• શનિવાર, 27 એપ્રિલ, 2024

આઇપીએલની ફાઇનલ 26 મેએ ચેન્નઇમાં રમાશે 

અમદાવાદમાં કવોલીફાયર અને એલિમિનેટર મૅચ 

મુંબઇ તા.26 : આઇપીએલ-2024નો સંપૂર્ણ કાર્યક્રમ બીસીસીઆઈએ જાહેર કરી દીધો છે. આ સીઝનનો ફાઇનલ મેચ તા. 26 મેના રોજ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે.  જયારે એલિમિનેટ મેચ અમદાવાદના આંગણે રમાશે. ચેન્નાઇમાં 12 વર્ષ બાદ આઇપીએલનો ફાઇનલ મેચ રમાશે. અગાઉ અહીં 2011 અને 2012માં ખિતાબી ટકકર થઇ હતી. ચેન્નાઇમાં જ બીજો કવોલીફાયર મેચ તા. 24 મેના રોજ રમાશે. જયારે 21 મેના પહેલો કવોલીફાયર મેચ અને 22 મેના રોજ એલિમિનેટર મેચની યજમાની અમદાવાદ કરશે. 

22 ફેબ્રુઆરીએ આઇપીએલની 17મી સીઝનના પહેલા ફેજનું શેડયૂલ જાહેર થયું હતું. જેમાં 22 માર્ચથી 7 એપ્રિલ સુધીના મેચનો કાર્યક્રમ જાહેર થયો હતો. બીજો તબકકો 8 એપ્રિલથી શરૂ થશે. એ દિવસે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. બીજા તબકકામાં કુલ બાવન મેચ રમાશે. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને બીસીસીઆઇએ આઇપીએલનું શેડયૂલ ગોઠવ્યું છે. 

આઇપીએલની વર્તમાન સીઝનમાં કુલ 11 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) રમાશે. જેમાંના બે ડબલ હેડર પહેલા સપ્તાહમાં રમાઇ ચૂકયા છે. 2023ની જેમ તમામ 10 ટીમને પ-પના ગ્રુપમાં રાખવામાં આવી છે. દરેક ટીમ તેના ગ્રુપની અન્ય ચાર ટીમ વિરૂધ્ધ બે-બે મેચ રમશે. જયારે અન્ય ગ્રુપની ટીમ સામે એક-એક મેચ રમશે. ગુવાહાટીમાં લીગ સ્ટેજનો અંતિમ મેચ 19 મેના રોજ રમાશે. જે કોલકતા અને રાજસ્થાન ટીમ વચ્ચે હશે.