• શુક્રવાર, 13 જૂન, 2025

પાકિસ્તાનને નાણાં સહાય બંધ થશે?

પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને ભારતીય સેનાએ આતંકી અડ્ડાઓ ઉપરાંત લશ્કરી મથકો અને અણુબૉમ્બ છુપાવાયા છે તે મથકોએ હુમલા કરીને પાકિસ્તાનને ખોખરું કરી નાખ્યું છે. અત્યારે ઘૂંટણિયે પડીને આજીજી કરે છે પણ તેનો ભરોસો નથી. આતંકવાદનાં મૂળિયાં સાથે નષ્ટ કરવાની - ઝીરો ટોલરન્સ નીતિ ભારતની છે તે મુજબ અૉપરેશન સિંદૂરનું સમાપન થયું નથી. હજુ કામ બાકી છે તેથી ભારત વિશ્વમાં મિત્ર દેશોને પાકિસ્તાની આતંકના પુરાવા બતાવીને કહેવા માગે છે કે હજુ ગમે ત્યારે ભારતે લશ્કરી કાર્યવાહી કરવી પડશે. ભારતનાં સાત સર્વપક્ષી પ્રતિનિધિમંડળો આવતા સપ્તાહે આ મહત્ત્વની કામગીરી બજાવશે. આતંક સામે ભારતની એકતા મજબૂત, અખંડ છે તે બતાવવા સાથે પાકિસ્તાનને મળતી વિદેશી નાણાકીય મદદનો ઉપયોગ આતંક માટે જ થાય છે - એ બાબતની ખાતરી કરાવાશે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે લોન આપી તે ગંભીર ભૂલ છે એમ જણાવીને હવે આવી મદદ અપાય નહીં, બંધ થાય તેવી રજૂઆત પણ થશે. સંરક્ષણ પ્રધાને તો સ્પષ્ટ કહ્યું છે કે આતંકવાદી હુમલા માટે વિદેશી નાણાંનો ઉપયોગ બંધ થવો જોઈએ. `અભી તો ટ્રેલર દેખા હૈ - પિક્ચર અભી બાકી હૈ' એમ કહીને એમણે સંદેશ આપી દીધો છે.

પાકિસ્તાની આતંકી હુમલાથી લઈને અૉપરેશન સિંદૂર સુધીની ઘટનાઓના સત્યથી વિશ્વના દેશોને વાકેફ કરવા માટે ભારત સરકારે સર્વપક્ષી પ્રતિનિધિમંડળો વિદેશોમાં મોકલવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિનિધિમંડળોમાં કૉંગ્રેસ ઉપરાંત રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, શિવસેના, તૃણમૂલ કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીનો સમાવેશ થાય છે.

ભારત સરકારે પહલગામના આતંકી હત્યાકાંડ પછી વારંવાર વિદેશોને સત્તાવાર માહિતી આપી છે. અૉપરેશન સિંદૂર શરૂ થયું ત્યારથી આપણે સ્પષ્ટતા કરી છે કે અમે આતંકી અડ્ડાઓ ઉપર હુમલા કર્યા છે અને કરીશું. પણ સામાન્ય નાગરિકો અને પાકિસ્તાની લશ્કરી મથકો ઉપર હુમલા કર્યા ન હતા. પાકિસ્તાને જ્યારે ડ્રૉન સેનાથી હુમલા કર્યા ત્યારે જ આપણે જવાબ આપ્યો છે. આ બાબત વિદેશોના એલચીઓને બોલાવીને સ્પષ્ટ કરાઈ છે. હવે પ્રતિનિધિમંડળો મોકલીને વિદેશોમાં જનમત કેળવવાનો પ્રયાસ છે - સંબંધિત સરકારોએ પણ વાસ્તવિકતા - પાકિસ્તાની આતંક - સ્વીકારીને ફંડફાળા બંધ કરવા પડશે.

પહલગામમાં હિન્દુ પર્યટકો ઉપર આતંકી હુમલા અને હત્યાકાંડ પછી નવી દિલ્હીમાં બોલાવાયેલી સર્વપક્ષી બેઠકમાં તમામ નેતાઓએ એકી અવાજે કેન્દ્ર સરકારના નિર્ણયને સ્વીકારવાની, સમર્થન આપવાની જાહેરાત કરી હતી. અલબત્ત, આપણી એજન્સીઓની ક્ષતિ - ખામીઓની તપાસ કરવાની માગણી પણ ગૃહપ્રધાન અમિત શાહે સ્વીકારી હતી.

અૉપરેશન સિંદૂર શરૂ થયા પછી - અને ભારતીય સેનાએ પરાક્રમ બતાવ્યા પછી કૉંગ્રેસના નેતાઓએ પુરાવા માગ્યા અને શંકા વ્યક્ત કરી. સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી પણ ઊભી છે. પાકિસ્તાને ભારતના વિરોધ પક્ષોના નેતાઓનાં નિવેદનો - વક્તવ્યો ટાંકીને પોતાનો બચાવ કર્યો છે. યુનાઇટેડ નેશન્સ સમક્ષ પણ આ રીતે બચાવ કરવામાં આવ્યો છે. આખરે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની લોન મેળવવામાં પાકિસ્તાન સફળ થયું છે. આ લોનનાં નાણાં પણ આતંકીઓના હાથમાં જશે એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ કહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન આતંકીઓને નાણાં આપે છે અને મની લૉન્ડરિંગના ધંધા પણ કરે છે એવી ફરિયાદ ભારતની છે. ભારત સરકારને લાગે છે કે માત્ર મોરચા ઉપર વિજય મળે તે પૂરતું નથી. પાકિસ્તાનનાં નાણાં તંત્ર અને આમ લોકોની હાલત ખરાબ થાય છે તે બતાવવું જોઈએ અને આ માટે વિદેશપ્રવાસનો નિર્ણય લેવાયો છે.

આગામી ચાર દિવસમાં સંસદસભ્યો અને એમની સાથે વિદેશ ખાતાના વરિષ્ઠ અનુભવી નિવૃત્ત સચિવો અને રાજદૂતો પણ જશે.

અમેરિકા, યુકે, યુરોપિયન યુનિયન, રશિયા, જાપાન, સાઉથ આફ્રિકા અને પશ્ચિમ એશિયાના દેશોની મુલાકાત લેશે અને ત્યાંની સંસદના શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોને મળશે અને પુરાવા સાથે માહિતી અપાશે. પાકિસ્તાની આતંકવાદ પુરવાર થશે. તેના પરિણામે પાકિસ્તાનને મળતાં નાણાં - લોન બંધ થઈ શકશે.

સંસદસભ્યોનાં પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય સૌપ્રથમ કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને જણાવીને સંસદીય બાબતોના પ્રધાને આશા વ્યક્ત કરી કે સહકાર મળશે. કૉંગ્રેસ પ્રમુખે એમના પક્ષના સંસદસભ્યોનાં નામ આપ્યાં છે. શશી થરૂર, ગુલામ નબી આઝાદ તથા અન્ય પક્ષોનાં સુપ્રિયા સુળે, શ્રીકાંત શિંદે પણ છે.

આ પ્રતિનિધિમંડળોમાં સામેલ થાય નહીં તો રાષ્ટ્રીય એકતાના વિરોધી હોવાની ટીકા થાય. કૉંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે અમે હંમેશાં રાષ્ટ્રીય હિતને પ્રથમ મહત્ત્વ આપીએ છીએ. ભાજપની જેમ રાજકારણ કરતા નથી! આવી રીતે દાંત કચડવાની કૉંગ્રેસની જૂની આદત છે.

ભાજપે મુખ્ય શહેરોમાં તિરંગા યાત્રા યોજીને અૉપરેશન સિંદૂરની સફળતા ઊજવવાની જાહેરાત કરી તેની સામે `જયહિંદ' યાત્રાની જાહેરાત કૉંગ્રેસે કરી! રાહુલ ગાંધીએ ડઝન જેટલાં શહેરોમાં આ યાત્રા યોજીને - રાષ્ટ્રીય સલામતી બાબત મોદીને સંખ્યાબંધ સવાલો પૂછવાની સૂચના આપી. ભાજપ અને મોદી જવાબ આપે કે યુદ્ધવિરામની જાહેરાત ટ્રમ્પે કેવી રીતે કરી? અને પહલગામના પાંચ હત્યારા સહિત તમામ આતંકીઓ ભારતના હવાલે થયા વિના યુદ્ધવિરામ માટે સંમતિ કેમ આપી?

આ પછી તો ટ્રમ્પસાહેબે ઘણા દાવા કર્યા અને ફેરવી તોળ્યા. હવે કૉંગ્રેસ સંસદની વિશેષ બેઠકની રાહ જુએ છે.