• ગુરુવાર, 09 મે, 2024

કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવા બદલ સોનિયા ગાંધીનો આભાર માનતા ખડગે  

મહિલા કૉંગ્રેસના સંમેલનમાં મણિપુર મુદ્દે મોદીની ટીકા, રાહુલના વખાણ

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 17 : 15 અૉગસ્ટના વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આવતા વર્ષે પણ હું સ્વતંત્રતા દિને રાષ્ટ્રધ્વજ ફરકાવીશ. કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં મહિલા કૉંગ્રેસ બ્લૉક પ્રમુખ અને હોદ્દેદારોની સભાને સંબોધતાં મોદીના આ નિવેદન પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, મોદીજી આવતા વર્ષે રાષ્ટ્રધ્વજ જરૂર ફરકાવશે, પરંતુ લાલકિલ્લા પરથી નહીં, પોતાના ઘરે. 

ખડગેએ પોતાની રાજકીય સફર વર્ણવતાં કહ્યું કે, કોઈ નેતાને તેમનાં કાર્યોના બદલામાં મોટું માન-સન્માન કે હોદ્દો મળે ત્યારે ખુશી થાય. ખડગેએ કહ્યું હતું કે, 1969માં હું કૉંગ્રેસનો બ્લૉક પ્રમુખ બન્યો અને બે વર્ષમાં વિધાનસભ્ય બની ગયો. ત્યારથી લઈને આજ સુધી હું પાર્ટીના ઉમેદવાર તરીકે જે કોઈ ચૂંટણી લડયો છું, ક્યારેય હાર્યો નથી. વચ્ચે થોડી અગવડ હતી ત્યારે સોનિયા ગાંધીજી મારી વહારે આવ્યા અને રાજ્યસભામાં હું સભ્ય બન્યો. 

જ્યારે કોઈ નેતાને પાર્ટીમાં તેમની સુદીર્ધ કારકિર્દીના બદલામાં કોઈ માન-સન્માન મળે તેની ખુશી હોય જ. સ્વતંત્રતાના ઈતિહાસ સાથે સંકળાયેલી દેશની સૌથી જૂની પાર્ટી કૉંગ્રેસના અધ્યક્ષપદ સુધી હું પહોંચી શક્યો એમાં પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મને ખૂબ જ સહયોગ આપ્યો છે. જો એમનો સહયોગ ન હોત તો હું પાર્ટીનો પ્રમુખ ન બની શક્યો હોત. ખડગેએ કહ્યું હતું કે, વડા પ્રધાન રહેલા ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા કૉંગ્રેસના નેતાઓએ દેશ માટે બલિદાન આપ્યા છે, ભાજપ પાસે આવા એક પણ નેતા નથી.

70 વર્ષ કૉંગ્રેસે શું કર્યું એવું પૂછનારાઓને જવાબ એ છે કે કૉંગ્રેસે સંવિધાન અને લોકશાહીનું રક્ષણ કર્યું, જેના પરિણામે તમે વડા પ્રધાન બની શક્યા છો. હું તમને (મોદીને) એ પણ યાદ કરાવવા માગું છું કે છેલ્લાં 70 વર્ષમાં મોરારજી દેસાઈ અને અટલ બિહારી વાજપાયી પણ વડા પ્રધાન બન્યા અને બધાએ લોકશાહી અને સંવિધાનનું રક્ષણ કર્યું છે. આજે ભાજપ શું કરે છે... કોઈ પણ નેતાને કારણ વગર જેલ ભેગા કરવા... કોઈ પણ નેતા કંઈ બોલે એના અનર્થ કરીને કેસ માંડવા... વિરોધીઓનો અવાજ દબાવવો એ એક મુદ્દાનો એજન્ડા ભાજપ ચલાવે છે. 

મણિપુરના મુદ્દે ખડગેએ કહ્યું હતું કે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડોની વાત કરે છે, જ્યારે વડા પ્રધાન મોદી ભારત તોડોમાં માને છે. ત્રણ મહિનાથી દેશના એક રાજ્યમાં અવિરત હિંસા ચાલી રહી છે ત્યાંની વડા પ્રધાને મુલાકાત પણ લીધી નથી. જો રાહુલ ગાંધી મણિપુર જાય તો વડા પ્રધાન કેમ ન જઈ શકે... ભાજપ ત્યાંના લોકો અને ખાસ કરીને મહિલાઓને રક્ષણની ખાતરી ન આપી શકે... ભાજપ તો આગામી ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. એને મણિપુરમાં મહિલાઓ સામે થતાં અત્યાચાર, હિંસા, આગજની કંઈ દેખાતું નથી. સંસદ સહિત કોઈ પણ ભાષણમાં મોદી મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, સરદાર પટેલ, ડૉ આંબેડકરનાં નામ ન લે માત્ર હું..હું..હું..જ બોલ્યે રાખે. પોતે એકલા બધા પર ભારે છે, એવું વારંવાર બોલવું એ અહંકાર છે અને અહંકાર ખતરનાક હોય છે.       

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ