પશ્ચિમ બંગાળમાં સત્તાનો દબદબો ભોગવ્યા પછી પરાજિત થયેલી તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટી હવે શાસન તો ઠીક, રાજનીતિમાંથી જાણે વિલાઈ જવાની અણી ઉપર છે. સત્તા પરિવર્તન રાજનીતિનો સામાન્ય નિયમ છે. કોઈની સરકાર બને, કોઈની તૂટે, જેની સરકાર ન રહે તે વિપક્ષમાં બેસે, આ ચક્ર કંઈ નવું નથી પરંતુ ભારતની રાજનીતિમાં છેલ્લા અઢી દાયકા થોડા અલગ જોવા મળ્યા. રાષ્ટ્રીય સ્તરની કે પછી પ્રાદેશિક કક્ષાએ જેનું અત્યંત વર્ચસ હતું તેવા પક્ષો સત્તા ગયા પછી નામશેષ થવાની સ્થિતિએ પહોંચી ગયા. તૃણમૂલ કૉંગ્રેસની ગતિ એ તરફ છે, કંઈ કહેવું હજી વહેલું છે.
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખુલ્લા પડકારો ફેંકી, નિર્ભયપણે કોઈપણ બેફામ,
નિવેદન કરનાર, ઈડી જેવી એજન્સીને પણ રાજ્યમાં પ્રવેશબંધી કરનારા, વડા પ્રધાનના કાર્યક્રમમાંથી
અધવચ્ચે ઊભા થઈ જવાનો અવિવેક દાખવનાર મમતાની મક્કમતાની ચર્ચા સર્વત્ર થઈ હતી. ડાબેરીઓને
ઘરભેગા કરીને પંદર વર્ષ બંગભૂમિ ઉપર જેણે સત્તા ભોગવી, એકહથ્થું. તે મમતા બેનરજી આજે
ધીમે ધીમે એકલા પડી રહ્યાં છે. તેમના વિશ્વાસુ સાથીદાર કલ્યાણ બેનરજીએ આક્ષેપ કર્યો
છે કે ``પક્ષને નુકસાનકર્તા હોવા છતાં અભિષેક બેનરજીની મમત મમતાને છૂટતી નથી. હવે તેમણે
અમારા બેમાંથી એકને પસંદ કરવાના રહેશે.'' ચૂંટણી પરાજય પછી મમતાદીદી માટે આ વસમો ઘા
છે. બીજી તરફ તૃણમૂલ સાંસદ કાકોલી બેનરજીએ કહ્યું કે, 20 સાંસદ તો વિરોધી જૂથમાં છે
જ હજી આ સંખ્યા વધી શકે છે.
રાજ્યસભાના સાંસદ સુખેન્દુ શેખર, સુસ્મિતા દેવ સહિત ત્રણ સાંસદોએ રાજીનામાં
આપ્યાં છે. 20 સંસદસભ્યોએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર પાઠવીને એનડીએને ટેકો આપવાની
ઈચ્છા દર્શાવીને લોકસભામાં અલગ જગ્યા ફાળવવા કહ્યું છે. યુસુફ પઠાણ પણ આ યાદીમાં છે.
કોઈ રાજકીય પક્ષ સાતત્યપૂર્ણ રીતે મજબૂત રહે તેવું શક્ય નથી, પરંતુ તૃણમૂલ અને અન્ય
કેટલાક પક્ષોની બાબતમાં જે થયું તે સંશોધન, ચિંતનનો વિષય છે. સરકાર અને પક્ષથી ઉપર
લોકશાહી પ્રણાલી માટેનો આ સવાલ છે. ભારતની બદલાતી રાજકીય તસવીર અને તકદીરનું આ પ્રતાબિંબ
છે?
મહારાષ્ટ્રમાં જેનો કેસરી ધ્વજ ફરકતો હતો તે શિવસેના તૂટી ગઈ, જેવી સત્તા ઉપરથી
ઊતરી એટલે તેના પણ કેટલા ટુકડા થયા. અસલી શિવસેના કઈ તે હવે કોણ કહી શકે? આમ આદમી પાર્ટીની
દિલ્હીમાં સરકાર ન રહી, અરાવિંદ કેજરીવાલનો જેલવાસ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
ચાલુ હતી ત્યારે રાઘવ ચઢ્ઢા સહિતના રાજ્યસભા સાંસદો ભાજપપ્રેમથી ભીંજાયા. હવે તૃણમૂલનું
પણ એ જ છે. કૉંગ્રેસ વર્ષોથી આ સ્થિતિમાં છે. આખરે આ છે શું? એક સ્પષ્ટ-સીધો અર્થ એ
તારવી શકાય કે દરેક પક્ષમાં હવે મૂળ વિચારધારાને વળગી રહેનારા લોકોનું પ્રમાણ ઘટી રહ્યું
છે. કોઈ એક અભિયાન લઈને, વૈચારિક ઝુંબેશ લઈને ચાલનારો વર્ગ નથી. સત્તા જ કેન્દ્ર સ્થાને
છે.
તૃણમૂલ કે આપ ભલે સત્તામાં ન હોય, વિપક્ષ બનીને લડશું તેવો જુસ્સો કાર્યકર્તામાં
નથી રહ્યો. વિપક્ષો રાષ્ટ્રધર્મ ભૂલ્યા છે. જેવી સત્તા ગઈ કે ડૂબતા જહાજના મૂષકોની
જેમ સદસ્યો ભાગવા લાગ્યા. આ સ્થિતિ કોઈ સરકાર કે કોઈ રાજકીય પક્ષ માટે નુકસાનકારક હોવા
કરતાં લોકશાહી માટે પ્રશ્નાર્થકારક છે. શું કોઈપણ પક્ષ, કાર્યકર્તા ફક્ત સત્તા માટે
જ છે? વિપક્ષમાં રહીને તે પ્રજાના કામ કરી ન શકે? સત્તા જાય એટલે પક્ષ છૂટે-તૂટે તો
વિચાર-પ્રતિવિચાર ક્યાંથી ટકે?