• બુધવાર, 24 જૂન, 2026

નક્કર ઉપાય અને મક્કમ નિર્ધાર જરૂરી

બેસ્ટ કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચતાં મુંબઈગરાની બીજી જીવાદોરી ગણાતી બેસ્ટની બસો અઠવાડિયાના પહેલા દિવસે રસ્તા પર પાછી ફરી. રાજ્ય સરકારે બેસ્ટ કર્મચારીઓની માગણીઓ માન્ય રાખી છે અને હંગામી રાહતો પણ આપી છે, જેના કારણે બે દિવસ બાનમાં રહ્યા બાદ મુંબઈગરાની હાલાકીનો અંત આવ્યો છે. બેસ્ટને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે એક સમિતિની સ્થાપના કરવા ઉપરાંત કર્મચારીઓ સાથે નવા વેતન કરાર થાય દરમિયાન વચગાળાની રાહત પેટે કાયમી કર્મચારીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા તથા કૉન્ટ્રાક્ટ વર્ક્સને બે હજાર રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે. આગામી ત્રણ વર્ષમાં બેસ્ટની માલિકીની પાંચ હજાર બસો વસાવવા ઉપરાંત બાકીના મુદ્દાઓ અંગે આગામી પંદર દિવસમાં બેઠક લઈ કામ શરૂ કરાશે એવા આશ્વાસનો પછી કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી છે. સાર્વજનિક પરિવહન સેવા માટે નફો કરવાનું મુશ્કેલ હોય છે અને છેલ્લા દોઢેક દાયકાથી બેસ્ટ મુદ્દે બુમરાણ શરૂ થઈ કે એકમ નુકસાન કરી રહ્યું છે, ખરેખર તો આને નુકસાન નહીં ખાધ ગણવી જોઈએ. નાગરિકોને રાહતદરે પરિવહન સેવા આપતાં એકમ પાસે નફો કરવાની આશા રાખવી વધુ પડતી છે. બેસ્ટે ખાનગી અૉપરેટર્સ પાસેથી બસો ભાડે લેવાનું શરૂ કર્યું અને સાથે કૉન્ટ્રાક્ટ પર કર્મચારીઓની સંખ્યા વધારી. આના પગલે થયું એવું કે, ખાનગી કૉન્ટ્રાક્ટરોએ બસની જાળવણી, સમારકામ તથા સર્વાસિંગ પર ધ્યાન આપવાનું બંધ કર્યું, જેથી કમાણી થઈ શકે. આની અસર થઈ કે બેસ્ટની સલામતી અને સેવાની ગુણવત્તા પર વિપરીત અસર થવા લાગી. ખાનગીકરણ અને થાગડથીગડ અભિગમ બેસ્ટની બાબતમાં નિષ્ફળ ગયો છે.

બેસ્ટની સમસ્યા ઉકેલવાનું સૌથી પહેલું પગલું છે કે સમસ્યા છે એનો સ્વીકાર થવો જોઈએ. બેસ્ટને પગભર કરવા માટે નિષ્ણાતોએ વૈકલ્પિક પર્યાયો સૂચવ્યા છે. બસ માટે અલગ લેનની માગ વર્ષોથી થઈ રહી છે, જેના કારણે પરિવહન ઝડપી થશે અને સરવાળે ઈંધણથી લઈ સમયની પણ બચત થશે. પેટા કૉન્ટ્રાક્ટ આપવાને બદલે બેસ્ટ પોતાની બસો વસાવે અને પોતે ચલાવે સારો વિકલ્પ છે. બસ સીએનજી હોય, ઈલેક્ટ્રિક હોય કે ડીઝલ પર ચાલતી હોય એનાથી બહુ ફરક નહીં પડે, તેમની જાળવણી મહત્ત્વની છે. વળી, અત્યારે બેસ્ટ ખાધને સરભર કરવા બીએમસી પાસેથી વ્યાજે લોન લે છે, એના કરતાં અગાઉની જેમ બંનેના બજેટ એકસાથે કરી દેવાથી, બેસ્ટના અૉપરાટિંગ ખર્ચની (જે અત્યારે ખોટ તરીકે દેખાડવામાં આવે છે) ખતવણી નાગરી ખર્ચ તરીકે થશે. નક્કર ઉપાય અને મક્કમ નિર્ધારથી બેસ્ટનો ઉદ્ધાર થઈ શકશે.