષણા કરી છે. આ એક જ કાર્ડ પર મુંબઈમાં સાર્વજનિક વાહનવ્યવહારના તમામ સાધનોમાં લોકો પ્રવાસ કરી શકશે. લંડનના `અૉયસ્ટાર' કાર્ડ જેવી આ યોજનાનો ઉદ્દેશ્ય લાખો મુંબઈગરા માટે રોજનો પ્રવાસ વધુ સરળ બનાવવાનો છે. આ એક જ કાર્ડ મુંબઈ લોકલ, મેટ્રો, મોનો રેલ, બસ પ્ર્રવાસ માટે ઉપયોગમાં લઈ શકાશે.
કેન્દ્રના રેલવે પ્રધાને રેલવેનું અૉનબૉર્ડિંગ
કરવાનો આદેશ આપ્યો હતો, તેની પણ સમીક્ષા કરી લેવાઈ છે. આ યોજનાની સંપૂર્ણ તૈયારી અમે
એક મહિનામાં પૂર્ણ કરી લઇશું, એ પછી `મુંબઈ વન' કાર્ડ લૉન્ચ કરીશું. એક જ કાર્ડ પર
મુંબઈની લોકલ ટ્રેન, મેટ્રો, મોનો અને બસ સેવાનો લાભ લોકો લઈ શકશે. આ કાર્ડ એમએમઆરડી
વિસ્તારના પરિવહન વ્યવસ્થામાં પણ લાગુ કરાશે, એમ ફડણવીસે જણાવ્યું છે.
આ ઉપરાંત મુંબઈની લાઇફલાઇન તરીકે ઓળખાતી
લોકલ ટ્રેનોનો ભાર ઓછો કરવા માટે પરાંની લોકલ ટ્રેનોની સંખ્યા વધારવાનો પણ નિર્ણય લેવામાં
આવ્યો છે. અંદાજ એવો છે કે હાલની રેલવે લોકલ ફેરીઓ 50 ટકા વધવાની છે. આ માટે રેલવે
વિભાગે યોજના તૈયાર કરી છે. આના માટે માળખાકીય સુવિધાઓનું સર્જન, અત્યાધુનિક કવચ સિગ્નલ
પ્રણાલી અને 388 એસી લોકલનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવના જણાવ્યા
મુજબ મધ્ય અને પશ્ચિમ રેલવેમાં હાલ ત્રણ હજારથી વધુ લોકલ દોડી રહી છે. લોકલ પરનો ભાર
દિનપ્રતિદિન વધતો જાય છે, જેના કારણે અકસ્માતો થતાં હોય છે. આથી ભીડના વિભાજન માટે
તેમ જ ઉતારુઓને સુલભ પ્રવાસની સુવિધા આપવાની દૃષ્ટિએ 17 હજાર કરોડ રૂપિયાના રોકાણથી
300 કિલોમીટરથી વધુના નવા રેલવે રૂટ બનાવવાની જાહેરાત પણ તેમણે કરી હતી.
મુંબઈ લોકલોની ભીડ વિભાજન કરવા માટે વિવિધ
કાર્યાલયો તથા કંપનીઓના કામના કલાકોની શરૂઆતનો સમય એકમેકથી જુદો હોય એ બાબત કારગર નીવડી
શકે છે. આની શરૂઆત મંત્રાલયથી કરવાની ફડણવીસની ઇચ્છા ફળે એવી આશા રાખીએ.
મુંબઈ લોકલમાં સવારે અને સાંજે ભારે ભીડના
સમયમાં ઉતારુઓની હાલાકીનો ભોગ બને છે. ચાલુ લોકલમાંથી પડી જવાથી મૃત્યુ થાય છે. આ ટાળવા
માટે 238 વધુ એસી લોકલ લાવવાના નિર્ણયથી અકસ્માતમાં જીવ જવાનું ઘટશે. રેલવે આ માટે
લોકલના ડબાની બાંધણી વિશિષ્ટ રીતે કરવાની છે. આ બાંધણી મુંબઈગરાની ભારે ભીડમાં વિપુલ
પ્રમાણમાં અૉક્સિજન મળી રહે એવી હશે એમ રેલવે પ્રધાને કહ્યું છે. મહારાષ્ટ્ર સરકાર
હોય કે કેન્દ્રનો રેલવે વિભાગ, દરેકને મુંબઈગરાને ચિંતા હોવાનું સ્પષ્ટ થાય છે તેને
લઈને જ મુંબઈગરાનો પ્રવાસ આરામદાયક અને સુલભ બને એ માટે બન્ને પગલાં લઈ રહ્યા છે તે
પ્રશંસનીય છે.