• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

ફેરિયાઓની સમસ્યા ઉકેલવા ભાજપ કટિબદ્ધ : શેલાર  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 8 : મુંબઈના ફેરિયાઓની આજીવિકા છીનવાઈ નહીં એ માટે ભાજપ તેઓની પડખે છે. અમે ફેરિયાઓના પ્રશ્નો માટે લડશું અને તેનો કાયમી ધોરણે ઉકેલ આણશું. મુંબઈમાં ટૂંક સમયમાં જ ફેરિયાઓની નીતિ અમલમાં મૂકવામાં આવશે, એમ ભાજના મુંબઈ એકમના વડા આશિષ શેલારે જણાવ્યું છે.

શેલારે જણાવ્યું હતું કે મુંબઈ ભાજપ હૉકર્સ યુનિટના અધ્યક્ષ અને મુંબઈના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર બાબુભાઈ ભવાનજીને પ્રભાગ સમિતિ સ્થાપવાની પ્રક્રિયા ઝડપભેર પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે. ફેરિયાઓની સમસ્યા કાયમી ધોરણે હલ કરવા ભાજપ કટિબદ્ધ છે.

બાબુભાઈ ભવાનજીએ ફેરિયાઓને સંબોધતાં જણાવ્યું હતું કે મુંબઈને ફેરિયાઓની જરૂર છે જ. હું ફેરિયાઓની સમસ્યાઓથી સુપેરે વાકેફ છું. ફેરિયાઓ પ્રામાણિકતાથી ધંધો કરે છે અને તેઓ જ સાચા મુંબઈગરા છે. અદાલતે નક્કી કરેલી નીતિ અનુસાર ફેરિયાઓને બંધારણીય અધિકાર મળવા જ જોઈએ. ફેરિયાઓની સમસ્યા હલ કરવા અને તેઓ અંગેની નીતિના અમલ માટે શેલારે પાલિકાના આયુક્ત ઇકબાલસિંહ ચહલ સાથે વાત કરી છે. ચહલે આ દિશામાં ઝડપી પગલાં ભરવાની ખાતરી ઉચ્ચારી છે. મુંબઈમાં લગભગ પાંચ લાખ ફેરિયાઓ છે. તેઓના સહાયક અને માલનો પુરવઠો કરનારા સહિત કુલ દસ લાખ લોકોના પરિવારો આ વ્યવસાય ઉપર નભે છે. પાલિકાતંત્ર અને પોલીસ હંમેશાં ફેરિયાઓને નિશાન બનાવે છે, એમ બાબુભાઈ ભવાનજીએ ઉમેર્યું હતું.