નીટની ફેરપરીક્ષા બાબતે વિદ્યાર્થીઓ જેટલી જ તાણમાં નેશનલ ટેસ્ટિંગ ઍજન્સી (એનટીએ) અને સરકાર પણ હતી. મેડિકલ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે યોજાતી નીટ પરીક્ષાના પેપર લીકના અહેવાલો બાદ હાલમાં જ યોજાયેલી રિ-નીટ બાદ કેટલીક ઘટનાઓ બાદ કરતાં એકંદરે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. કેન્દ્ર સરકારે મેસાજિંગ ઍપ ટેલિગ્રામ પર હંગામી પ્રતિબંધ મૂક્યો, જેને અદાલતે પણ યોગ્ય ઠેરવ્યો અને હવાઈદળે પેપર પહોંચાડ્યું તથા પરીક્ષા કેન્દ્રો પર ડ્રૉન દ્વારા નજર રાખવામાં આવી હતી અને પરીક્ષાના આગલા દિવસે પોલીસે કેટલીક જગ્યાએ મૉક ડ્રીલ પણ હાથ ધરી હતી. એકાદ ગંભીર અભિયાન તરીકે આ આયોજનને હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ફેરપરીક્ષા સુખરૂપ પાર પડી છતાં એનટીએની નિષ્ફળતા અંગે સવાલ અકબંધ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પર આવી પડતી તાણ અને વારંવાર પેપર લીકની ઘટનાઓને કારણે સર્જાતું અવિશ્વાસનું વાતાવરણ કાયમ માટે દૂર થાય એ દિશામાં કામ કરવાનો સમય આવી ગયો છે.
ફેરપરીક્ષાના
એક દિવસ પહેલાં તામિલનાડુમાં એક વિદ્યાર્થીએ નપાસ થવાના ભયે આત્મહત્યા કરી લીધી. તો, કર્ણાટકમાં કેટલાંક સેન્ટર પર મોડી પહોંચેલી વિદ્યાર્થિનીઓને પ્રવેશ ન અપાતાં સર્જાયેલી પરિસ્થિતિ તથા હૈદરાબાદમાં પણ એક વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. નીટ જેવી વર્ષમાં એકવાર યોજાતી પરીક્ષા આપવાનો અને તેમાં નિષ્ફળ જવાનો ભય વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવવાથી માંડીને પેપર મેળવવા માટે કંઈપણ કરી છૂટવા પ્રેરતા હોય છે. સંસદની સ્થાયી સમિતિએ આ તાણ ઘટાડવા માટે અનેક સૂચનો કર્યાં છે, જેમાંથી એક છે કે, વર્ષમાં એકથી વધુ વાર આ પરીક્ષા લેવામાં આવે. જોકે, તેમાં અનેક મુશ્કેલીઓ પણ છે. જોકે, સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે, પેપર લીક થવા પર નિયંત્રણ લાવવું અને એ દિશામાં પગલાં લેવાય તો સરકારી ઍજન્સીની શાખ અને વિદ્યાર્થીઓની યાતના બંને બચી શકે છે. આ આખી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ વગર વાંકે દંડાયા છે. ફેરપરીક્ષામાં કોઈ ગરબડ ન થઈ એ આશ્વાસન સરકાર કે એનટીએ લે એના કરતાં આવતા વર્ષથી પેપર લીક જ ન થાય એની તકેદારી અને એ માટેના પ્રયત્નો અત્યારથી જ શરૂ થવા જોઈએ. ભૂલ સુધારવા માટે હાથ ધરાયેલી કામગીરીની સફળતાની ઉજવણી કરતાં આવું થાય જ નહીં એ માટે વિચાર થવો જોઈએ. એનટીએને પોતાની ભૂલ સુધારવાની બીજી તક મળી, પણ પરીક્ષા કેન્દ્ર પર બે મિનિટ મોડા પહોંચેલા વિદ્યાર્થીઓની કાકલૂદી અને માતા-િપતાની આજીજીઓના વીડિયો જોઈ અનેક લોકો વિચલિત થયા છે. આ મોરચે પણ વહેલી તકે કામ થવું જોઈએ. વિશ્વના અનેક દેશોમાં ત્રસ્ત જેન ઝીના ઉદ્વેગથી સરકારોના પાયા હચમચી ગયા છે. રોજગાર સર્જન સાથે પરીક્ષાઓ યોગ્ય રીતે યોજાય એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે એ પણ આવશ્યક છે.