• શનિવાર, 27 એપ્રિલ, 2024

રિયાનની રન રફતાર : દિલ્હી સામે રાજસ્થાનના 5/185  

આખરી 6 ઓવરમાં 92 રન ઉમેર્યાં : રિયાન પરાગના 45 દડામાં 6 છક્કાથી અણનમ 84 રન

જયપુર તા.28 : ડોમેસ્ટીક ક્રિકેટમાં શાનદાર ફોર્મ પ્રદર્શિત કરનાર રિયાન પરાગની 84 રનની અણનમ અને આતશી ઇનિંગની મદદથી આઇપીએલના આજના મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સે 5 વિકેટે 185 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. રિયાનની રન રફતારથી રાજસ્થાન રોયલ્સે આખરી 6 ઓવરમાં દિલ્હીના બોલરોની ધોલાઇ કરીને 92 રનનો વધારો કર્યોં હતો. રિયાન પરાગ 45 દડામાં 7 ચોકકા અને 6 છકકાથી ધૂંઆધાર 84 રને નોટઆઉટ રહ્યો હતો. તેણે ઇનિંગની આખરી ઓવરમાં આફ્રિકી બોલર એનરિક નોર્ત્ઝેની ધોલાઇ કરીને ત્રણ ચોકકા અને બે છકકાથી 25 રન ઝૂડયા હતા. એક તબકકે રાજસ્થાનના 14 ઓવરમાં 4 વિકેટે 93 રન હતા. પછી રિયાન પરાગની આતશબાજી શરૂ થઇ હતી. આથી દિલ્હીને જીત માટે 186 રનનો કઠિન વિજય લક્ષ્ય મળ્યો હતો.

રાજસ્થાનની શરૂઆત નબળી રહી હતી. 36 રનમાં 3 વિકેટ પડી ગઇ હતી. યશસ્વી (5), બટલર (11) અને કપ્તાન સેમસન (15) નિષ્ફળ રહ્યા હતા. બાદમાં પીંચ હિટર અશ્વિને 19 દડામાં 3 છકકાથી 29 રનની કેમિયો ઇનિંગ રમી હતી અને રિયાન સાથે ચોથી વિકેટમાં 54 રનની ઝડપી ભાગીદારી કરી હતી. પછી રિયાન પરાગે ચોથા ગીયરમાં બેટિંગ કરીને રાજસ્થાનને 20 ઓવરના અંતે 5 વિકેટે 185 રને પહોંચાડયું હતું. ધ્રુવ જુરેલે 20 રન કર્યાં હતા. હેટમાયર 14 રને નોટઆઉટ રહ્યો હતો. દિલ્હી તરફથી ખલિલ, મુકેશ, કુલદિપ, અક્ષર અને નોર્ત્ઝે તમામને 1-1 વિકેટ મળી હતી.