ક્રિકેટ ભારતમાં એક રમત માત્ર નથી કરોડો નાગરિકોનો તેની સાથે સંવેદનાસભર નાતો છે. આ સંબંધ પુન:જીવંત થયો છે. અન્ડર 19 ક્રિકેટમાં ભારતના યુવા ક્રિકેટરોએ દર્શાવેલા કૌશલ્યે એવું સાબિત કર્યું કે જેનો ભૂતકાળ ભવ્ય છે તે ભારતીય ક્રિકેટના ભવિષ્યનું બૅટ પણ સુરક્ષિત અને પ્રશિક્ષિત હાથોમાં છે. ક્રિકેટના ક્ષેત્રે વિશ્વ સ્તરે તિરંગો લહેરાવવા માટે નવયુવાન ક્રિકેટર્સ પણ તૈયાર છે. ઓમાનમાં રમાયેલા એશિયાકપના ફાઈનલ મૅચમાં પાકિસ્તાનને પરાસ્ત કરીને ભારતના ક્રિકટરોએ મેદાનમાં અને ક્રિકેટપ્રેમીઓના મનમાં જગ્યા પ્રાપ્ત કરી, તાળીઓ મેળવી એવું કહી શકાય. આ ભારતીય ક્રિકેટનો આગામી સમય છે જે તેના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે સ્થાન પામશે.
પાકિસ્તાને
આપેલા 338 રનના માતબર લક્ષ્યાંક સામે ભારતની ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતરી હતી. ફાઈનલમાં પણ આ આંક સુધી પહોંચવાનું સરળ ન જ હોય.
લોઢાના
ચણા ચાવવા જેવી આ બાબત ભારતના યુવા ક્રિકેટરોએ શીરો ગળે ઉતારવા જેટલી સરળ બનાવી દીધી. યુવા ક્રિકેટર્સે સાબિત કરી દીધું કે તેમના માટે કોઈ પડકાર, કોઈ લક્ષ્ય નાનું નથી. મિડલ ઓર્ડર જ્યારે ધરાશાયી થયો ત્યારે ટીમને જાણે આંખે અંધારાં આવવા જેવી સ્થિતિ થઈ, સમજી શકાય કે ડ્રાસિંગરૂમનું વાતાવરણ કેવું તણાવયુક્ત હશે, પરંતુ મેદાનમાં રહેલા બેટર સમજી ગયા કે હવે આ રનમેદાન નથી, રણમેદાન છે. સંયમ, પરિપક્તવતા અને ધૈર્ય દર્શાવીને તેમણે બાજી ભારતના પક્ષે પલટી નાખી.
આર્યવીર
સહેવાગ આ જીતના સૌથી મોટા શ્રેયસ્કર ખેલાડી કહી શકાય. આખી ટુર્નામેન્ટમાં તેમણે સામેની ટીમના બૉલર્સને હંફાવી દીધા. દબાવની ચરમસીમા વચ્ચે 49 રન સાથે નોટઆઉટ રહીને મોહિત ઉલ્વાએ પણ રમતનું પ્રદર્શન કર્યું તેમના આ કૌવત-કૌશલ્યથી ગુજરાતમાં તો ખુશી બેવડાઈ, તેના ઘર પાસે ફટાકડા પણ ફૂટ્યા. તો મનાલ ચૌહાણની પીઠ થાબડવાની પણ ક્રિકેટરપ્રેમીઓને જરૂરત વર્તાઈ છે, કારણ કે નિર્ભય અને આક્રમક બાટિંગથી તેમણે હારેલી બાજી વિજયમાં પલટાવી. અંતિમ દડા સુધી ચાલેલા આ રોમાંચે આમ તો દર્શકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. દોડીને, કેચ કરીને એટલે કે ફક્ત શરીરથી થતી પ્રવૃત્તિનું આ પરિણામ નથી. માનસિક મજબૂતી, દૃઢ મનોબળને લીધે આ શક્ય બન્યું છે.
અન્ડર-19
સ્તરનો આ વિજય માત્ર એક ટ્રૉફી જીતવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આવનારા સમયમાં ભારતીય સિનિયર રાષ્ટ્રીય ટીમ માટે મજબૂત પાયો નાખવાનું કામ કરે છે. આ ખેલાડીઓ ભવિષ્યના સુપરસ્ટાર છે, જેઓ આવનારા વર્ષોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ યુવાઓએ દેશવાસીઓને ગર્વ લેવાની સોનેરી તક આપી છે અને સાબિત કરી દીધું છે કે જ્યારે ભારતીય જર્સી પહેરીને મેદાન પર ઉતરે છે, ત્યારે જીત સિવાય બીજું કોઈ લક્ષ્ય હોતું નથી.
ભારતીય
ક્રિકેટ એક લેગેસી- પરંપરા છે તેવું પુન: પુરવાર થયું છે.