અમેરિકાએ ઈરાનમાં મોરચો માંડયા બાદ રશિયા-યુક્રેન યુદ્ધ પરથી તેનું ધ્યાન દૂર હટી ગયું હતું. જોકે, હવે ફરી અમેરિકાએ મધ્યસ્થની ભૂમિકા લીધી હોવાથી અને યુક્રેન તથા રશિયાએ પણ 72 કલાકના યુદ્ધવિરામનો સ્વીકાર કરતા આશા જાગી છે. અમેરિકાના પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરે મૉસ્કોમાં પુતિન સાથે વાટાઘાટો માટે આવવાનું ઔચિત્ય સાધી યુક્રેને 72 કલાક માટે હુમલા અટકાવવાની જાહેરાત કરી હતી. જોકે, આ યુદ્ધ અંગે કોઈ સમજૂતી સધાશે કે કેમ અને એ લાંબું ટકશે ખરી કે નહીં એ વિશે અસમંજસ છે.
રશિયા આ યુદ્ધમાં વિજયના
પથ પર અગ્રસર છે એવું કહી શકાય એમ નથી. 2014 પહેલાંના યુક્રેનની આણ હેઠળનો વીસ ટકાથી
વધુ વિસ્તાર રશિયાના કબજામાં છે. જોકે, હાલમાં આ ગતિ ધીમી પડી છે. સામી બાજુએ યુક્રેને
પણ રશિયાનાં ઊર્જા ક્ષેત્ર, પુરવઠા નેટવર્ક તથા સેનાનાં સ્થાનો પર લાંબી-મજલના હુમલા
કરી રશિયાને એવી જગ્યાએ ઘોંચપરોણા કર્યા છે, જેનું કળતર અને અસર વ્યાપક છે. અહેવાલો
અનુસાર, રશિયાની અૉઈલ રિફાઈનિંગમાં ક્ષમતામાં યુક્રેનના આ લક્ષિત હુમલાઓને કારણે લગભગ
વીસેક ટકા જેટલો ઘટાડો થયો છે. મૉસ્કોએ પણ કિવની નબળી ઍર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી
ડ્રૉન્સ અને મિસાઈલ હુમલા વધાર્યા છે. જોકે, યુરોપના ટેકે કિવ રશિયાના હુમલાને ખાળીને
સામી લડત આપી રહ્યું છે.
રશિયાએ પણ કચકચાવીને આનું વેર વાળતાં યુરોપના કેટલાક હિસ્સાઓને નિશાને લેવાનો દાવ શરૂ કર્યો છે. જર્મન ઍરપોર્ટ નજીક ત્રણ વિસ્ફોટક ડ્રૉનનું મળી આવવું, રોમાનિયાની ઍર સ્પેસમાં એક ડ્રૉન તોડી પાડવામાં આવ્યું અને પૉલૅન્ડમાં એક રશિયન પ્રોજેક્ટાઈલનું પડવું યોગાનુયોગ ન ગણી શકાય. યુરોપિયન રાષ્ટ્રોનું માનવું છે કે, રશિયા વિદેશી એજન્ટોને ભાડે લઈ ભાંગફોડિયા પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે તથા ડિજિટલ જાસૂસી અને સાયબર હુમલાઓને અંજામ આપી રહ્યું છે. આગામી સમયમાં પુતિન નાટો રાષ્ટ્રોની સીમામાં પણ ઘૂસણખોરી કરી શકે છે.
વળી, કિવમાં સત્તાપલટો કરાવવાના
રશિયાના મનસૂબાને પણ પારખી લઈ અમેરિકા સક્રિય થયું છે. બ્રિટિશ બનાવટનાં શસ્ત્રોનો
ઉપયોગ રશિયા પર હુમલા કરવા માટે યુક્રેન કરશે તો યુકે મિલિટરીના યુક્રેન તથા બહારના
એકમો અમારા ટાર્ગેટ બની શકે છે, એવી શબ્દો ચોર્યા વિનાની ચેતવણી આપી મૉસ્કોએ પોતાની
રુખ સ્પષ્ટ કરી છે. ઘરઆંગણે પુતિન પર દબાણ વધી રહ્યું હોવાથી તેઓ યુદ્ધમાં કશુંક નોંધપાત્ર
કરવા તત્પર છે, એવા ગુપ્ત અહેવાલોએ પણ ચિંતા વધારી છે. અમેરિકાએ એક તરફ રશિયા સામે
આર્થિક મોરચો ખોલ્યો છે અને તેના વેપારી મિત્ર રાષ્ટ્રો પર ભીંસ વધારી છે. ખેલ છેવટે
તો ક્રૂડતેલનો જ છે. અત્યારનાં સમીકરણો બરાબરના ગૂંચવાયા છે છતાં યુદ્ધનો અંત આવશે
એ માની લેવું વધુ પડતું ગણાશે, અમેરિકા પોતે ઈરાન સાથે શાંતિ માટે ગંભીર જણાતું નથી
એ જોતાં.