• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

હંસિકા મોટવાણીનો શો `લવ શાદી ડ્રામા' ડિઝની હૉટસ્ટાર પર 

ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણીએ સોહેલ ખટુરિયા સાથે જયપુરના મંડોટા ગઢ અને મહેલમાં તાજતેરમાં લગ્ન કર્યા હતા. વૈભવી રીતે થયેલા આ લગ્નએ અખબારોના મથાળાં સર કર્યા હતા. હવે આ સેલિબ્રિટી લગ્નની ઉજવણી અને હંસિકાના ડ્રીમ વેડિંગના પરદા પાછળના દૃશ્યો ડિઝની હૉટસ્ટાર પર માણવા મળશે. હૉટસ્ટારના સ્પેશિયલ શૉ હંસિકા'સ લવ શાદી ડ્રામામાં અભિનેત્રીએ સોહેલ સાથે લગ્ન કરવા વિશે જણાવ્યું ત્યારથી લઈને વેડિંગ પ્લાનર્સ, ડિઝાઈનર્સ અને માત્ર છ સપ્તાહમાં પરિવારજનોએ કરેલી લગ્નની તૈયારીઓ સહિત લગ્નના દરેક ફંકશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. હંસિકાના લગ્નના આ સ્પેશિયલ શૉનો ફર્સ્ટ લૂક રિલિઝ કરવામાં આવ્યો છે અને તેની રજૂઆત ટૂંક સમયમાં કરવામાં આવશે. ટીવી સિરિયલ શાકા લાકા બુમ બુમથી અભિનયની શરૂઆત કરનારી હંસિકા ફિલ્મ કોઈ મિલ ગયામાં પણ બાળકલાકાર તરીકે કામ કર્યું હતું. મોટા થયા બાદ તેણે હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં અભિનય કરીને પ્રશંસા મેળવી છે.