• શનિવાર, 27 એપ્રિલ, 2024

રાજસ્થાન સામે દિલ્હીને પ્રથમ જીત નસીબ થશે ?   

દિલ્હી કૅપિટલ્સની ઇલેવનમાં પૃથ્વી શોના સમાવેશની વકી: રાજસ્થાન રોયલ્સનું લક્ષ્ય વિજય ક્રમ જાળવી રાખવો 

જયપુર, તા.27: દિલ્હી કેપિટલ્સ ટીમ ગુરુવારે અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આઇપીએલ સીઝનની પહેલી જીત મેળવવાના ઇરાદે ઉતરશે ત્યારે ફરી એકવાર તમામની નજર ઋષભ પંત પર ટકેલી હશે. જેની પાસેથી દિલ્હી કેપિટલ્સને સારા બેટિંગ પ્રદર્શનની આશા રહેશે. કાર દુર્ઘટના બાદ 453 દિવસ પછી વાપસી કરનાર પંતે પંજાબ કિંગ્સ વિરુદ્ધના મેચમાં 13 દડામાં 18 રનની ટૂંકી ઇનિંગ રમી હતી. જો કે તેણે વિકેટ પાછળ પ્રભાવિત દેખાવ કર્યો હતો. હવે પંત સામે ટ્રેંટ બોલ્ટ, રવિચંદ્રન અશ્વિન અને યજુર્વેન્દ્ર ચહલ જેવા રાજસ્થાનના અનુભવી બોલરોનો સમાનો કરવાની ચુનૌતિ હશે. રાજસ્થાન ટીમ તેના પહેલા મેચમાં લખનઉ સામે જીત મેળવી છે.

દિલ્હી કેપિટલ્સની ઇલેવનમાં ઓપનર પૃથ્વી શોનો સમાવેશ થઇ શકે છે. તે વોર્નર સાથે દાવનો આરંભ કરી શકે છે અને મિચેલ માર્શ મીડલ ઓર્ડરમાં આવી શકે છે. પંત અને માર્શ જેવા ફટકાબાજથી દિલ્હીનું મીડલઓર્ડર આથી વધુ મજબૂત બનશે. પાછલા મેચમાં અભિષેક પોરેલે 32 રનની સારી ઇનિંગ રમી હતી. તેનો ઉપયોગ ઇમ્પેકટ પ્લેયર તરીકે થઇ શકે છે. અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા પાછલા મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. આથી તે કેટલાક મેચની બહાર રહેશે. દિલ્હી ટીમને કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સ્પિન જોડી પાસેથી ઘણી આશા રહેશે. 

બીજી તરફ રાજસ્થાન રોયલ્સે તેના પહેલા મેચમાં અહીં હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવીને લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ જીત નોંધાવી હતી. જો કે મેચમાં તેના બન્ને નામી ઓપનર જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ ટીમને સારી શરૂઆત અપાવી શકયા હતા. કપ્તાન સંજૂ સેમસને અણનમ 82 રનની ઇનિંગ રમી હતી. આથી ટીમ 20 રનથી જીત મેળવવામાં સફળ રહી હતી. રેયાન પરાગ પણ સારા ફોર્મમાં છે. રાજસ્થાન પાસે બોલ્ટ, અશ્વિન, ચહર, આવેશ ખાન જેવા સારા બોલરો છે. આથી દિલ્હી માટે મેચ કસોટી રૂપ બની રહેશે.