• શનિવાર, 27 એપ્રિલ, 2024

મુંબઈ અને હૈદરાબાદનું લક્ષ્ય પૉઇન્ટ ટેબલમાં ખાતું ખોલાવવું

ઇજાગ્રસ્ત સૂર્યકુમારનું રમવું અનિશ્ચિત

હૈદરાબાદ, તા. 26 : મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આઇપીએલની 17મી સીઝનના તેમના પ્રથમ મેચ હારી ચૂક્યા છે. હવે બુધવારે બન્ને ટીમ આમને-સામને હશે ત્યારે તેમનું લક્ષ્ય પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવવાનું હશે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સે એક દશકથી ચાલ્યો આવતો હારની ક્રમની સિલસિલો જાળવી રાખ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામે જીતની સ્થિતિ છતાં અંતમાં હાર સહન કરવી પડી છે. એમઆઇની કિસ્મત નવો કપ્તાન હાર્દિક પંડયા પણ પલટાવી શક્યો નહીં.  જો કે આ મેચમાં મુંબઈ માટે બુમરાહની ઘાતક બોલિંગ, જૂ. ડિ'વિલિયર્સ ગણાતા ડેવાલ્ડ બ્રેવિસની શાનદાર બેટિંગ અને પૂર્વ સુકાની રોહિત શર્માનું ઉપયોગી યોગદાન સકારાત્મક વાત બની રહી. એક સમયે મુંબઈને જીત માટે 36 દડામાં 48 રનની જરૂર હતી અને સાત વિકેટ હાથમાં હતી, પણ વિજયી લક્ષ્ય હાંસલ થયું નહીં. જે મુંબઈની ટીમ માટે ચિંતાનો વિષય છે.

ટીમનો સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ ઇજામાંથી હજુ બહાર આવ્યો નથી. પહેલા મેચમાં તેની ભારે ખોટ પડી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધના મુકાબલામાં પણ સૂર્યુકમાર યાદવનું રમવું નિશ્ચિત નથી. કપ્તાન હાર્દિક સાતમા નંબર પર બેટિંગમાં આવ્યો હતો, પણ પ્રભાવ પાડી શકયો નથી. ટી-20 વિશ્વ કપને ધ્યાને રાખીને તેને અને ઇશાન કિશને સારો દેખાવ કરવો પડશે.

સનરાઇઝર્સ હૈદરાબાદને પહેલા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે હાર સહન કરવી પડી હતી. નિશ્ચિત હાર ભણી ધકેલાઈ રહેલ સનરાઇઝર્સ માટે આફ્રિકી બેટર કલાસેને 8 છક્કાથી વિસ્ફોટક ઇનિંગ રમી હતી, પણ સામા છેડેથી તેને સહયોગ મળ્યો ન હતો. આથી આખરી ઓવરમાં કેકેઆરની જીત થઈ હતી. હૈદરાબાદને મયંક અગ્રવાલ અને અભિષેક શર્માએ સારી શરૂઆત આપી હતી. એડમ માર્કરામ, રાહુલ ત્રિપાઠી જેવા બેટધરોએ સારો દેખાવ કરવો પડશે. કપ્તાન પેટ કમિન્સ, ભુવનેશ્વર અને વોશિંગ્ટન સુંદર પાસેથી ટીમને સારા બોલિંગ દેખાવની આશા રહેશે.