• મંગળવાર, 25 જૂન, 2024

એનડીએ સરકાર : નરેન્દ્ર મોદીની કસોટી  

એનડીએ સંસદીય પક્ષના નેતા ચૂંટાયા પછી નરેન્દ્ર દામોદરદાસ મોદી ત્રીજી વેળા વડા પ્રધાનપદના શપથ લઈ રહ્યા છે. ગઠબંધનનું રાજકારણ શરૂ થાય છે. અગાઉની નરેન્દ્ર મોદી સરકાર પણ એનડીએ ગઠબંધનની સરકાર હતી, પણ બન્ને ટર્મમાં ભાજપને 272થી વધુ સંપૂર્ણ બહુમતી મળી હોવાથી ગઠબંધનનું ખાસ મહત્ત્વ નહોતું. વખતે ભાજપની સંખ્યા ઘટી હોવાથી એનડીએના સાથી પક્ષોનું મહત્ત્વ વધી ગયું છે. ભાજપ માટે આવી સંયુક્ત સરકારની નવાઈ નથી. અટલ બિહારી વાજપેયીજીની સરકાર વખતે એમણે `રાજધર્મ' પાળ્યો હતો. જયલલિતા, મમતાદીદી અને માયાવતીના મિજાજ અને દૂરાગ્રહનો અનુભવ લીધો અને તે છતાં સૌને સંભાળ્યા હતા. આવી રીતે મોદીએ પણ એનડીએ પરિવાર સંભાળી રાખવો પડશે. ગુજરાતમાં તો આવી જરૂર નહોતી પણ નવી દિલ્હીમાં એમણે ભાગીદાર પક્ષોને સાચવ્યા છે. હવે થોડા સમજાવવા પણ પડશે.

ગઠબંધન સરકારનું સંચાલન નરેન્દ્ર મોદીની ક્ષમતા અને સૌને સાથે લઈને ચાલવાના રાજકીય કૌશલની કસોટી કરશે. તેમની પાસે પડકારોની વચ્ચે દેશની સમસ્યાઓનો ઉકેલ લાવવાની આવડત અને દૃષ્ટિ છે. ગઠબંધન સરકારોના કેટલાક સકારાત્મક પાસાં હોય છે તો કેટલાક નકારાત્મક પણ. ગઠબંધન સરકારોનું નેતૃત્વ કરનારા નેતાએ ઘટક પક્ષોના સમન્વય સાથે ચાલવું પડે છે. સમસ્યા ત્યારે આવે જ્યારે ઘટક પક્ષો અનુચિત માગો પર ભાર મૂકે અથવા સોદાબાજી કરવાના પ્રયાસ કરે. લોકતંત્રમાં બહેતર રીતે કામ કરવા માટે આવશ્યક છે કે વિપક્ષ સક્રિય હોય સાથે સકારાત્મક પણ હોય. આપણે દસ વર્ષમાં જોયું છે કે સંસદમાં વિપક્ષોનો અસહકાર હતો. લોકતંત્રમાં શક્તિશાળી વિપક્ષ આવશ્યક છે, પરંતુ વિપક્ષ શક્તિશાળી હોય તો પણ સક્રિય બની શકે છે. પોતાની હાજરી બતાવવા ધાંધલ-ધમાલ કરવાની જરૂર નથી. મુદ્દાસર સરકારનો વિરોધ કરીને વૈકલ્પિક સૂચનોનો આગ્રહ રાખી શકાય. સરકારે પણ વિપક્ષી સહકાર માટે પહેલ કરવી જોઈએ.

એનડીએની બહુમતી છે અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને બીજા કિંગમેકર ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ મોદીના સંસદીય પક્ષના નેતા બનવા પર મહોર મારી છે તો સ્પષ્ટ છે કે સરકારની સ્થિરતા બાબત તાત્કાલિક કોઈ સમસ્યા નથી.

ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયીએ પણ ગઠબંધન સરકારનું કુશળતાથી સંચાલન કર્યું અને આવશ્યક સુધારા વધાર્યા તેમ કરવામાં મોદી પણ સફળ થશે. સરકારે હવે જોવાનું રહેશે કે કયા મુદ્દાઓ પર લોકોની નારાજગી છે. જનતાની રાહત માટે પગલાં ભરવાં પડશે. નોકરિયાત અને મધ્યમ વર્ગો માટે રાહતનાં નક્કર પગલાં ભરવાં જરૂરી છે. વિપક્ષ પણ માત્ર ટીકાકાર બની રહે, વિકાસમાં પોતાની ભૂમિકા નિભાવે. તો સંસદની કાર્યવાહી અને સરકારની કામગીરીને જનતાના આશીર્વાદ મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક