• રવિવાર, 28 એપ્રિલ, 2024

ઉદ્ધવે મુંબઈના ઉમેદવાર જાહેર કર્યાથી `આઘાડી' તૂટવાની શક્યતા નથી  

ઠાકરે જૂથ મુંબઈમાં પાંચ બેઠકો લડશે?

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 28 : કૉંગ્રેસ, શિવસેના (ઠાકરે) અને રાષ્ટ્રવાદી (શરદ પવાર)ની બનેલી મહાવિકાસ આઘાડીના વધુ કેટલાક ઉમેદવારોની યાદી આવતી કાલે જાહેર જશે. શિવસેના (ઠાકરે) ઉમેદવારોની યાદી જાહેર કરી છતાં તેનાથી કૉંગ્રેસ નારાજ હોવા છતાં `આઘાડી' તૂટે એવું જણાતું નથી.

શિવસેના (ઠાકરે) મુંબઈમાં ઇશાન મુંબઈ, દક્ષિણ મુંબઈ, દક્ષિણ મધ્ય મુંબઈ અને વાયવ્ય મુંબઈના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ઉત્તર મુંબઈ અને ઉત્તર મધ્ય મુંબઈની બેઠકો કૉંગ્રેસ માટે છોડી હતી. જોકે કૉંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે તેના નેતાઓ ઉત્તર મુંબઈની બેઠક લડવા ઇચ્છુક નથી. તેથી વિનોદ ઘોસાળકરને ઉતારીને શિવસેના (ઠાકરે) સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરશે. તેમના પુત્ર અભિષેકની હત્યાને કારણે ઘોસાળકરને સહાનુભૂતિનો લાભ પણ મળશે. ઉત્તર મુંબઈમાં અવિભાજિત શિવસેનાના 17 નગરસેવકો હતા. કૉંગ્રેસ ઉત્તર મધ્ય મુંબઈની માત્ર એક બેઠક ઉપર ઉમેદવાર ઊભો રાખશે.

`આઘાડી'માં સાંગલી, ભિવંડી, અકોલા અને જાલનાની બેઠકો માટે મતભેદો છે. `આઘાડી'ના ટોચના નેતાઓની બેઠક આજે દક્ષિણ મુંબઈની ટ્રીડન્ટ હૉટેલમાં મળી હતી, કૉંગ્રેસ આવતી કાલે અકોલા, જાલના અને ધૂળેના ઉમેદવારોનાં નામો જાહેર કરે એવી વકી છે. ભિવંડીની બેઠક રાષ્ટ્રવાદી (શરદ પવાર)ને ફાળે જશે. ત્યાં રાષ્ટ્રવાદી સુરેશ મ્હાત્રેને ઉમેદવારી આપશે. વાયવ્ય મુંબઈની બેઠક કૉંગ્રેસને નહીં મળવાથી સંજય નિરૂપમ પક્ષ ત્યાગ કરે છે કે કેમ તે જોવાનું છે.