વિશ્વના દેશો જ્યારે આર્થિક સંકટમાં આવી પડયા અને હોર્મુઝ ખાડીની લડાઈ લંબાતી ગઈ. ક્રૂડતેલ વાહક જહાજો અટકી પડયાં ત્યારે આર્થિક સંકટ વધુ ગંભીર બનવા લાગ્યું. ભારતમાં પણ ક્રૂડતેલની અછતના કારણે પેટ્રોલ - ડીઝલ અને ખાતરની તંગી અને ભાવ વધારાની શક્યતા હતી. વિપક્ષી નેતાઓએ અછત - ભાવવધારો નિશ્ચિત હોવાનો પ્રચાર કરીને દેશમાં અરાજકતાને - આવકારતા હોય એવી છાપ પાડી હતી. આમ સંજોગો વિકટ અને વિરોધી હોવા છતાં આપણું અર્થતંત્ર સદ્ધર રહ્યું. સરકારની સમયસૂચકતા અને નીતિ નિર્ણયથી પેટ્રોલ - ડીઝલ અને ખાતરની અછત અથવા ભાવવધારો થયો નહીં.
હવે
સ્થિતિ બદલાઈ રહી છે. જીવનજરૂરી ચીજોના ભાવ વધવાની શરૂઆત થઈ છે. આ માટે માત્ર ક્રૂડતેલ જવાબદાર નથી. અનાજ, શાકભાજી અને દૂધના ભાવ પણ વધી રહ્યા છે. કોરોના વખતથી કેન્દ્ર સરકારે સમાજના નબળા વર્ગોને વિનામૂલ્યે અનાજ આપવાની શરૂઆત કરી હતી જે હવે લંબાવવામાં આવી છે પણ અનાજ - ઘઉં - ચોખા ઉપરાંત કઠોળ અને શાકભાજીનો પણ પ્રશ્ન છે.
રિઝર્વ
બૅન્કનું અનુમાન છે કે આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં માર્ચની આખરે ફુગાવો - ભાવવધારો છ ટકાથી ઘટવા લાગશે. રિઝર્વ બૅન્કના આશાવાદ અને અનુમાન સાથે અર્થશાસ્રીઓ સંમત નથી. તેમના મત મુજબ રિઝર્વ બૅન્કે ગ્રાહક ભાવ આંકના વધારા માટે ચાર ટકાની પાળ બાંધી હતી તે ઓળંગીને છ ટકા ઉપર પહોંચી છે અને આગામી મહિનાઓમાં હોર્મુઝમાં યુદ્ધવિરામ થાય, ક્રૂડતેલનો પુરવઠો વધે તો પણ ભાવ ઘટવાની શક્યતા નથી. `અલ નિનો'ની કુદરતી આપત્તિ - આક્રમણ અર્થતંત્રને હચમચાવી નાખશે એવું અનુમાન છે.
કેન્દ્ર
સરકાર ભાવ સ્થિતિ ઉપર નજર રાખી રહી છે. દાળ - કઠોળના ભાવ વધવા લાગતાં તાત્કાલિક સ્ટૉકમર્યાદા જાહેર થઈ છે જેથી સંગ્રહખોરી અને અછતના ભયથી ભાવવધારો થાય નહીં. વાસ્તવમાં આ ભાવવધારો પુરવઠાની ખેંચના કારણે થયો છે તેથી રિઝર્વ બૅન્ક વ્યાજદર વધારે તો પણ તેની ઊલટી અસર પડશે, એમ મનાય છે. આ સંજોગોમાં જરૂરી ચીજોનો પુરવઠો જળવાઈ રહે તે જરૂરી છે.
અનાજ
ઉત્પાદન વધવા સાથે `બફર સ્ટૉક' રાખવાની શરૂઆત થઈ હતી પણ હવે અનાજ કરતાં અન્ય સામગ્રી - દૂધ - શાકભાજીની અછત છે, દુષ્કાળ પછી હવે અલ નિનો ત્રાટકવાનો ભય છે. આ સંજોગોમાં માત્ર શૅરો વધે, શૅરબજારમાં ફૂલગુલાબી વાતાવરણ રહે તે પૂરતું નથી. સામાન્ય નાગરિકોના જીવનમાં ભાવાંકનું મહત્ત્વ વધુ છે. હવે આગામી વર્ષે ચૂંટણીની મોસમ છે ત્યારે મોદી સરકાર સામે ભાવસપાટી અંકુશમાં રાખવાનો પડકાર છે.