• મંગળવાર, 30 એપ્રિલ, 2024

`આપ'નો આપઘાત...  

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધતી જાય છે. ડિરેક્ટોરેટ અૉફ વિજિલન્સે નિમણૂક સમયે નિયમોના કથિત ઉલ્લંઘન બદલ અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી વિભવકુમારને બરતરફ કર્યા છે. તેમની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. જ્યારે સીબીઆઈએ દિલ્હીના શરાબ કૌભાંડથી સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિનાં નેતા કે. કવિતાની ધરપકડ કરી છે. તેલંગણાના પૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવનાં પુત્રી કવિતાની ઈડીએ ધરપકડ કરી હતી ત્યારથી તેઓ જેલમાં છે. કવિતાના કનેક્શન કેજરીવાલ સાથે જોડાયેલાં હોવાની ભારોભાર શક્યતા છે. કેજરીવાલ પર સીબીઆઈનો ડોળો કનેક્શનના કારણે હોય તો નવાઈ નહીં.

અગાઉ દિલ્હી સરકારના સમાજકલ્યાણ પ્રધાન રાજકુમાર આનંદે પક્ષ પર થઈ રહેલા આરોપોની પાર્શ્વભૂમિકા પર પ્રધાનપદ તેમ પક્ષ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. બે અઠવાડિયાં પહેલાં પંજાબના જાલંધરના સાંસદ સુશીલકુમાર રિન્કુ અને પક્ષના એક વિધાનસભ્યએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. પક્ષના ઘણા નેતાઓને `ઈડી' દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. કેજરીવાલની ગેરહાજરીમાં કિલ્લો બચાવનારા નાણાપ્રધાન અતિષિ અને સૌરભ ભારદ્વાજ, સાંસદ રાઘવ ચઢ્ઢા અને વધુ એક વિધાનસભ્ય નિશાના ઉપર હોવાનું જણાય છે. શરાબ કૌભાંડમાં વધુ એક પ્રધાન કૈલાશ ગેહલોત પર ધરપકડની તલવાર લટકતી હોવાની ચર્ચા છે.

સાંસદ રાઘવ ચઢ્ઢા આંખના અૉપરેશન માટે ઈંગ્લૅન્ડ ગયા હોવાથી ત્યાંનો મુકામ તેમણે વધાર્યો છે. તેમનો `ચાર્જ' હાલમાં જામીન પર છૂટેલા સંજય સિંહે લીધો છે પણ પક્ષના દસ પૈકી સાત સાંસદ હાલ ખાસ સક્રિય જણાતા નથી. `ઈડી'ની દૃષ્ટિ જલદી પક્ષની સત્તા ધરાવતા પંજાબ ભણી વળી શકે છે એવો ભય `આપ'ના નેતાઓને છે.

`આપ'ની સ્થાપના થઈ ત્યારે બીજા પક્ષો કરતાં અમારો પક્ષ અલગ હશે એમ કેજરીવાલે જાહેર કર્યું હતું. પક્ષનો કારભાર પારદર્શક પદ્ધતિથી ચાલશે અને પક્ષમાં સામૂહિક નિર્ણય પ્રક્રિયા હશે એવી ભૂમિકા રજૂ કરવામાં આવી હતી. પક્ષને `ઝાડુ' ચિહ્ન મળવાથી ઝાડુ બધી ગંદકી દૂર કરશે એવો દાવો પણ કરવામાં આવ્યો હતો. પણ અન્ય પક્ષોમાં જેવા પ્રકાર બની રહ્યા છે એમ `આપ'ની બાબતમાં પણ થયું છે. દસ વર્ષમાં `આપ'ને રાષ્ટ્રીય પક્ષનો દરજજો પણ મળ્યો. સતત બે પરાભવ પછી કૉંગ્રેસની દેશભરમાં પીછેહઠ થઈ ત્યારે વિપક્ષનું સ્થાન લેવાનો `આપ' પ્રયાસ કર્યો. પણ દિલ્હી, પંજાબ, ગોવા અને ગુજરાતને બાદ કરતાં `આપ'ને અન્યત્ર પ્રતિસાદ નહોતો મળ્યો.

બિનભાજપ સહિત રાજ્યોમાં કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને નાના મોટા પક્ષોને ભોંયભેગા કરવાના ભાજપના પ્રયાસ ચાલુ હોવાના વિપક્ષના આક્ષેપોને માનીએ તો પણ `આપ' અન્ય પક્ષો કરતાં વેગળો છે કે નહીં તે પણ કેજરીવાલના એક ટેકાવાળો તંબુ છે, હવે પછીના ઘટનાક્રમોથી સ્પષ્ટ થશે. આવા રાજકીય આપઘાત પચાવવાનું નૈતિક બળ પક્ષના નેતા - કાર્યકર્તાઓ પાસે છે કે કેમ તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક