• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

નોટ બદલી આવકાર્ય  

બે હજાર રૂપિયાની નોટ પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે રાજકીય નેતાઓ તો વિરોધ કરે તે સ્વાભાવિક છે, પણ નાણાશાત્રીઓ અને નિષ્ણાતોમાં પણ મતભેદ છે. આ નિર્ણય જરૂરી હોવા બાબત તથા તેની સફળતા બાબત બે-મત છે. અલબત્ત, નોટોનાં બંડલ કોથળા ભરીને હતાં તે હવે ખૂલી રહ્યા છે તેથી બિન-હિસાબી નાણાં હોવાનું સાબિત થાય છે. ભૂતકાળમાં એક વખત બ્લૅક મની બહાર લાવવા માટે પ્રશ્નો નહીં પુછાય, તપાસ નહીં થાય એવી માફીયોજના જાહેર થઈ હતી. અત્યારે તેનું નાનું સ્વરૂપ છે, પણ આખરે કેટલી નોટો જમા થાય છે તેના ઉપરથી સફળતાનો અંદાજ આવી શકશે, પણ આ નિર્ણય સામાન્ય જનતાને પરેશાન કર્યા વિના બ્લૅક મની બહાર લાવવા માટે છે એટલું તો સ્વીકારવું રહ્યું. વિવાદ જગાવનારાનાં સ્થાપિત હિત હોઈ શકે છે. 

બે હજાર રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયાના પ્રથમ દિવસે મોટાં શહેરો અને દેશની નાની મોટી બૅન્કોમાં અસ્પષ્ટતાનો માહોલ હતો. નોટ બદલવા પહોંચેલા લોકોને પરેશાનીનો સામનો કરવો પડયો હતો. મોટા ભાગની બૅન્કોએ રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાની ગાઈડલાઈન્સનું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 20 હજાર સુધીની નોટ બદલવા કોઈ ફૉર્મ કે આઈડીની આવશ્યક્તા નથી, તેનું પાલન કર્યું નહીં. રિઝર્વ બૅન્કે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો બૅન્કમાં તમારું ખાતું હોય નહીં તોપણ તમે વિના કોઈ ઔપચારિક્તા નોટો બદલાવી શકો છો. આમ છતાં પહેલા દિવસે જ મોટા ભાગની બૅન્કોમાં ફૉર્મ ભરવાં સહિત ઘણી વિગત માગવામાં આવી. 

બીજી બાજુ દેશની અનેક બૅન્કોમાં લાઈનો લાગી નહોતી. કારણ કે નોટોનું ચલણ ઘણા વખતથી ઓછું થઈ ગયું હતું. આરબીઆઈના આંકડા અનુસાર 31 માર્ચ, 2023ના સર્ક્યુલેશનમાં હાલની બે હજારની નોટોની સંખ્યા કુલ નોટોની સંખ્યાની 10.3 ટકા રહી ગઈ છે. બીજું, 2016માં નોટબંધીથી વિપરીત આ વેળા આ નોટોનું લીગલ ટૅન્ડર યથાવત્ રાખવામાં આવ્યું છે. તે બદલવાની સમયસીમા પણ પૂરતી એટલે કે 30 સપ્ટેમ્બર સુધી રાખવામાં આવી છે. રિઝર્વ બૅન્કે હૈયાધારણ પણ આપી છે કે આવશ્યક્તા પડયે આ સમય મર્યાદા વધારી પણ શકાય છે. 

ભલે વસતિની બહુમતીને આ `નોટબંધી'ની અસર નથી, પણ ઘોષણાએ બધાને ચોંકાવી દીધા હતા અને તેઓનાં મનમાં થતા નોટબંધીના કડવા અનુભવો તાજા થયા હતા. આ ઉપરાંત નોટબંધીની સરખામણીમાં વધુ સતર્કતા અને વધુ સહજતાથી અમલ કરવાના પ્રયાસો છતાં આ વેળા અનિશ્ચિતતા અને અસમંજસની સ્થિતિ ટાળી શકાઈ નથી. પ્રથમ નોટબંધી વેળા કેટલીક બૅન્કોના મૅનેજરો અને ડિરેક્ટરોએ કાળું નાણું ધરાવનારાઓ સાથે હાથ મિલાવીને નોટબંધીના ઉદ્દેશ્યને મારવાનું કામ કર્યું હતું અને લોકોમાં સરકાર પ્રતિ રોષનું વાતાવરણ ઊભું કર્યું હતું એવું જ કંઈક આ વેળા થયું છે. 

બીજા દિવસથી નોટો બદલવાનું કામ સરળતાથી થયાના અહેવાલ છે. એટલે કે રિઝર્વ બૅન્કે જરૂર બૅન્કોને નોટો બદલવામાં તકલીફ પડે નહીં તે માટેની સૂચનાનો કડકાઈથી અમલ કરવાનું કહ્યું હશે. આ બધાના અમલ માટે રિઝર્વ બૅન્કે ગ્રાહકોની ફરિયાદો માટે પોલીસની જેમ એક કન્ટ્રોલ રૂમ ખોલ્યો હોત તો ગ્રાહકોની હાલાકી નિવારી શકાઈ હોત.