• ગુરુવાર, 09 મે, 2024

રિફાઈન્ડ સોયા અને સન ફ્લાવર અૉઈલની ઈમ્પોર્ટ ડયૂટી પાંચ ટકા ઘટાડીને 12.5 ટકા કરાઈ  

નવી દિલ્હી, તા. 15 (એજન્સીસ) :  આગામી ચૂંટણીઓને અનુલક્ષીને તેમ જ ફુગાવાને ડામવાના પગલાં તરીકે કેન્દ્ર સરકારે રિફાઈન્ડ સોયાબીન અને સનફ્લાવર તેલની આયાત જકાત (ઈમ્પોર્ટ ડયૂટી)માં પાંચ ટકાનો ઘટાડો જાહેર કર્યે છે. આ બંને તેલ ઉપર ઇમ્પોર્ટ ડયૂટી 17.5 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરવામાં આવી હોવાનું કેન્દ્ર સરકારે ગઈકાલે મોડી રાતે જાહેર કરેલા એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું. 

માર્કેટ નિષ્ણાતો આ નિર્ણયને વાસ્તવ પરિસ્થિતિના બદલે ભાવનાત્મક ગણાવી રહ્યા છે. બજારનાં સૂત્રો ઈમ્પોર્ટ ડયૂટીમાં વધારો થવાની ધારણા રાખીને બેઠા હતા, પરંતુ કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણી પહેલાં મોંઘવારીને કાબૂમાં રાખવા માટે આ નિર્ણય અત્યારથી લીધો હોવાનું ટ્રેડરોનું કહેવું છે. 

જોકે, સોયાબીન અને સન ફ્લાવર તેલની આયાત મોટા પ્રમાણમાં કાચા સ્વરૂપે કરવામાં આવે છે અને અહીં તેને રિફાઈન્ડ કરવામાં આવે છે તેથી કેન્દ્ર સરકારના આ નિર્ણયની કોઈ વિશેષ અસર જોવા નહીં મળે, એમ ટ્રેડરો માને છે. ક્રૂડ સોયાબીન તેલ, સન ફ્લાવર તેલ અને પામ તેલની આયાત જકાત અત્યારે 5.5 ટકાની આસપાસ છે.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાદ્ય તેલોના ભાવ ગગડી રહ્યા છે ત્યારે આયાત જકાત વધારવામાં આવશે એવી ધારણા વેપારીઓને હતી, પરંતુ તેથી વિપરીત કેન્દ્ર સરકારે આ નિર્ણય લેતાં ખાદ્ય તેલની બજારોમાં આશ્ચર્ય ફેલાયું છે. 2 જૂન 2023 સુધીના આંકડા દર્શાવે છે કે પ્રતિ ટન પામ તેલની આયાત 860 ડૉલરના ખર્ચે થઈ હતી, જે ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 45 ટકા ઓછો ખર્ચ છે. 

એ રીતે ક્રૂડ સોયાતેલ પ્રતિ ટન 970 ડૉલર અને ક્રૂડ સન ફ્લાવર તેલ પ્રતિ ટન 860 ડૉલરના ખર્ચે પડયું હતું, જે વાર્ષિક ધોરણે અનુક્રમે 43 ટકા અને 55 ટકા સસ્તું થયું છે. દેશમાં એપ્રિલમાં 10.50 લાખ ટન ખાદ્ય તેલની આયાત કરવામાં આવી હતી, જે ગત વર્ષની તુલનાએ 15 ટકા વધારે છે.    

ખાદ્ય તેલોના ભાવ સતત ઘટી રહ્યા હોવાથી હરિયાણામાં રાયના ભાવ ટેકાના ભાવ કરતાં નીચે જતાં ખેડૂતો વિકટ આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યા. રાયના ટેકાના ભાવ વધારવા હરિયાણાના ખેડૂતોએ તાજેતરમાં દેખાવો કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ