• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

90મા વર્ષના આરંભે...  

રાષ્ટ્ર સાથે મહારાષ્ટ્રની `અમૃત યાત્રા' શરૂ થઈ છે. રાષ્ટ્રના વિકાસમાં આર્થિક પાટનગર મુંબઈ સિંહફાળો આપે છે. અમૃત યાત્રામાં નવો અવતાર ધારણ કરેલા આ મહાનગર અને અહીં વસેલા તમામ `મુંબઈકર' કોરોનાના કપરાકાળનો ભૂતકાળ ભૂલીને અમૃતકાળને વધાવવા માટે - અને યથાશક્તિ યોગદાન આપવા માટે થનગને છે ત્યારે આપનું પ્રિય `જન્મભૂમિ' પણ શતાબ્દી ભણી કૂચના સહ-યાત્રી વાચકોનું અભિવાદન કરતાં ગૌરવ અનુભવે છે. આજે પ્રકાશનના નેવુંમા વર્ષમાં પ્રવેશના શુભ અવસરે-મહાનગરના નવા અવતાર અને જનજીવનમાં થઈ રહેલા પરિવર્તન ઉપર દૃષ્ટિપાત કરાવતી `િવશેષ પૂર્તિ' પ્રિય વાચકોને અર્પણ કરતાં વિશેષ આનંદની લાગણી છે. 

મહાનગરમાં થઈ રહેલા પરિવર્તન બદલ ખુશી વ્યક્ત થાય છે તો સાથે સમૃદ્ધિમાં સાવધાની અનિવાર્ય હોવાનો લાલ-ઈશારો પણ છે. મહારાષ્ટ્ર વિદેશ મૂડીરોકાણમાં ગુજરાત અને કર્ણાટકથી આગળ - હવે પ્રથમ નંબરે છે. હવે 30મી જૂને રાજ્યમાં સરકાર બદલાયા પછી વિકાસ યોજનાઓના અમલમાં ગતિ આવી છે. મુંબઈની સંખ્યાબંધ યોજનાઓ - જે ડેવલપરોએ છોડી દીધી હતી એ પણ શરૂ થઈ રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કહે છે - રહેવાસીઓના લાભ વધશે અને જેઓ મુંબઈથી દૂરનાં પરાંમાં સ્થળાંતર કરી ગયા છે તેઓ પણ ઘર વાપસી-મુંબઈ વાપસી કરી શકશે.

મુંબઈ હવે `સ્લમ્બૅ'નું વિશેષણ ભૂંસીને સમગ્ર નવી મુંબઈ બની રહ્યું છે. `નવી'નો વ્યાપ અને વ્યાખ્યા પણ બદલાઈ રહ્યાં છે. મુંબઈમાં મુખ્ય સમસ્યા - (અને સમૃદ્ધિ)ના પાયામાં-વસાહતીઓ-સૌની કર્મભૂમિ હોવાથી `મુંબઈકર'-ની સંખ્યા વધતી જાય છે. આવાસ-રહેઠાણ અને પરિવહન-ટ્રાન્સપોર્ટ મુખ્ય સમસ્યા છે. દાયકાઓથી મુંબઈની લાઇફ-લાઈન જીવાદોરી ગણાતી પરાંની ટ્રેનોની નિયમિતતા અને હકડેઠઠ ભીડ-ચર્ચા અને ફરિયાદનો વિષય રહ્યા છે, છતાં વિકલ્પ નહીં હોવાથી લોકો ટુ વ્હીલર અને પોષાય તેવી મોટરકાર ભણી વળવા લાગ્યા.

અહીંના રાજમાર્ગો ઉપર મર્સિડીઝ અને મારુતિ પણ સતત દોડે છે. વાહનોની સંખ્યા જનસંખ્યા સાથે સ્પર્ધામાં ઊતરી છે પરિણામે માર્ગો સાંકડા પડવા લાગ્યા અને પાર્કિંગ માટે પૃથ્વીના પેટમાં ખાડા ખોદવાની જરૂર પડી, પણ ક્યાં સુધી? મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મુંબઈ, થાણે, નવી મુંબઈ અને મીરા-ભાયંદરનો સમાવેશ થયો છે. ખૂણે ખૂણાને જોડતી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા અનિવાર્ય છે તેથી ગતિમાન-માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ગોઠવાઈ રહી છે. મેટ્રો, મોનો રેલ અને લોકલ ટ્રેનોનો વર્ષ 2026 સુધીમાં તો 12થી 13 કરોડ ઉતારુઓને લાભ મળવાનો અંદાજ છે. 2031 સુધીમાં મેટ્રો 40 કિમી અને 2041 સુધીમાં 100 કિમી સુધી પહોંચશે જે માત્ર ભારતમાં સૌથી વ્યાપક-વિશાળ હશે. એટલું જ નહીં, લંડન અને ન્યૂ યૉર્કની વ્યવસ્થાથી પણ આગળ હશે એવું આયોજન છે.

વાહન-વ્યવહારની મુશ્કેલીના કારણે ખાનગીવાહનો - ટૅક્સી, કાર, મોટરસાઇકલોની માગ વધવા લાગી. 2005માં પબ્લિક ટ્રાન્સપોર્ટ - બસ અને ટ્રેન ઉપર 78 ટકા આધાર રાખતા હતા જે 2017માં ઘટીને 65 ટકા થયો. વિશ્વના કોઈપણ મોટા શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપરના મદારમાં આવો ઘટાડો થયો નથી. હવે આગામી ભવિષ્યમાં નવી વ્યાપક વ્યવસ્થાથી ટ્રાફિક-જામ, પાર્કિંગ અને સમય વ્યય થવાની સમસ્યાનું નિરાકરણ થવાની આશા છે. પરાંની ટ્રેનોના ઉતારુઓની સંખ્યા ઘટતી હોવાના અહેવાલ શરૂ પણ થયા છે!

મુંબઈ માટે કહેવાતું હતું કે `રોટલો મળે પણ ઓટલો નહીં!'

હવે જૂનું મુંબઈ નવું બની રહ્યું છે. ઠેરઠેર આકાશને આંબતા ટાવર બની રહ્યાં છે, પણ નવા અને જૂના વચ્ચે સમતુલા જળવાતી નથી - ખુલ્લાં મેદાનોની સંખ્યા અને ક્ષેત્ર ઘટી રહ્યાં છે. અલબત્ત, કેટલાક જાગૃત નાગરિકોએ મેદાન-બચાવો અભિયાન શરૂ કરીને સફળતા મેળવી છે.

નવી ઈમારતો અને બીલ્ડરો અનિવાર્ય છે, પણ મોટા ભાગના કિસ્સાઓમાં વધારાની ફી ભરીને ખુલ્લી જગ્યામાં અતિક્રમણ થાય છે. જૂનાં મકાનો પાડીને નવા ટાવર બાંધવાની પરવાનગીમાં જૂના ભાડૂતો માટે અનામત-ઘર પ્રબંધની કાનૂની વ્યવસ્થા છે પણ આ માટે એફએસઆઈ વધારવાની સત્તા કમિશનરને છે! નવાં મકાનો બની રહ્યાં છે પણ બાંધકામના કારણે મુંબઈ ધૂળિયું બની ગયું છે. હવાના પ્રદૂષણના કારણે વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ ઉપર અસર પડી રહી છે. તળમુંબઈથી સ્થળાંતર કરીને પરાંમાં ગયેલા ઘણા પરિવારો `નવી' બની રહેલી મુંબઈમાં પાછા આવી રહ્યા છે.

દક્ષિણ મુંબઈ- અને હવે પરાં વિસ્તારમાં પણ વિસર્જન અને નવસર્જન થઈ રહ્યાં છે ત્યારે સમસ્ત મુંબઈ ઉપર ધૂળનું આવરણ છવાયું છે. ધૂળ પ્રસાર રોકવા માટે નિયમો છે, પણ `અપવાદ'નો લાભ વધુ મળે છે. પરિણામે હવામાનના પ્રદૂષણની સૌથી ગંભીર સમસ્યા છે.

આજની `િવશેષ પૂર્તિ'માં આ વિષયોની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આશા છે જાગૃત અને સક્રિય વાચકો માટે માહિતીપ્રદ બનશે. આપનાં સલાહ-સૂચન અને ફરિયાદ હંમેશાં સ્વીકાર્ય-આવકાર્ય છે.

સૌરાષ્ટ્ર ટ્રસ્ટ - જન્મભૂમિની પ્રણાલી રહી છે : મીડિયા ધર્મ અને માનવ ધર્મના સંયોજનની. આ અનુસાર માનવકલ્યાણ અને સમાજસેવાના સમાચારને જન્મભૂમિમાં નિયમિત પ્રાધાન્ય અપાય છે. પ્રતિ વર્ષની જેમ આજના વિશેષ અંકમાં સમાજસેવી સંસ્થાઓની પ્રવૃત્તિની માહિતી આપવામાં આવી છે - આ પરિચય પ્રતીકાત્મક છે. આવી અન્ય ઘણી સંસ્થાઓ સેવામાં પ્રવૃત્ત છે - સૌને જન્મભૂમિ સમર્પિત છે. સામાજિક, રાહત, વિકાસ ક્ષેત્રમાં સેવાભાવી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ છે.

કોરોના મહામારી પછી અખબાર વાંચવાની આદત છૂટી ગઈ હોવાનું મનાય છે. મહાનગરમાં મોટાભાગના લોકોનો સમય પ્રવાસમાં વ્યતીત થાય છે તે સાચું છે પણ અખબારનું સ્થાન `મોબાઇલ' લઈ શકે નહીં. `વિન્ડો શોપિંગ'ની જેમ વિન્ડો રીડિંગ માત્ર મનમનાવવા માટે છે - એ વાસ્તવિકતા સ્વીકારીને હવે અખબાર હાથમાં આવે ત્યારે આત્મીયતા અનુભવી રહ્યા છે.

અત્યારે `સ્માર્ટ' યુગ છે. સ્માર્ટ ફોન ઉપર આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં સમાઈ જાય છે અને મનોરંજન, મીડિયા, બૅન્કિંગ, ધંધા-વ્યાપાર - ઈ-કૉમર્સ તમામ વહેવાર આંગળીના ટેરવાંથી થાય છે ત્યારે જન્મભૂમિ પત્રો પણ અક્ષમજ્ઞિશમ, ઈંઘજ અને ઠશક્ષમજ્ઞૂત ઉપર પ્રાપ્ય છે. વિદેશોમાં સ્થાયી અથવા `પ્રવાસી' ગુજરાતીઓ મોટી સંખ્યામાં સ્વદેશનો સંપર્ક જાળવે છે. આ અદ્યતન ટેક્નૉલૉજીનો એક મહત્ત્વનો લાભ એ છે કે આપણી યુવા પેઢી - કિશોર - કિશોરીઓ જેઓ અંગ્રેજી ભાષાના માધ્યમમાં શિક્ષણ લઈ રહ્યાં છે - તેઓ પણ માતૃભાષા પ્રતિ આકર્ષાઈ રહ્યાં છે. આજના વિશેષ અંકમાં માતૃભાષા ગુજરાતીનું શિક્ષણ આપવા અને પ્રસાર કરતી સંસ્થાઓનો પરિચય આપ્યો છે. આ માતૃભાષા પ્રેમીઓને સલામ.

વિજ્ઞાપનદાતાઓ, વિક્રેતા બંધુઓ અને શુભેચ્છકો સાથેની 89 વર્ષની સફળ - સહૃદયી યાત્રા પૂર્ણ કરીને જન્મભૂમિ આજે 90મા વર્ષમાં પ્રવેશે છે ત્યારે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી મંડળની પ્રેરણા અને પ્રોત્સાહનનાં પરિણામે જન્મભૂમિ પત્રોમાં મીડિયા ધર્મ અને રાષ્ટ્ર ધર્મનું જતન શક્ય બને છે. જન્મભૂમિ પત્રોના પ્રિય વાચક - માત્ર વાચકો નથી, પરિવારના સભ્યો છે અને અવારનવાર થતાં આયોજનોમાં સામેલ થાય છે તેનું અમને ગૌરવ છે.