• ગુરુવાર, 09 મે, 2024

નિરસ માહોલ વચ્ચે સૂચકાંકો સાધારણ ઘટયા  

સ્મોલકૅપ શૅર્સનો ઊજળો દેખાવ 

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : શુક્રવારે સતત બીજા સત્રમાં બજાર વોલેટાઈલ રહીને છેલ્લે ઘટયું હતું. સેન્સેક્ષ 47.77 પૉઈન્ટ્સ (0.07 ટકા) ઘટીને 65,970.04 પૉઈન્ટ્સ ઉપર અને નિફટી 7.30 પૉઈન્ટ્સ (0.04 ટકા) ઘટીને 19,794.70 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યા હતા. બૅન્ક નિફટી 191.60 પૉઈન્ટ્સ (0.44 ટકા) વધીને 43,769 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો.

બજારના મુખ્ય સૂચકાંકો કોઈ નોંધપાત્ર કારણ નહીં હોવાને કારણે રેન્જબાઉન્ડ હતા. સ્મોલકૅપ શૅરોએ સતત બીજા સત્રમાં પણ સારો દેખાવ કર્યો હતો.

આ નિફટીનું એક તંદુરસ્ત કોન્સોલિડેશન હતું. હવે કોઈ નિર્ણાયક કારણને લીધે નિફટી 19,850ની ઉપર જશે તો નવી ઊંચાઈ પર પહોંચશે નહીંતર આ પ્રકારની રેન્જબાઉન્ડ મૂવમેન્ટ ચાલુ રહેશે. ખેલાડીઓએ અમેરિકાનાં બજારો અને બૅન્કિંગના દિગ્ગજ શૅરો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. હાલના સમયમાં પસંદગીના શૅરોમાં કામ કરવું અને વિરોધાભાસી ટ્રેડિંગથી દૂર રહેવું એમ રેલિગેર બ્રોકિંગના અજિત મિશ્રાએ જણાવ્યું હતું.

નિફટી સ્મોલકૅપ-100 0.30 ટકા વધ્યો હતો, જ્યારે નિફટી મિડકૅપ-100 0.06 ટકા વધ્યો હતો. નિફટી-500 0.02 ટકા વધ્યો હતો.

નિફટી આઈટી સૌથી વધુ 0.97 ટકા ઘટયો હતો. ત્યાર બાદ નિફટી એફએમસીજી અને નિફટી પીએસયુ બૅન્ક ઘટયા હતા. નિફટી ફાર્મા સૌથી વધુ 0.87 ટકા વધ્યો હતો. ત્યાર બાદ નિફટી મેટલ અને નિફટી હેલ્થકેર વધ્યા હતા.

નિફટી-50ના શૅરમાં અદાણી એન્ટરપ્રાઈઝ સૌથી વધુ 3.44 ટકા વધ્યો હતો. ત્યાર બાદ સિપ્લા, ડિવિઝ લેબ, હિન્દાલ્કો અને અદાણી પોર્ટ સૌથી અધિક વધ્યા હતા. ટીસીએસ, એચસીએલ ટેકનો અને એપોલો હૉસ્પિટલના ભાવ બે ટકા સુધી ઘટયા હતા.

નિફટીને 19,850-19,900ની રેન્જ તરફ જવા માટે તકલીફ પડે છે. નીચેની તરફ 19,700 ટૂંકા ગાળાનું સપોર્ટ લેવલ છે. નિફટી 19,700ની નીચે જશે તો બજારમાં કરેકશન આવશે, જ્યારે તે 19,900ની ઉપર જશે તો નોંધપાત્ર તેજી થશે અને બજાર એક નવો ઓલટાઈમ હાઈ બનાવી શકશે.

પાંચ રાજ્યોની ચૂંટણીનો વર્તારો 30 નવેમ્બર અને તેના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. બજાર માટે આ પરિણામો નિર્ણાયક સાબિત થશે. પરિણામોને આધારે બજાર ગમે તે દિશામાં તીવ્રપણે જઈ શકે અને મોટી ઊથલપાથલ થઈ શકે. આ સંજોગમાં નિફટી 19,900ની ઉપર જશે તો ઓલટાઈમ હાઈ તરફ જઈ શકશે અને તે 19,600ની નીચે જશે તો બજારમાં કરેકશન આવી શકે.

બીએસઈ પર ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ, જનરલ ઈન્સ્યોરન્સ, `ભેલ', ગ્રેન્યુઅલ્સ, હિંદુસ્તાન એરોનોટિકસ, ફિનિક્ષ મિલ, લ્યુપીન, આઈઆરબી ઈન્ફ્રા, જિંદાલ સ્ટેનલેસ, બ્લુસ્ટાર, મેટ્રોપોલિસ હેલ્થકેર, ટીવીએસ મોટર, એસજેવીએન, સનોફી ઇન્ડિયા, આલ્કેમ લેબ, સીએસબી બૅન્ક, સુવેન ફાર્મા, શોભા, એનટીપીસી, કોલગેટ પામોલિવ, ટ્રેન્ટ, જે. કે. સિમેન્ટ, હીરો મોટોકોર્પ, ઉનો મિન્ડા, એકસાઈડ, ઓબેરોય રિયાલ્ટી, ડીએલએફ, બોસ્ક, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ અૉટો, રત્નમણિ મેટલ્સ વગેરે શૅરના ભાવ બાવન સપ્તાહની ઊંચાઈએ હતા.

આ સપ્તાહમાં વિવિધ પબ્લિક ઈસ્યૂ તરફ લોકોનું વિશેષ ધ્યાન હોવાને કારણે સેકન્ડરી માર્કેટમાં એકંદરે નીરસ કામકાજ રહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ