• શનિવાર, 27 એપ્રિલ, 2024

શ્રીલંકા 1-0થી આગળ : બાંગ્લાદેશ સામે 328 રને વિજય

બીજી ટેસ્ટની બાંગ્લાદેશની ટીમમાં શકિબની વાપસી 

સિલહટ તા.26 : બાંગલાદેશ વિરૂધ્ધના પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાનો 328 રને સંગીન વિજય થયો છે. આ જીતથી પ્રવાસી શ્રીલંકાની ટીમ બે મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ છે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્યિપનશિપ 2023-25 સીઝનમાં શ્રીલંકાની આ પહેલી જીત છે. આ વિજયથી શ્રીલંકા ટીમ ડબલ્યૂટીસી પોઇન્ટ ટેબલ પર છઠ્ઠા નંબર પર પહોંચી છે.

ગઇકાલે મેચના ચોથા દિવસે 511 રનના અશક્ય સમાન વિજય લક્ષ્યાંકનો પીછો કરતા બાંગલાદેશની ટીમ તેના બીજા દાવમાં 182 રનમાં ઓલઆઉટ થઇ હતી. શ્રીલંકા તરફથી કાસુન રજીતાએ 56 રનમાં 5 વિકેટ લીધી હતી. જયારે બાંગલાદેશ તરફથી મોમિનૂલ હકે 148 દડામાં 12 ચોકકાથી 87 રનની લડાયક ઇનિંગ રમી હતી. બન્ને દાવમાં સદી કરનાર શ્રીલંકન કપ્તાન ધનંજય ડિ'સિલ્વા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. આ મેચમાં શ્રીલંકાના કમિન્દુ મેન્ડિસે પણ બન્ને દાવમાં સદી કરી હતી.

બન્ને ટીમ હવે તા. 30મીથી શ્રેણીનો બીજો અને આખરી ટેસ્ટ મેચ રમાશે. જેમાં બાંગલાદેશની ટીમમાં પૂર્વ કેપ્ટન શકિબ અલ હસનની વાપસી થઇ છે. તે લગભગ એક વર્ષ બાદ લાલ દડાથી રમશે.