• સોમવાર, 07 સપ્ટેમ્બર, 2026

સાર્વભૌમત્વ સાથે સમાધાન નહીં

`કરેક્ટ ધ મૅપ' જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની અત્યંત અગત્યની પ્રક્રિયા-પ્રસ્તાવમાં ભારતનું મક્કમ, રાષ્ટ્રલક્ષી વલણ ઉલ્લેખનીય રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વિશ્વના નકશામાં કરાયેલા ફેરફારના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. આફ્રિકા, દક્ષિણ એશિયાના કેટલાક પ્રદેશ અને ભારતના વિસ્તારના જે કદ છે તેના કરતાં અત્યાર સુધી નકશામાં નાના હતા તેને ક્ષતિ દૂર કરવામાં આવી. `મર્કેટર પ્રોજેક્શન'ના આ દોષોને દૂર કરવાની લાંબી ગતિવિધિમાં સંમત થવાની સાથે વિશ્વસ્તરના આ મંચ ઉપર ભારતે સાર્વભૌમત્વ અને દેશની સીમાઓના મુદ્દે મક્કમ અવાજે સ્પષ્ટ વાંધો રજૂ કરી દીધો છે.

યુએનમાં ભારતના પ્રતિનિધિ અને વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે જમ્મુ-કાશ્મીર તથા લદાખ પ્રદેશો કોઈ પણ નકશામાં ભારતના અધિકૃત અને સત્તાવાર નકશા મુજબ જ દર્શાવવાના રહેશે. ભારતની સીમાઓનું ભ્રામક ચિત્રણ સ્વીકારાશે નહીં, કારણ કે રાષ્ટ્રની અખંડિતતા સાથે સમાધાન નહીં કરીએ. આ પ્રસ્તાવ કોઈ ચોક્કસ નકશાનું નહીં, પરંતુ સમાન ક્ષેત્રફળના વ્યાપક ઉપયોગનું સમર્થન જ કરે છે. નકશા વૈશ્વિક સ્તરે બદલાતા રહેતા હોય, પરંતુ આંતરિક સુરક્ષા, રાષ્ટ્રીય હિતના મુદ્દે ભારત સજાગ અને અડગ રહેશે તેવો આપણા નેતૃત્વનો-સરકારનો સૂર છે. આ પ્રક્રિયા ઘણી મહત્ત્વની પણ છે. સદીઓ જૂની `મર્કેટર પ્રોજેક્શન' પદ્ધતિએ ઉત્તર ગોળાર્ધના દેશોને અવાસ્તવિક રીતે મોટા અને આફ્રિકા-એશિયાના દેશોને નાના દર્શાવ્યા હોવાથી દુનિયાની માનસિકતા ઉપર એક છાપ હતી. 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો `કરેક્ટ ધ મૅપ' પ્રસ્તાવ ભૌગોલિક રેખાઓનો વિષય નથી, તે ઐતિહાસિક અસંતુલન અને માનસિક ગુલામી સામેનો ન્યાય પણ ગણી શકાય. આ પ્રસ્તાવની તરફેણમાં મત આપીને ભારતે સાબિત કર્યું કે તે વિકાસશીલ દેશો, આફ્રિકન ખંડના હકો અને વૈશ્વિક સ્તરે સાચા ભૌગોલિક પ્રતિનિધિત્વની તે કાળજી રાખે છે. ગ્લોબલ સાઉથનું એક પ્રકારે ભારત નેતૃત્વ કરે છે અને વસુધૈવ કુટુંબકમ્ માત્ર તેનું સૂત્ર નથી તેવું પણ અહીં ફલિત થાય છે. ભારતે પરિપક્વતાનો પરિચય આપતાં સ્પષ્ટ કર્યું છે કે તે ઈક્વલ અર્થ જેવા કોઈ પ્રોજેક્શનનું તે અવિચારી અનુકરણ નથી કરતું, પરંતુ સમાન વિસ્તાર વિચારને સમર્થન આપે છે.

નકશા બદલાય, વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોજેક્શન બને પરંતુ આપણા દેશની ભૌગોલિક સીમા માટે જે વલણ છે તેમાં ક્યારેય કોઈ ફેર નહીં પડે તેવું પણ બુલંદ અવાજે આપણે કહ્યું. આને કારણે થશે એવું તે ગૂગલ મૅપ કે અન્ય સૉફ્ટવેર અથવા આંતરરાષ્ટ્રીય કોઈ સંગઠનોએ નોંધ લેવી પડશે કે ભારતના કોઈ પણ પ્રદેશનું ભ્રામક અને સત્યથી પર ચિત્રણ ભારતને ક્યારેય સ્વીકાર્ય નહીં હોય. જગત આખું ડિજિટલ યુગમાં પ્રવેશી ગયું છે તેવા સમયે નકશા ફક્ત કાગળના ટૂકડા નથી, પરંતુ તે વૈશ્વિક દૃષ્ટિકોણ ઘડવામાં મોટી ભૂમિકા ભજવે છે. આ દૃષ્ટિકોણ અને સુધારાને સમર્થન આપીને ભારતે પોતાની ખુલ્લી માનસિકતાનો પુરાવો આપ્યો છે સાથે જ પોતાની રાષ્ટ્રીય નીતિની મક્કમતાનો પણ પરિચય આપ્યો છે. આંતરરાષ્ટ્રીય પ્રવાહથી ભારત અલગ નથી અને રાષ્ટ્રીય હિત સાથે તેનું વલણ સમાધાનકારી નથી બન્ને બાબતો અહીં સ્પષ્ટ થઈ છે.