કૉંગ્રેસ નેતૃત્વ માટે કર્ણાટકનો મામલો કસોટીરૂપ બની રહ્યો છે. મુખ્ય પ્રધાનપદ માટેની ખેંચતાણ વચ્ચે પક્ષના મોવડીમંડળે સમાધાનના પ્રયાસો કર્યા. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારને એક તસવીરમાં સાથે ઊભા કરીને દાવો કરવામાં આવ્યો કે, બંને વચ્ચે કોઈ વિવાદ નથી, પરંતુ રાજ્યની જનતાથી લઈને રાજકીય આલમને સરકાર હાલકડોલક હોવાનો અંદાજ આવી ગયો છે. પ્રશ્ન એ પણ છે કે, કૉંગ્રેસ કર્ણાટકમાં બધું બરોબર હોવાનો ઢોલ પીટે છે, તો પક્ષના મહામંત્રી અને કર્ણાટકના પ્રભારી રણદીપ સૂરજેવાલાને ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો સાથે વાતચીત માટે રાતોરાત દોડાવ્યા શા માટે?
ગત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે સપાટો બોલાવ્યો એ પછી ડી.
કે. શિવકુમારને મુખ્ય પ્રધાનની ખુરશી પર બેસાડાશે એવી સંભાવના જોવાતી હતી, પરંતુ હાઈ
કમાન્ડે જાતિગત સમીકરણોને લઈને સિદ્ધારમૈયા પર પસંદગીનો કળશ ઢોળ્યો. ડી. કે.એ હસતા
ચહેરે કડવો ઘૂંટ ગળી લીધો, પણ મુખ્ય પ્રધાનપદે અઢી-અઢી વર્ષની ફૉર્મ્યુલા આવશે એવી
સંભાવના લગાતાર ચર્ચાતી રહી છે. એ દરમિયાન કૉંગ્રેસ હાઈ કમાન્ડે સિદ્ધારમૈયા પર વિશ્વાસ
જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. સૂરજેવાલાએ બેંગલોરમાં જ પત્રકાર પરિષદમાં સ્પષ્ટ એલાન
કર્યું કે, સિદ્ધારમૈયા મુખ્ય પ્રધાનપદે યથાવત્ રહેશે.
નોંધનીય છે કે, રાજસ્થાનમાં અશોક ગેહલોત મુખ્ય પ્રધાન હતા,
ત્યારે સચીન પાયલટનું જૂથ તેમના નેતાને સી.એમ.
બનાવવા માટે દાવપેચ રચતું રહ્યું હતું. પાયલટ અને ગેહલોતનો ઝઘડો જગજાહેર થઈ ચૂક્યો
હતો, છતાં પક્ષનું હાઈ કમાન્ડ ગેહલોતની પડખે રહ્યું હતું અને સચીન પાયલટનો દાવ વિફળ
ગયો હતો. ભાજપ અશાંત રાજ્યોમાં પગપેસારો કરવા માટે જાણીતો છે. કર્ણાટકમાં ગત વિધાનસભા
ચૂંટણીમાં કૉંગ્રેસે 224 બેઠક પૈકી 135 બેઠક કબજે કરીને સપાટો બોલાવ્યો હતો. 1989 પછીનો
આ શ્રેષ્ઠ દેખાવ હતો. ભાજપને 66 અને જેડીએસને ફાળે 19 બેઠક આવી હતી. 2018ની ચૂંટણીમાં
મળેલી 80 બેઠકની તુલનાએ કૉંગ્રેસે 55 બેઠક વધુ મેળવી હતી. આવા શાનદાર પ્રદર્શન પછી
રાજ્યની જનતા વિકાસની અપેક્ષા રાખે, ભ્રષ્ટાચારમુક્ત અને પારદર્શક વહીવટની ખેવના રહે.
અત્યારે આંતરવિગ્રહમાં રાજ્યનું કામકાજ ઠપ થઈ ગયું છે. રાજ્યની તિજોરી પણ ખાલી થવા
માંડી છે. કૉંગ્રેસ મોવડીમંડળ માટે કર્ણાટકમાં ગુંચવાયેલી સ્થિતિ ઉકેલવાનો પડકાર છે.
હાલઘડીએ મોવડીમંડળે બધું દબાવી દીધાનું જણાય છે, પણ ચર્ચા છે કે, બે-ત્રણ મહિનામાં
કર્ણાટકમાં કંઈક મોટું થશે. રાજ્યનું નેતૃત્વ બદલાઈ શકે છે... આગામી દિવસોમાં રાજ્યનું
રાજકારણ ઉકળતું રહેશે એમ જણાય છે.