• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

ટ્રમ્પ ટેરિફમાં રાહત આપશે?

વ્હાઈટ હાઉસમાં દિવાળીનો ઉત્સવ ઊજવાયો અને વિઝા ફીમાં રાહત જાહેર કરી તે પછી હવે ટ્રમ્પ ભારત ઉપર ટેરિફમાં રાહતની જાહેરાત કરશે એવી આશા જાગી છે. ટ્રમ્પે મોદીનાં વખાણ કર્યાં - `અચ્છે મિત્ર' કહ્યું. ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ રહેશે. `બન્ને દેશોમાં સમજદાર શાસકો' છે - એવી આશા વ્યક્ત કરી છે પણ તેનાથી આપણે ખુશ થઈ જવાની જરૂર નથી. કારણ કે ભારત રશિયાથી તેલ આયાત સંપૂર્ણ બંધ કરે એવું એમનું દબાણ છે. ભારત સ્વીકારે નહીં પણ આયાત ઘટાડે તે શક્ય છે. ટ્રમ્પ ભાવ ઘટાડા અને સસ્તા તેલપુરવઠાની ખાતરી આપે છે. એમના માટે અમેરિકા ફર્સ્ટ હોય તો આપણા માટે ભારત ફર્સ્ટ છે જ. પાડાના વાંકે - કે બહાને - `પખાલીને ડામ' આપવાની પહેલ ટ્રમ્પે કરી છે. હવે એમને ભાન થયું છે કે એમના ટેરિફ આક્રમણ - અને ભારતનું અર્થતંત્ર સક્ષમ છે. મરણપથારીએ હોવાની ટીકાની આપણા ઉપર કોઈ અસર નથી.

ભારત-અમેરિકા વચ્ચે સમજૂતી થવાની પૂરી શક્યતા રાજધાનીમાં ચર્ચાઈ રહી છે. મુખ્ય મુદ્દો રશિયન તેલનો છે. ટ્રમ્પ કહે છે કે યુક્રેન ઉપર રશિયાનું આક્રમણ બંધ કરાવવા માટે ભારત રશિયન અૉઈલની ખરીદી બંધ કરે તે જરૂરી છે. ભારતને તેલ વેચીને પુતિન લડાઈ માટે પૈસા મેળવે છે એવો ટ્રમ્પનો આક્ષેપ છે. આપણી દલીલ એટલી જ છે કે રશિયાની જેમ અમેરિકા પણ સસ્તા ભાવે તેલ આપે તો જ રશિયન પુરવઠામાં કાપ મૂકવાનું શક્ય બને. જાણકાર સૂત્રોના અહેવાલ અનુસાર ભારત ધીમે ધીમે રશિયન તેલની ખરીદી ઘટાડશે અને અમેરિકાથી મકાઈ અને ઈથેનોલની ખરીદી વધારશે. સમજૂતી થાય તો ટ્રમ્પના ટેરિફ દર ઘટાડીને 15 ટકા થવાની ધારણા છે. ભારત ઉપર અમેરિકી મકાઈ અને સોયામિલ્ક ખરીદવા માટે દબાણ છે. ડેરી ઉત્પાદન ખરીદવાનો આગ્રહ છે પણ ભારતનો ડેરી ઉદ્યોગ સક્ષમ હોવાથી આપણા પશુપાલકો અને ડેરી ઉદ્યોગના રક્ષણ માટે ભારત નમતું જોખવા તૈયાર નથી.

હકીકતમાં ચીને અમેરિકી મકાઈની આયાતમાં ધરખમ ઘટાડો કર્યો છે. 5.2 બિલિયન ડૉલરની હતી તે હવે ઘટીને માત્ર 33 કરોડ ડૉલરની થઈ છે તેથી હવે ભારત ઉપર દબાણ થાય છે કે તમે ખરીદો! અમેરિકા પોતાનાં ખેડૂતોનાં હિતની રક્ષા કરે છે તો ભારતે કિસાનો ઉપરાંત કરોડો ઉપભોક્તાનાં હિતનો વિચાર પણ કરવો પડે.

અમેરિકામાં આયાત થતા ભારતીય માલસામાન ઉપર પચાસ ટકા ટેરિફ નાખીને ભારતના અર્થતંત્રની ટીકા કરનારા ટ્રમ્પને હવે ખબર પડી છે કે ભારતનું અર્થતંત્ર પડી ભાંગ્યું નથી - ઊલટાનું પડકાર સામે નવું જોમ છે. વિશ્વમાં નવી બજારો ખૂલી રહી છે અને ભારતમાં સ્વદેશી અભિયાનનો `પરચો' જોવા મળ્યો છે. રિઝર્વ બૅન્કના નિષ્ણાતોના અહેવાલ અનુસાર અમેરિકી ટેરિફ વધારાની કોઈ મોટી- મહત્ત્વની અસર પડી નથી. સ્વદેશી માગ વધી છે તેથી આપણા વિકાસ-દર ઉપર ટેરિફની કોઈ વિપરીત અસર પડવાની શક્યતા નથી.

રિઝર્વ બૅન્કના બુલેટિનમાં પ્રકાશિત લેખ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં વાહનોની માગ સાથે ટ્રેક્ટરની માગ પણ વધી છે તે સૂચક છે. શહેરી વિસ્તારોમાં ઈલેક્ટ્રોનિક્સ અને ગ્રાહકોપયોગી માલસામાનની માગ વધી છે તે જીએસટી બચતનું પરિણામ છે.

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફી વધારીને એક લાખ ડૉલર કર્યા પછી હવે તેમાં રાહત - છૂટછાટ આપી છે તેના પરિણામે ભારતના વિદ્યાર્થીઓને રાહત મળશે પણ આ સાથે અમેરિકન કંપનીઓને પણ લાભ છે. વિઝા ફી વધારાનો બોજ ભોગવવો નહીં પડે. જે લોકો અત્યારે અમેરિકામાં છે અને H1B વિઝા મેળવવા માગે છે અથવા અમેરિકામાં રહેવા માટે મુદત વધારવા માગે છે અથવા સર્વિસ બદલીને અન્ય અમેરિકન કંપનીમાં જોડાતા હોય તે સૌને એક લાખ ડૉલરના વિઝા બોજમાંથી મુક્તિ મળે છે.

અત્યારે અમેરિકામાં હજારો વિદેશી વિદ્યાર્થીઓ F1 વિઝામાંથી H1B વિઝા મેળવવા માટે પ્રતિવર્ષ `લૉટરી' ઉપર આશા રાખીને રાહ જોતા હોય છે. આવા લોકોની વિઝા ફી અમેરિકન કંપનીએ ભરવાની જોગવાઈ છે પણ આ માટે કંપનીઓ ઉપર ઘણો આર્થિક બોજ પડે તે ભોગવવા તૈયાર નથી અને વિદેશી વિદ્યાર્થીઓએ ભોગવવો પડે તેવી સ્થિતિ હતી - તેમાં રાહત મળી છે. હવે અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓને સર્વિસમાં લેવા માટે કંપનીઓને મોકળાશ મળશે. ભારતીય કંપનીઓ પણ અમેરિકા સ્થિત લોકોની ભરતી કરે છે. ટીસીએસના જણાવવા મુજબ H1B વિઝા ઉપર તેના માત્ર વાર્ષિક 500 લોકો જતા હતા. ઘણા ઓછા કર્મચારીઓ કંપનીની `ઈમિગ્રેશન સર્વિસ'નો લાભ લેતા હતા. હવે વિઝા ફીમાં જે રાહત-છૂટછાટ આપવાની જાહેરાત થઈ છે તેનો લાભ F1 વિઝા ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓને મળશે. અમેરિકાની કંપનીઓ અથવા સ્ટાર્ટઅપ કંપનીઓમાં આસાનીથી જોડાઈ શકશે. એક લાખ ડૉલર ભરવા નહીં પડે. 

આમ - આપણા વિદ્યાર્થીઓને રાહત મળી છે પણ અમેરિકી કંપનીઓ અને અમેરિકાના અર્થતંત્રના હિતમાં આ નિર્ણય લેવાયો છે. આડેધડ ફી વધારાની જાહેરાત કર્યા પછી હવે ટ્રમ્પને ભાન થયું છે કે તેમના `પ્રહાર'નો ભોગ આખરે અમેરિકા બનશે. ભારતીય નિષ્ણાતો માટે તો `ઘરવાપસી'નો વિકલ્પ છે.

ભારત-અમેરિકા વચ્ચે સમજૂતી થવાની પૂરી શક્યતા રાજધાનીમાં ચર્ચાઈ રહી છે. મુખ્ય મુદ્દો રશિયન તેલનો છે. ટ્રમ્પ કહે છે કે યુક્રેન ઉપર રશિયાનું આક્રમણ બંધ કરાવવા માટે ભારત રશિયન અૉઈલની ખરીદી બંધ કરે તે જરૂરી છે. ભારતને તેલ વેચીને પુતિન લડાઈ માટે પૈસા મેળવે છે એવો ટ્રમ્પનો આક્ષેપ છે                 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ