• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

ક્રિકેટ, રાજકારણ અને બાંગ્લાદેશ

ખેલાડીઓની સુરક્ષા અને સુખાકારીનો મુદ્દો આગળ કરી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ ટી-20 વર્લ્ડ કપ રમવા માટે પોતાની ટીમને ભારત મોકલવાની ના પાડી દેવા સાથે અમારી મૅચો તટસ્થ ભૂમિ પર યોજો એવી વિનંતી પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને કરી છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે બગડેલા રાજકીય-રાજદ્વારી સંબંધોને પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ આઇપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને બાંગ્લાદેશી ઝડપી બૉલર મુસ્તાફિઝુર રહમાનને ટીમમાંથી છુટ્ટો કરવાની તાકીદ કર્યા બાદ બીસીબીએ આ પગલું લીધું છે. પાકિસ્તાને આ પહેલાં જ ભારતીય ધરતી પર રમવાનો નન્નો ભણ્યો હોવાથી આ સ્પર્ધામાંની પાકિસ્તાનની મૅચો તથા તેને સાંકળતી સંભવિત સેમિ-ફાઈનલ કે ફાઈનલ શ્રીલંકામાં રમાવાની છે. આઇસીસીના વડા અત્યારે ભારતના જય શાહ છે અને આ મામલે ગજગ્રાહ વધારવાને બદલે બાંગ્લાદેશની મૅચો ભારત બહાર રમાડવા માટે જરૂરી ફેરફાર કરવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા છે. તો, બાંગ્લાદેશમાં આઇપીએલના પ્રસારણ પર રાષ્ટ્રહિતમાં પ્રતિબંધ મૂક્યાના સમાચાર આવ્યા છે.

બાંગ્લાદેશ આ સ્પર્ધાની ત્રણ મૅચો કોલકાતામાં અને એક મુંબઈમાં રમવાનું હતું. બે પાડોશી દેશો વચ્ચે છેલ્લા થોડા સમયથી સંબંધોમાં તણાવની સ્થિતિ છે, છતાં વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમ ભારત આવશે, એ લગભગ નક્કી હતું. પણ, ટી-20 સ્પર્ધા આઇપીએલમાંથી એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી મુસ્તાફિઝુરને છુટ્ટો કરવાનો આદેશ બીસીસીઆઇએ ટીમ માલિકને આપ્યા પછી બાંગ્લાદેશના વચગાળાના શાસક મોહમ્મદ યુનુસની સરકારમાંના યુવા અને રમતગમત બાબતોના પ્રધાન આસિફ નઝરૂલે આ મુદ્દે ટિપ્પણી કરી કે, બાંગ્લાદેશ ક્રિકેટ, ક્રિકેટર કે રાષ્ટ્રનું કોઈપણ પ્રકારે અપમાન અમે સહન નહીં કરીએ. ગુલામીના દિવસો પૂરા થયા. એ પછી ક્રિકેટ બોર્ડને પણ કડક રુખ લેવાની ફરજ પડી છે. એક રીતે, ભારતે જ આ મુદ્દે દાખલો બેસાડÎો છે. ગયા વર્ષે પાકિસ્તાનમાં યોજાયેલી ચૅમ્પિયન્સ ટ્રૉફી સ્પર્ધામાં ભાગ લેવા અમારી ટીમ નહીં જાય એ વલણ બીસીસીઆઇએ અખત્યાર કર્યા પછી નક્કી થયું કે, આ પ્રકારની બહુરાષ્ટ્રીય સ્પર્ધા ભારત કે પાકિસ્તાનની ભૂમિ પર રમાવાની હોય તો આ રાષ્ટ્રો વચ્ચેની મૅચ કોઈ તટસ્થ દેશમાં યોજવી. આ ગોઠવણ મુજબ પાકિસ્તાનની ટી-20 વર્લ્ડ કપની મૅચો શ્રીલંકાના કોલંબો શહેરમાં યોજાવાની છે, હવે એમાં બાંગ્લાદેશનો ઉમેરો થવાનો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી ક્રિકેટ તો લાંબા સમયથી બંધ છે, પણ એશિયા કપની મૅચ બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના ભારતીય ક્રિકેટ ટીમના નિર્ણયને પગલે તણાવ વધ્યો હતો. હવે, ભારત-પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં લીગ મૅચ રમાવાની છે, તો બાંગ્લાદેશ-ભારતની ટક્કર સુપર એઈટ તબક્કામાં થઈ શકે છે.

પાડોશી દેશો વચ્ચે રાજકીય તણાવને પગલે રમતના મેદાન પર તેની અસર કમનસીબ ગણાય, પણ લોહી અને ક્રિકેટ એકસાથે શક્ય ન બની શકે, એવું ભારત સરકારનું વલણ યથાયોગ્ય છે.