• શનિવાર, 27 એપ્રિલ, 2024

હૈદરાબાદ હરિકેન : મુંબઇ સામે આઇપીએલના ઇતિહાસનો સૌથી મોટો 277 રનનો સ્કોર  

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને હેનિરચ ક્લાસેનની વિસ્ફોટક બૅટિંગ : કુલ 17 છગ્ગા અને 19 ચોગ્ગાથી રનનું રમખાણ સર્જાયું

હૈદરાબાદ તા.27: મુંબઇ ઇન્ડિયન્સ વિરૂધ્ધના આજના મેચમાં હૈદરાબાદ સનરાઇઝર્સ ટીમે હૈદરાબાદ હરિકેનનું રૂપ ઘારણ કરીને આઇપીએલ ઇતિહાસનો સૌથી મોટો 277 રનનો સ્કોર 3 વિકેટે બનાવ્યો હતો. હૈદરાબાદના ત્રણ બેટધર ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને હેનિરચ કલાસેને મુંબઇ ઇન્ડિયન્સના તમામ બોલરોની ધોલાઇ કરીને રનનો સેલાબ સજર્યોં હતો. હૈદરાબાદની ઇનિંગમાં 17 છકકા અને 19 ચોકકા લાગ્યા હતા. રનના ધોધ વચ્ચે હૈદરાબાદ સનરાઇઝર્સે આઇપીએલનો સૌથી વધુ ટીમ ટોટલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 263 રનનો વિક્રમ તોડી નાંખ્યો હતો.

હૈદરાબાદ સનરાઇઝર્સ તરફથી મેદાનમાં રનની આતશબાજી થઇ હતી. ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડે પહેલી ઓવરથી ટોપ ગીયરમાં બેટિંગની શરૂઆત કરી હતી. તેણે પ્રારંભે અદભૂત સ્ટ્રોકફૂલ બેટિંગ કર્યું હતું. તેણે પોતાની અર્ધસદી ફકત 20 દડામાં પૂરી કરી હતી. ટ્રેવિસ હેડ માત્ર 24 દડામાં 9 ચોકકા-3 છકકાથી આતશી 62 રને આઉટ થયો હતો. તેના અને અભિષેક વચ્ચે બીજી વિકેટમાં 19 દડામાં 48 રનની ભાગીદારી થઇ હતી. હેડના આઉટ થયા પછી અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરીને મુંબઇની બોલિંગ-ફિલ્ડીંગ છિન્નભિન્ન કરી દીધી હતી. તેણે જોતજોતામાં ફકત 16 દડામાં અર્ધસદી પૂરી કરી હતી. ચોકકા-છકકાના બોછાર કરીને તે 23 દડામાં 3 ચોકકા અને 7 છકકાથી વિસ્ફોટક 63 રને આઉટ થયો હતો.

બાદમાં કલાસેને પાવર હિટિંગ કરીને મુંબઇના બોલરોને ભાજી-મૂળાની જેમ વાઢી નાંખ્યા હતા. તે રનનું રમખાણ સર્જીને ફકત 34 દડામાં 4 ચોકકા અને 7 છકકાથી 80 રને અણનમ રહ્યો હતો. જયારે માર્કરમે 28 દડામાં 2 ચોકકા-1 છકકાથી અણનમ 42 રન કર્યાં હતા. તેના અને કલાસેન વચ્ચે ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં પપ દડામાં 116 રનની ધસમસતી ભાગીદારી થઇ હતી. મુંબઇના તમામ બોલરોની ધોલાઇ થઇ હતી. ડેબ્યૂ મેચમાં આફ્રિકી યુવા બોલર મફાકાએ 66 રન લૂંટાવ્યા હતા. કોઇત્ઝેએ 57 રન આપ્યા હતા. બુમરાહ 36 રન સાથે કરકસરયુકત બોલર રહ્યો હતો.