• શનિવાર, 27 એપ્રિલ, 2024

મ.પ્ર, બિહાર, બંગાળના ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર : મોદી-શાહ સભા કરશે

નવી દિલ્હી, તા. 27 :  ભાજપે  લોકસભા ચૂંટણીને લઈને ત્રણ રાજ્ય માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જેમાં મધ્યપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. તમામ રાજ્યોમાં ભાજપના 40-40 દિગ્ગજ નેતાનાં નામ છે. વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ત્રણેય રાજ્યમાં જાહેરસભાઓ કરશે. 

મધ્યપ્રદેશ માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાત કેન્દ્રીય પ્રધાનનાં નામ સામેલ છે. ઉપરાંત ભાજપ શાસિત રાજ્યના મુખ્ય પ્રધાનો પણ એમપીમાં પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરતા જોવા મળશે. મધ્યપ્રદેશના સીએમ ડો. મોહન યાદવ, પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ વી.ડી. શર્મા   જેવાં મોટાં નામો પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.  

ભાજપે બિહારમાં લોકસભા ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. યાદીમાં કુલ 40 નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહ, જે.પી. નડ્ડા, રાજનાથ સિંહ, નીતીન ગડકરી, એમપી સીએમ મોહન યાદવ, બિહારના બંને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી, વિજય સિંહાનું નામ છે. 

પશ્ચિમ બંગાળના ભાજપના 40 સ્ટાર પ્રચારકની યાદીમાં ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી અને પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવિયાનાં નામ પણ સામેલ છે. પીએમ મોદી અને અગ્રણી કેન્દ્રીય નેતાઓ ઉપરાંત શુભેન્દુ અધિકારી, દિલીપ ઘોષ, સ્વપન દાસગુપ્તા, મુફુજા ખાતૂન, રૂદ્રનીલ ઘોષ, અમિતાભ ચક્રવર્તી, સુકુમાર રાય, સિદ્ધાર્થ તિર્કી, દેવશ્રી ચૌધરી સહિતના ઘણા મોટા નેતાઓ પશ્ચિમ બંગાળમાં ભાજપના સ્ટાર પ્રચારક બનશે. 

ટીએમસીએ તેના 40 સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી. પાર્ટી સુપ્રીમો અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ ટોચ પર સામેલ છે. યાદીમાં ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા યુસુફ પઠાણ અને બંગાળી ફિલ્મ અભિનેત્રી સયુની ઘોષ, જૂન માલિયા અને રચના બેનર્જીનું નામ સામેલ છે. જો કે, ટીએમસીએ તેના ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઇત્રાને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યા નથી.