• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

આભ ભલે ન વરસ્યું, સરકાર તો વરસે...

ગુજરાતના ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થયા પછી પણ ખેડૂતોમાં તીવ્ર અસંતોષ છે. વરસાદ ઓછો થવાથી વર્ષ નબળું રહ્યું છે. હવે સરકાર જરા વધારે વરસે તો સારું તેવું આ ચાર જિલ્લા ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારના ખેડૂતો ઈચ્છી રહ્યા છે. અલ નિનોની અસર, જળવાયુ પરિવર્તનને લીધે ચોમાસું નબળું ગયું છે. તજજ્ઞોએ તો તેની આગાહી કરી જ હતી તેમ છતાં આશા એવી હતી કે વરસાદ પડશે, પરંતુ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં અપેક્ષિત વરસાદ થયો નહીં. પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ આ ચાર જિલ્લા એવા છે જ્યાં 50 ટકાથી પણ ઓછો વરસાદ થયો અને તે દુષ્કાળગ્રસ્ત જાહેર થયા છે. 

ગુજરાત સરકારે કરેલી જાહેરાત અનુસાર ખેતરદીઠ રૂા. 8500ની સહાય ચૂકવાશે અને તેમાં પણ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા રખાઈ છે. મોંઘવારી તથા ખેતી માટે થતા ખર્ચ સામે આ રકમ મામૂલી છે તેવું કૃષિ કર્મીઓ માને છે. ચાર જ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે, પરંતુ વરસાદની ઘટ અન્ય જિલ્લાઓમાં પણ છે. પાક ત્યાં પણ નિષ્ફળ ગયો છે, પાણીની તંગી છે. તેથી અછત કે દુષ્કાળ જાહેર કરવાની માગ ત્યાંથી પણ ઊઠી છે. પશુઓ માટે પ્રતિ દિવસ રૂા. 80ની સહાય માત્ર બે મહિના પૂરતી જ નક્કી કરવામાં આવી છે. પશુપાલકો કહે છે કે, ખાણ દાણ અને ઘાસચારાના વાસ્તવિક ખર્ચ સામે આ રકમ અપૂરતી છે. આ વખતે વરસાદનું ચિત્ર જોતાં ખેડૂતોની આ વાત અવગણી શકાય તેમ નથી. 

ભારતનાં કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં પણ ઓછા વરસાદને કારણે દુષ્કાળ છે. તેલંગણામાં 51 ટકાથી ઓછો વરસાદ થયો છે. કર્ણાટકમાં 226 તાલુકા અસરગ્રસ્ત જાહેર કરાયા છે, કેન્દ્ર સરકારના એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડના ધોરણ મુજબ ગુજરાત સરકારે પણ સહાય જાહેર કરી છે, પરંતુ અન્ય રાજ્યોમાં તે ભંડોળ ઉપરાંત સરકારે પોતે વ્યવસ્થા કરી છે. 

મહારાષ્ટ્રના સંભાજીનગર, લાતુરમાં ખરીફ પાક મોટા ભાગે સુકાયો છે. ભૂગર્ભ જળનાં તળિયાં દેખાઈ ગયાં છે. કર્ણાટકના 20થી વધારે જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હતા. 

ગુજરાતમાં આખા રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ નથી તેથી સ્વભાવિક રીતે આ પૅકેજ મર્યાદિત વિસ્તારમાં હોય એટલે અન્ય રાજ્યો સાથેની તે સરખામણી કરવાનો પ્રશ્ન નથી પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે, મહારાષ્ટ્ર સરકારે બિનપિયત પાક માટે રૂા.13,600ની સહાય જાહેર કરી છે. પિયત માટે રૂા.27,000 અને બાગાયતી પાક માટે રૂા.36,000 પ્રતિ હેક્ટરની જાહેરાત કરી છે. કર્ણાટક સરકારે બિનપિયત પાક માટે રૂા.8500 ઉપરાંત વચગાળાની રોકડ રાહત, પિયત માટે હેક્ટરદીઠ રૂા.17,000 અને બાગાયતી-બારમાસી પાક માટે રૂા.22,500ની જાહેરાત કરી છે. એ વાત સાચી છે કે, દરેક રાજ્યની ભૌગોલિક સ્થિતિ, દુષ્કાળની સ્થિતિ અલગ અલગ હોય એટલે સરકાર ઈરાદાપૂર્વક સહાય ઓછી કરે છે તેવું કોઈ કહેતું હોય તો તે મોટી ગેરસમજ છે, ભલે અન્ય રાજ્યોની સરખામણીએ નહીં પણ ગુજરાતમાં જે હાલત છે તેનો જરૂર પડયે વધારે અભ્યાસ કરીને, ખેડૂત સંગઠનો સાથે પરામર્શ કરીને જો પુન:વિચાર થાય તો ખેડૂતો નુકસાનથી બચી શકે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ