બિહાર બાદ હવે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી પંચ સામે વિરોધી પક્ષોએ મોરચો ખોલ્યો છે. વાસ્તવમાં ઇન્ડિ મોરચા અને ભાજપ વિરોધી પક્ષો પાસે કોઈ મુદ્દા નથી, આથી વોટ ચોરી અને ચૂંટણી પંચને વગોવવાનું શરૂ કર્યું છે. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના સર્વેસર્વા રાજ ઠાકરેએ મોરચો ખોલ્યો છે અને મહાપાલિકા અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ પહેલાં ગોરેગાંવમાં કાર્યકર્તાઓના મેળાવડામાં આક્ષેપ કર્યો છે કે, મતદાર યાદીમાં 96 લાખ ખોટા મતદારોનાં નામ ઘુસાડવામાં આવ્યાં છે. રાજ ઠાકરે આ આંકડો ક્યાંથી લાવ્યા એ તો સ્પષ્ટ કર્યું નથી. તો, મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોએ મતદાર યાદીમાંનાં નામો બાબતે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હોવાથી પહેલી નવેમ્બરે મુંબઈમાં ચૂંટણી પંચ વિરુદ્ધ મોરચો કાઢવાની જાહેરાત કરી છે. બિહારમાં મતદાર યાદીઓમાંથી નામ કાઢી નાખવામાં આવ્યાં હોવાના મુદ્દે કૉંગ્રેસના રાહુલ ગાંધીએ વિરોધનો શંખ ફૂંક્યો હતો, તો મહારાષ્ટ્રમાં વોટર્સ લિસ્ટમાં વધારાનાં નામને લઈને વિરોધ થઈ રહ્યો છે. રાજનો દાવો છે કે, મુંબઈ, થાણે, પુણે અને નાસિક જેવાં શહેરોમાં મતદાર યાદીમાં એંસી હજારથી વધુ મતદારોનાં નામ ઉમેરવામાં આવ્યાં છે. મતદાર યાદીમાં દુરસ્તી ન થાય ત્યાં સુધી ચૂંટણી નહીં એવી હાકલ પણ તેમણે કરી છે.
ફરી એકવાર રાજ
ઠાકરેએ ભાજપ સામે મોરચો ખોલ્યો છે. ચૂંટણી પંચ ભાજપનાં મળતિયાંની જેમ કામ કરે છે, એવા
આક્ષેપ ઉપરાંત મુંબઈને અદાણી-અંબાણીના ચરણે ધરી દેવાનો કારસો હોવાની વાત પણ રાજ ઠાકરેએ
કાર્યકર્તાઓના મેળાવડામાં કરી હતી. તેમનું કહેવું છે કે, રસ્તા, ઍરપોર્ટ, અટલ સેતુ,
બુલેટ ટ્રેન વગેરે બધું નાગરિકોની સુવિધા માટે બાંધવામાં આવી રહ્યું નથી, આ તો બધી
જમીનો અદાણી-અંબાણીના ખિસ્સામાં સેરવવાનો કારસો છે. આ સાથે જ મતદાર યાદીઓમાં 96 લાખ
ખોટાં નામોનો મુદ્દો પણ તેમણે ઉપાડયો છે. સ્પષ્ટ દેખાય છે કે, રાજ ઉપરાંત શિવસેના
(યુબીટી), કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી (શરદ પવાર) પાસે ચૂંટણી લડવા માટે કોઈ મુદ્દો જ
નથી, આથી તેઓ મતદારોનું ધ્યાન ભટકાવવાનું કામ કરી રહ્યા છે. મુંબઈ મહાનગર પાલિકા તથા
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રના રાજકીય પક્ષો રાહુલ ગાંધીચીંધ્યા
માર્ગે આગળ વધી રહ્યા હોય એવું જણાય છે.