લોકતંત્રની પુનઃસ્થાપના, ડ્રગ કાર્ટેલની કમર ભાંગવી અને લેટિન અમેરિકામાં સ્થિરતા લાવવાનો દાવો ડૉનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલા પર હુમલો કરી રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને ઊંચકી લેવા માટે કરી રહ્યા છે, પણ આખી દુનિયા જાણે છે ટ્રમ્પનો ઈરાદો શું છે. વેનેઝુએલાના ક્રૂડતેલ ભંડારો પર અમેરિકાની નજર હોવા ઉપરાંત 2026ના અંતમાં યુએસ કૉંગ્રેસની ચૂંટણી છે અને મુદ્દાઓ ન હોય, પ્રજા વચ્ચે નેતાની લોકપ્રિયતામાં ઓટ આવી હોય અને કંઈક કરી દેખાડવાની ચાનક હોય ત્યારે યુદ્ધ જેવો ટૂંકો માર્ગ કોઈ નથી હોતો. એક તીરથી ટ્રમ્પે અનેક નિશાના સાધ્યાં છે, એવા તારણ નિષ્ણાતો કાઢી રહ્યા છે, પણ ખરેખર તો ટેરિફનો બોજ, બદલાતી નીતિઓની અસ્થિરતા અને ફેલાઈ રહેલા અણગમાનો છેદ ઉડાડવાની આ ગણતરીપૂર્વકની ચાલ છે. એ ખરું કે, માદુરો પણ દૂધના ધોયેલા નથી. પણ, લેટિન અમેરિકન દેશોના બળના જોરે સત્તાની ટોચે પહોંચેલા ક્રૂર, આત્મકેન્દ્રી અને રાષ્ટ્રની સંપત્તિને પોતાના પિતાની જાગીર ગણનારા શાસકોની પંગતમાં બેસતા માદુરો સાથે ટ્રમ્પે જે કર્યું એ પણ કોઈ રીતે ન્યાયી, યોગ્ય કે કાયદાના દાયરામાં રહી કરવામાં આવેલી કાર્યવાહી તો નથી જ. પણ, ટ્રમ્પને એની ચિંતા નથી. ચીન અને રશિયા જેવી વિસ્તારવાદી માનસિકતાનો પરચો આપતાં ટ્રમ્પે આડકતરી રીતે કહી દીધું છે કે વેનેઝુએલા તો સિર્ફ ઝાંકી હૈ... કૉલમ્બિયા, ક્યુબા, મૅક્સિકો ઔર ગ્રીનલૅન્ડ અભી બાકી હૈ.
ટ્રમ્પે અમેરિકન મતદારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે -
જે હું કહું છું, કરી દેખાડું છું અને વિશ્વ સમુદાય માટે તો જાણે કે આડકતરી ચીમકી જ
છે - મને કોઈની પરવાનગીની કે કાયદાને અનુસરવાની જરૂર નથી. આ પ્રકારના હુમલા માટે પ્રેસિડન્ટે
જે કૉંગ્રેસની મંજૂરી લેવી જરૂરી હોય છે, એની ચૂંટણી 2026ના નવેમ્બર મહિનામાં યોજાવાની
છે અને એ પહેલાં ટ્રમ્પ આવી નવા-જૂની કરતા રહેશે એ પણ સ્પષ્ટ છે. વિશ્વના ક્રૂડતેલમાંથી
વીસ ટકા અનામત જથો ધરાવતું વેનેઝુએલા ચીનનાં દેવાંમાં ડૂબેલું છે. ઊર્જા અને માળખાકીય
સુવિધાઓ માટે ચીને વેનેઝુએલાને અબજો ડૉલર ધીર્યા છે. આથી, ચીન અને ઈરાને માદુરોને મુક્ત
કરવાની માગણી કરી છે. દરમિયાન, અમેરિકાના સેક્રેટરી અૉફ સ્ટેટ માર્કો રૂબિયોએ કહ્યું
છે કે, વેનેઝુએલા પર કબજો કરવાનો વિકલ્પ પણ પ્રેસિડન્ટ ટ્રમ્પ માટે ખુલ્લો છે. ટ્રમ્પ
અને રૂબિયોએ તો ત્યાં સુધી કહ્યું છે કે ક્યુબા અથવા કૉલમ્બિયા હવે પછીનું ટાર્ગેટ
હોઈ શકે છે. જગત જમાદાર દલા તરવાડીના રોલમાં આવી જાય તો એને કોણ રોકી શકે?
ભારત માટે આ પરિસ્થિતિમાં લાભ છે અને રશિયાની ક્રૂડ
આયાત ઘટાડી આયાત બાસ્કેટને વ્યાપક બનાવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ભારતની રિફાઈનરીઝ
વેનેઝુએલાના કૂવાઓમાંથી નીકળતું ભારે અને ખાટું
તેલ રિફાઈન કરવામાં મહારત ધરાવે છે. વળી, ટ્રમ્પે વેનેઝુએલાના ક્રૂડ ક્ષેત્રને પોતાના
હાથમાં લેવાની વાત કરી છે, અહીં પણ ભારતને લાભ છે. જોકે, લાભ-નુકસાનની આ ગણતરીના અંતિમ
ચરણ સુધી પહોંચતાં પહેલાંનું ગણિત સ્પષ્ટ થાય ત્યાં સુધીમાં ઘણા ખેલ થઈ શકે છે.