પાકિસ્તાની આતંકી અડ્ડાઓને ખતમ કરવા માટે ભારતીય સેનાએ `અૉપરેશન સિંદૂર' શરૂ કર્યું ત્યાર પછી રાહુલ ગાંધી જાહેરમાં સરકારને, વડા પ્રધાન મોદીને એક પ્રશ્ન વારંવાર - પૂછી રહ્યા હતા - પાકિસ્તાને આપણા કેટલાં રાફેલ વિમાનો તોડી પાડયાં છે? જવાબ આપો પણ આપણી સેનાએ પાકિસ્તાનમાં કેટલા આતંકી અડ્ડા ખતમ - ખેદાન-મેદાન કર્યા - એવો પ્રશ્ન એમણે ક્યારેય પૂછ્યો નથી!
હવે એમના પ્રશ્ન પાછળનું રહસ્ય સમજી શકાય
છે. ચીને પાકિસ્તાનને આપેલાં શત્રો-વિમાનો-ભારત સામે વાપર્યાં છે તેમાં પાકિસ્તાને
ભારતનાં રાફેલ તોડી પાડયાં હોય એ શક્ય છે - પણ આવી માહિતી એમને ક્યાંથી મળી? ચીન સાથે
એમની મૈત્રી સૌ જાણે છે તેથી આ પ્રશ્ન ઊઠે છે!
ભારતીય સેનાના નાયબ વડા - લેફ. જનરલ રાહુલ
સિંહે આપેલી માહિતી મુજબ ભારતીય સેનાની હિલચાલની તમામ માહિતી સેટેલાઇટથી મેળવીને પાકિસ્તાનને
આપવામાં આવતી હતી - અને ભારત જાણે છે! ભારત બ્રહ્મોસ મિસાઇલ છોડવા તૈયાર છે એવી માહિતી
આપીને ચીને જ યુદ્ધવિરામ કરવા જણાવ્યું હોવું જોઈએ અને તે પછી પાકિસ્તાને ટ્રમ્પની
મદદ માગી - તેથી ટ્રમ્પ દાવો કરે છે કે એમણે ભારત ઉપર દબાણ કર્યું - હતું - આપણે આ
દાવાને રદિયો આપ્યો છે.
પાકિસ્તાનના એક સિનિયર પ્રધાને ત્યાંના
પત્રકારને કહ્યું છે કે ભારતના બ્રહ્મોસમાં પરમાણુ શત્ર છે કે નહીં તે ચકાસવા માટે
માત્ર 45 સેકન્ડનો સમય હતો અને શક્ય નહોતું. તેથી યુદ્ધવિરામની માગણી કરી. ભારતે જો
બ્રહ્મોસ છોડયું હોત તો પાકિસ્તાનમાં ઘણી ખાનાખરાબી થઈ હોત.
ભારતીય સેનાના નાયબ વડા લેફ. જનરલ રાહુલ
સિંહે અૉપરેશન સિંદૂર વખતે ચીને પાકિસ્તાનને આપેલી શત્ર સરંજામ અને કરેલી મદદની ચોંકાવનારી
માહિતી જાહેરમાં આપી છે. એમના જણાવવા મુજબ ભારત સામે પાકિસ્તાન તો માત્ર મહોરું હતું,
તેના નકાબ પાછળ ચીન અને તુર્કી હતા. ચીન પાકિસ્તાનને શત્રો પૂરાં પાડે છે તેની નવાઈ
નથી પણ ચીને પોતાનાં શત્રો `ચકાસવા' માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો - જેથી અંદાજ આવે
કે શત્રો કેટલાં અસરકારક છે! તુર્કીએ પાકિસ્તાનને પોતાના ડ્રૉન આપ્યા અને તે ભારત ઉપર
છોડવા માટે ટેક્નિશિયનો પણ મોકલ્યા - અલબત્ત, ભારતમાં બનેલાં શત્રો-સરંજામ સામે ચીની
મિસાઇલ અને તુર્કીના ડ્રૉન તૂટી પડયાં હતાં.
લેફ. જનરલ રાહુલ સિંહ કહે છે કે ભવિષ્યમાં
બે મોરચા ઉપર લડવા આપણે તૈયાર રહેવું પડશે. ઇઝરાયલે આકાશી સુરક્ષા છત્ર-ચક્રની વ્યવસ્થા
કરી છે તે ઘણી ખર્ચાળ છે અને આપણા જેવા વિશાળ દેશ માટે શક્ય નથી.
યુદ્ધવિરામ માટે આપણે સંમતિ આપી તેના ટીકાકારોને
લેફ. જનરલે જવાબ આપ્યો છે : યુદ્ધ શરૂ કરવાનું આપણા હાથમાં હોય છે પણ તેનો વ્યાપ રોકવાનું
- બંધ કરવાનું નહીં. ભવિષ્યમાં આપણાં શહેરો - ગીચ વસ્તીવાળા વિસ્તારોનાં રક્ષણ માટે
સાવધાન રહેવું પડશે.