પાડોશી મહાસત્તા ચીનની સતત વધતી જતી ક્ષમતા સામે ભારત પણ તમામ રીતે સજ્જ થઈ રહ્યું છે. કોરોના કાળ વિત્યા પછીના આર્થિક પડકારો પણ છે ત્યારે આ બાબત ઘણી અગત્યની ગણાવી જોઈએ. કાશ્મીર ખીણમાં થતા હુમલા, હવે શાંતિ સ્થપાઈ ગઈ છે તેવા દાવા એ બધું આપણને દેખાય અને સંભળાય છે. સર્જિકલ સ્ટ્રાઈક કે તેની સામે વિપક્ષો દ્વારા ઊઠતા સવાલની ચર્ચા પણ ચૂંટણીના મંચથી લઈને લોકપ્રતિનિધિઓના સદનમાં થાય છે.
પશ્ચિમના દેશો તો ચીનની તાકાતને માપીને એક થઈ જ રહ્યા છે સાથે ભારતે પણ શત્રક્ષમતામાં ઉમેરણ શરૂ કર્યું છે. રફાલ જેવાં યુદ્ધવિમાનો સેનાના સરંજામમાં સામેલ થયાં બાદ હવે કેટલીક અત્યંત આધુનિક સબમરીન પણ જોડાઈ રહી છે. મઝગાંવ ડૉકયાર્ડમાં ભારતીય નૌસેના માટે ત્રણ એઁટેક સબમરીનનું નિર્માણ થઈ રહ્યું છે. આ સબમરીનને એપીઆઈ એટલે કે ઍર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્સન ટેક્નૉલૉજીથી સજ્જ કરાઈ રહી છે. વાતાવરણના અૉક્સિજન વગર પણ સબમરીન આ ટેક્નૉલૉજીથી સંચાલિત થઈ શકે છે.
ચીન પાસે તો સબમરીનની સંખ્યા સિત્તેર આસપાસ છે. ભારત પણ હવે તેનો સામનો કરવાની ક્ષમતા કેળવી રહ્યું છે. આપણો દેખીતો દુશ્મન ભલે પાકિસ્તાન લાગે પણ ચીનનો સામનો કરવાનું કામ વધારે અઘરું છે. છેલ્લાં આઠ વર્ષમાં ભારતીય સેનાની ક્ષમતા અને ટેક્નૉલૉજીમાં ધરખમ વધારો થયો છે. નવી સબમરીન પણ આ પ્રક્રિયાનો હિસ્સો છે. રાષ્ટ્ર સ્વતંત્ર થયું ત્યારે પણ યુદ્ધની સ્થિતિ હતી. તે પછી પાકિસ્તાન સામે પ્રત્યક્ષ-પરોક્ષ યુદ્ધ સમયાંતરે થયાં. ચીનની દગાખોરીનો અનુભવ 1962માં થયો. તે પછી પણ ચીન ભરોસાપાત્ર આજે નથી. આ સંજોગોમાં આવી તૈયારીઓ અનિવાર્ય છે.