દેશભરના તેજસ્વી વિદ્યાર્થીનાં ભવિષ્ય માટે ચાવીરૂપ પ્રવેશ પરીક્ષા ફરી એક વખત વિવાદમાં છે. મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની નીટ (યુજી) પરીક્ષાને તેના પ્રશ્નપત્ર લીક થયાનું સામે આવતા રદ કરવાની ફરજ પડી છે. લગભગ બાવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓની તૈયારીની સામે આવેલા આ અંતરાયે ભારે વિરોધ જગાવ્યો છે. સરકારે આખા મામલાની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે અને આ રદ કરાયેલી પરીક્ષા આગામી સમયમાં યોજવાની હૈયાધારણ પણ આપી છે. નવેસરથી લેવાનારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને નવી ફી કે ફૉર્મની આવશ્યકતા નહીં રહે એવી જાહેરાત પણ સરકારે કરી છે. જોકે, આ ચર્ચાસ્પદ પ્રકરણથી પરીક્ષાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક રીતે પડી રહેલી અસર સામે સરકાર પાસે કોઈ જવાબ નથી.
દેશભરમાં ઉચ્ચ શિક્ષણ માટે અનિવાર્ય પ્રવેશ પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ
એજન્સી (એનટીએ) દ્વારા ત્રીજી મેના મેડિકલ અભ્યાસ માટેની શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશની
પરીક્ષા યોજાઈ હતી. આ આયોજન તે સમયે સમુંસૂતરું પાર પડી ગયાનું જણાતાં એનટીએ અને સરકારે
રાહતના શ્વાસ લીધા હતા, પણ મંગળવારે આ પ્રતિષ્ઠિત પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થયાનું
સામે આવતાં તેને રદ કરવાની જાહેરાત થઈ છે. દેશભરમાં ઉગ્ર પ્રત્યાઘાત પડયા અને વિરોધ
પક્ષોને સરકાર સામે ઉગામવા શત્ર મળી ગયું છે. નાગરિકોમાંય નિરાશા છે, કેમ કે અતિ ઉચ્ચ
સ્તરની પરીક્ષા માટે છાત્રોએ ભારે મહેનત માગી લેતી તૈયારી કરી હોય છે. મોંઘી ટયૂશન
ફીથી લઈને કિંમતી સમય પણ ખર્ચ્યો હોય છે. પ્રશ્ન એ છે કે સરકાર નવી પરીક્ષા માટે ભલે
નવી ફી ન લે કે વ્યવસ્થા સરળ રાખે, પણ પરિશ્રમ અને વધારાના ખર્ચની ભરપાઈ કઈ રીતે થશે?
જે નિયમિતતાથી આવી મહત્ત્વની પરીક્ષાઓનાં પેપર ફૂટી જાય છે અને આ વખતે તો આખી
પરીક્ષા જ રદ કરવાની ફરજ પડી છે, એ બાબત દેખાડે છે કે, દેશ તરીકે આપણે આ ઈતિહાસમાંથી
કશુંજ શીખ્યા નથી. 2024માં પણ નીટનું પેપર લીક થયું હતું, એ વખતે પણ સીબીઆઈને તપાસ
સોંપાઈ હતી અને તપાસમાં આ ઘટનાના તાર બિહાર અને ઝારખંડ સાથે જોડાયા હતા. જૂન મહિનામાં
પરિણામ આવ્યું ત્યારે 67 પરીક્ષાર્થીઓને 720માંથી 720 માર્ક્સ આવ્યા હતા, જેના કારણે
શંકા ઓર ઘેરી થઈ હતી. એ વખતે પણ કોચિંગ ક્લાસનો હાથ હોવાનું સામે આવ્યું હતું, આ વખતે
પણ શંકાની સોય એ જ દિશામાં તકાઈ રહી છે. 2024માં પેપર લીક બાદ અવકાશ વિજ્ઞાન સંસ્થા
ઈસરોના ભૂતપૂર્વ વડાના વડપણ હેઠળની પેનલે સુધારા સંબંધી ભલામણો કરી હતી, જેના પર અમલ
થયો નથી. કે. રાધાક્રિષ્નન કમિટીએ અૉક્ટોબર, 2024માં શિક્ષણ ખાતાને ભલામણોનો અહેવાલ
આપ્યો હતો, જે ધૂળ ખાઈ રહ્યો છે.
મેડિકલ ઉપરાંત એન્જિનિયરંગના અભ્યાસક્રમો માટેની નીટ, જેઈઈ, નેટ અને યુજીસી
પરીક્ષાનું સંચાલન કરતી એનટીએ દ્વારા આ પ્રથમ છબરડો છે એમ નથી. છેલ્લાં થોડાં વર્ષોથી
આવા નાના - મોટા કિસ્સા સામે આવતા રહે છે. 2024માં પરીક્ષા દરમ્યાન અન્ય ભાષાના પ્રશ્નપત્રો
અપાયાની ફરિયાદ સામે આવી હતી. તે સમયે ગ્રેસ માર્ક્સ આપવાની વાત થઈ, જે છેક પેપર લીક
સુધી પહોંચી હતી. જોકે, પરીક્ષાને રદ કરાઈ
ન હતી. 2018માં એનટીએની સ્થાપના થઈ ત્યારથી તેની સામે આરોપો લાગતા રહ્યા છે. જોકે,
આ વખતનો કિસ્સો અત્યાર સુધીનો સૌથી ગંભીર અને ચિંતાજનક છે.
એનટીએનો દાવો છે કે આ વખતે પરીક્ષાનાં આયોજનમાં ભારે ગુપ્તતા જાળવવામાં આવી
હતી. જીપીએસ ટ્રેકિંગ ધરાવતાં વાહનોમાં પ્રશ્નપત્રો લઈ જવાયા હતા. સાથોસાથ, પરીક્ષા
કેન્દ્રોમાં એઆઈ આધારિત સીસીટીવી કૅમેરાથી સજ્જ મધ્યસ્થ કન્ટ્રોલરૂમ કાર્યરત કરાયા
હતા, પણ કડવી વાસ્તવિકતા એ છે કે આટલી બધી જડબેસલાક વ્યવસ્થા હોવા છતાં પ્રશ્નપત્ર
વ્યાપક રીતે લીક થયું. સરકારે પરીક્ષા રદ કરવાની સાથોસાથ પેપર લીકની તપાસ સીબીઆઈને
સોંપી છે. આ સંદર્ભમાં અમુક નામો સામે આવ્યાં છે અને ધરપકડ પણ થઈ છે. જોકે, સવાલ એ
છે કે પરીક્ષાનાં આયોજનને આવા લીકથી બચાવવા માટે સરકાર કે એનટીએ પાસે કોઈ અસરકારક ઉપાય
હજી જણાતો નથી.
એનટીએને આ પેપર લીક વિશેની માહિતી ત્રીજી મેએ યોજાયેલી પરીક્ષા બાદ અપાઈ હોવા
છતાં તે અંગે તપાસ હળવે હલેસે આગળ વધી હતી. રાજસ્થાનમાંથી 410 પ્રશ્નોનું `ગેસ પેપર'
મળી આવ્યા, જેમાંથી 120 પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા હતા. તપાસ શરૂ થતાં જ દેશના વિવિધ
ભાગોમાંથી ધરપકડોનો દોર પણ ચાલુ થઈ ગયો છે. આ સંગઠિત અપરાધ પાછળના પ્રત્યેક જણને પકડી
લેવાશે, તો પણ છાતી ઠોકીને કહી શકાય નહીં કે ભવિષ્યમાં આવું નહીં થાય. ચીનમાં પણ આ
પ્રકારની `ગાઓકાઓ' પ્રવેશ પરીક્ષા યોજાય છે અને તેમાં દર વર્ષે એક કરોડથી વધુ લોકો
બેસે છે. બે દિવસીય અને નવ કલાક ચાલતી આ પરીક્ષાનું પેપર ફૂટયાની ઘટના આજ સુધી બની
નથી.
સ્વાભાવિક રીતે પરીક્ષાને રદ કરવાના નિર્ણયનો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે
વિરોધ થયો છે. કૉંગ્રેસે દેશવ્યાપી રાજકીય દેખાવો પણ કર્યા છે. જોકે, એક વખત પરીક્ષા
આપ્યા બાદ તેના ભારને છોડી ચૂકેલા યુવાન પરીક્ષાર્થીઓની માનસિક હાલત તરફ પણ ખાસ ધ્યાન
અપાવાની જરૂરત છે. કેન્દ્ર સરકાર માટે આ પ્રકારનો બનાવ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્ષોભજનક
કહી શકાય.
જે નિયમિતતાથી આવી મહત્ત્વની પરીક્ષાઓનાં પેપર ફૂટી જાય છે અને આ વખતે તો આખી પરીક્ષા જ રદ કરવાની ફરજ પડી છે, એ બાબત દેખાડે છે કે, દેશ તરીકે આપણે આ ઈતિહાસમાંથી કશુંજ શીખ્યા નથી.