• શનિવાર, 27 એપ્રિલ, 2024

આજે કોર્ટ સમક્ષ મુખ્ય પ્રધાન કરશે શરાબકાંડનો પર્દાફાશ   

સુનિતા કેજરીવાલે પત્રકારોને કહ્યું

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 27 : શરાબકાંડમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ બાદ બીજી વાર પત્રકારો સમક્ષ આવેલાં કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલે આજે જણાવ્યું હતું કે આવતી કાલે ગુરુવારે મુખ્ય પ્રધાન કેજરીવાલ પોતે કોર્ટ સમક્ષ પુરાવા સાથે કથિત શરાબકાંડનો પર્દાફાશ કરશે. દિલ્હીમાં શરાબ નીતિ સંબંધી મની લૉન્ડરિંગ કેસમાં 21 માર્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડીએ ધરપકડ કરી હતી અને કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધીની ઇડીની કસ્ટડીનો આદેશ આપ્યો હતો. 

સુનિતા કેજરીવાલે વીડિયો સંદેશામાં જણાવ્યું હતું કે ભાજપ દિલ્હી અને આપને ખતમ કરવા માગે છે. સુનિતા કેજરીવાલે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન કેજરીવાલે મને કહ્યું હતું કે ઇડીએ આપના નેતાઓ મનીષ સિસોદિયા, સંજય સિંહ અને મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન સહિત અત્યાર સુધીમાં અઢીસો વખત દરોડા પાડયા છે, પરંતુ કંઇ મળ્યું નથી. અમારા ઘરમાંથી ઇડીને 73,000 રૂપિયા મળ્યા હતા પરંતુ રકમને આવા કોઇ મુદ્દા સાથે સંબંધ નથી. અરવિંદે મને કહ્યું હતું કે 28 માર્ચે કોર્ટ સમક્ષ એક્સાઇઝ પૉલિસીના ખોટા કેસ અને ઇડીની કથિત તપાસનો પર્દાફાશ કરશે.  

સુનિતાએ જણાવ્યું હતું કે હું મંગળવારે કસ્ટડીમાં કેજરીવાલને મળવા ગઇ હતી. એમને ડાયાબિટીસ હોવાથી સુગર લેવલ લો હોવા છતાં તે જનતાની ચિંતા કરી રહ્યા છે. એમણે દિલ્હીના જળ વિભાગના પ્રધાનને ઇડીની કસ્ટડીમાંથી પણ દિશા નિર્દેષ આપ્યો હતો. શું આવું કરીને એમણે કોઇ ખોટું કામ કર્યું છે? અરવિંદ ઇડીની કસ્ટડીમાં પણ દિલ્હીની જનતાની ચિંતા અને મુશ્કેલીઓના નિવારણ માટે વિચારે છે પરંતુ ભાજપને એમાં પણ તકલીફ છે. કેજરીવાલે દિલ્હીમાં લોકોની પાણીની સમસ્યા હળવી કરવા પોતાના પ્રધાનને દિશા નિર્દેશ આપ્યા એની સામે ભાજપની કેન્દ્ર સરકારે કેસ કર્યો. આખરે ભાજપની ઇચ્છા શું છે? તમારા મુખ્ય પ્રધાન સામે કેસ નોંધાવ્યો અને રીતે ભાજપ જનતાને સમસ્યામાં રાખીને દિલ્હીને પણ બરબાદ કરવા માગે છે? ઘટનાક્રમથી કેજરીવાલ ખૂબ દુ:ખી છે. 

પતિને સાદગીવાળા, પ્રામાણિક, દેશભક્ત હોવાનું કહીને સુનિતાએ કેજરીવાલને સ્વાસ્થ્ય અને ન્યાય માટે ભગવાનને પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. મળવા ગઇ ત્યારે મને કેજરીવાલે કહ્યું હતું કે મારું શરીર જેલમાં છે પરંતુ આત્મા જનતાની સાથે છે, તમે આંખ બંધ કરશો તો મને તમારી આસપાસમાં હોવાનું જણાશે. દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવે દિલ્હી પોલીસ કમિશનરને મળીને અરવિંદ કેજરીવાલ જેલમાં રહીને મુખ્ય પ્રધાન તરીકે આદેશો આપી રહ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.