• શનિવાર, 27 એપ્રિલ, 2024

ભારત-અૉસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમાશે

પાંચ મૅચની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ તા. 22 નવેમ્બરથી પર્થમાં થશે 

નવી દિલ્હી, તા.26 : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે ભારત સામેની પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો શેડયૂલ જાહેર કર્યોં છે. જેની શરૂઆત તા. 22 નવેમ્બર પર્થથી થશે. પાછલા બે પ્રવાસમાં ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ એડિલેડમાં રમી હતી. આ વખતે ઓસ્ટ્રેલિયાએ પર્થના વાકા સ્ટેડિયમની ઉછાળવાળી પિચ પર ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવાની યોજના બનાવી છે. ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર સતત બે શ્રેણીમાં હાર આપનાર એકમાત્ર ભારતીય ટીમ છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ પણ સામેલ છે. જે એડિલેડમાં તા. 6થી 10 ડિસેમ્બર દરમિયાન રમાશે. 

શ્રેણીનો ત્રીજો 14થી 18 ડિસેમ્બર દરમિયાન બ્રિસબેનના ગાબા સ્ટેડિયમ પર રમાશે. આ પછી શ્રેણીનો ચોથો ટેસ્ટ બોકિસંગ ડે ટેસ્ટ બની રહેશે. જે તા. 26 ડિસેમ્બરથી મેલબોર્ન ખાતે રમાશે. પાંચમો અને આખરી ટેસ્ટ નવા વર્ષના પ્રારંભ સાથે 3થી 7 જાન્યુઆરી-202પ દરમિયાન સિડનીના એસસીજી સ્ટેડિયમ પર રમાશે. 

શ્રેણીના પહેલા અને બીજા ટેસ્ટ વચ્ચે મોટું અંતર રાખવામાં આવ્યું છે.  કારણ કે બીસીસીઆઇએ ગુલાબી દડાથી ટેસ્ટ રમતા પહેલા ગુલાબી દડાથી પ્રેકટીસ મેચની માંગ કરી હતી. ભારતીય ટીમે 2020માં તેનો આખરી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમ્યો હતો. ત્યારે એડિલેડમાં ટીમ ઇન્ડિયા ફકત 36 રનમાં ઓલઆઉટ થઇ હતી. જો કે એ પછી ટીમ ઇન્ડિયાએ બે મેચ જીતી ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર શ્રેણી કબજે કરી હતી. 

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી

પ્રથમ ટેસ્ટ      22-26 નવેમ્બર        પર્થ

બીજો ટેસ્ટ     6-10 ડિસેમ્બર         એડિલેડ (ડે/નાઇટ)

ત્રીજો ટેસ્ટ      14-18 ડિસેમ્બર       બ્રિસ્બેન

ચોથો ટેસ્ટ      26-30 ડિસેમ્બર       મેલબોર્ન

પાંચમો ટેસ્ટ    3-7 જાન્યુઆરી          સિડની