• મંગળવાર, 25 જૂન, 2024

`બ્લૂ સ્ટાર'ની વરસી : ખાલિસ્તાની

પંજાબમાં અૉપરેશન બ્લૂ સ્ટારની ચાલીસમી વરસી પર સુવર્ણ મંદિર પરિસરમાં ભારે ભીડની ઉપસ્થિતિ છતાં પણ કોઈ હિંસક ઘટના નથી ઘટી, પરંતુ ત્યાં જે રીતે તલવારો વિંઝતા ખાલિસ્તાની સમર્થકોએ સૂત્રો પોકાર્યા તે ચિંતાજનક હોવાની સાથે સીમાવર્તી રાજ્ય માટે ભયસૂચક ઘંટડી પણ છે. ભયને સમજવા માટે ઘટનાક્રમને સમજવો પડશે. 

પંજાબમાં ચાર દિવસ પહેલાં આવેલાં ચૂંટણી પરિણામોમાં બે ખાલિસ્તાન સમર્થકો રેકોર્ડ મતોથી જીત્યા છે. પહેલાં ખેડૂત આંદોલન દરમિયાન પણ ખાલિસ્તાની આતંકવાદીઓ સામેલ હોવાના આક્ષેપ થયા છે. સુરક્ષા એજન્સીઓએ મણિપુર હિંસામાં પણ અલગતાવાદીઓની સંડોવણી પુરવાર કરી હતી, જ્યારે ગયા વર્ષે એક ટોચના કુકી નેતાની ખાલિસ્તાની અલગતાવાદીઓ સાથે કથિત સંપર્કના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી હતી.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સંચાલક કંપની મેટાએ હાલમાં ખુલાસો કર્યો કે ચીનથી સંચાલિત થઈ રહેલાં બોગસ એકાઉન્ટો કેવી રીતે ખાલિસ્તાનનાં નામે શીખોને ઉશ્કેરીને એક નકલી આંદોલન ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં, ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ્સ બતાવે છે કે પંજાબમાં આતંકવાદના સફાયા પછી ખાલિસ્તાની નેતાઓએ પાકિસ્તાનમાં શરણ લીધું છે અને પોતાનું નેટવર્ક પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈની મદદથી ચલાવવાનું શરૂ કર્યું છે. ઉપરાંત કૅનેડા, અૉસ્ટ્રેલિયા, ઈંગ્લૅન્ડ અને અમેરિકામાં પણ ખાલિસ્તાનીઓએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય રાજદ્વારી મિશનોને પણ નિશાન બનાવવાના પ્રયાસ કર્યા છે. ગયા વર્ષે સ્કોટલૅન્ડમાં ખાલિસ્તાની અલગતાવાદીઓએ જે રીતે ભારતીય હાઈ કમિશનરને સ્થાનિક ગુરુદ્વારામાં પ્રવેશ કરતા રોક્યા હતા, તે તેમની વધતી હિંમત દાખવે છે. કૅનેડામાં પણ પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સના સરદાર હરદીપ સિંહ નિજજરની હત્યાથી અલગતાવાદને ભારે આંચકો જરૂર લાગ્યો છે. કૅનેડાએ આની પાછળ ભારતની સંડોવણીના આરોપ મૂક્યા હતા.

પંજાબે આતંકવાદનો એક લાંબો દોર જોયો છે, જેમાંથી સ્વસ્થ થવામાં સારો એવો સમય પણ રહ્યો છે. આતંકવાદ ફરીથી માથું ઊંચકે, માટે આવશ્યક છે કે કેન્દ્ર અને રાજ્ય સ્તર પર બહેતર તાલમેલ રહે. આતંકવાદીઓને ફન્ડિંગ રોકવા માટે આકરાં પગલાં ભરવાં રહ્યાં. ખાલિસ્તાની ચળવળ કદાચ પહેલાં જેવી હિંસક નહીં હોય પણ તેને જો રાજકીય અને રાજનૈતિક સ્તર પર પીઠબળ મળતું રહ્યું તો તેમાંથી નવા ગૂંચવાડા ઊભા થશે. ખાલિસ્તાનનું દાટી દીધેલું ભૂત બહાર કાઢવા માટે પાકિસ્તાન ઉતાવળિયું બન્યું છે. તેને ભારતવિરોધી આંતરરાષ્ટ્રીય ઈકોસિસ્ટમનો સાથ છે. ઘટનાક્રમ પણ ચિંતાજનક લેખવો રહ્યો.

ઇ-પેપરના નવા શુલ્ક