• રવિવાર, 28 એપ્રિલ, 2024

અનેક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર  

નવી દિલ્હી, તા.28 : દેશનાં ઘણાં રાજ્યોમાં માર્ચ મહિનામાં તીવ્ર ગરમીનું મોજું જોવા મળી રહ્યું છે. માર્ચમાં આકરી ગરમીને ધ્યાનમાં રાખીને જૂન સુધીમાં દેશનાં ઘણાં રાજ્યોમાં આકરી ગરમી પડી શકે છે. ભારતના હવામાન વિભાગના તાજેતરના અપડેટમાં કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. ભારતીય હવામાન વિભાગે આગામી બે - ત્રણ દિવસમાં કેટલાક રાજ્યોમાં તાપમાન સરેરાશ કરતા વધુ રહેવાની આગાહી કરી છે. આઇએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામાનીએ કહ્યું કે, એક વિરોધી ચક્રવાત છે જેનાં કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આગામી 2-3 દિવસ સુધી તાપમાન 40-41 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

હવામાનશાત્રીએ કોંકણ અને ગોવા પ્રદેશોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિની આગાહી કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ મહારાષ્ટ્રના આંતરિક ભાગોમાં ગરમીનું મોજું યથાવત્ રહેશે. આઇએમડીના અપડેટ મુજબ બુધવારે ગુજરાતના ભુજમાં પારો 41.6 ડિગ્રી અને રાજકોટ 41.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો જ્યારે મહારાષ્ટ્રના અકોલામાં તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ અને વાશિમમાં 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 27થી 29 માર્ચ સુધી ઉત્તરીય આંતરિક કર્ણાટકના અલગ અલગ ભાગોમાં, 27 અને 28 માર્ચે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને 27 માર્ચે દક્ષિણ પશ્ચિમમાં રાજસ્થાનમાં હિટ વેવની સ્થિતિ અત્યંત સંભવિત છે.

ઉપરાંત 27થી 29 માર્ચ દરમિયાન ગુજરાત, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ગરમ રાતની અપેક્ષા છે. જેમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે જ્યારે કેન્દ્રમાં મહતમ તાપમાન મેદાનોમાં ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ, દરિયાકાંઠાના વિસ્તારોમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. જે સામાન્ય કરતા ઓછામાં ઓછા સાડા ચાર ડિગ્રી વધારે હોય ત્યારે હિટ વેવ થાય છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર અલનીનોને કારણે વર્ષે ઉનાળાની મોસમ સામાન્ય કરતા વધુ ગરમ રહેવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે પૂર્વોત્તર દ્વીપકલ્પના ભારતમાં સામાન્ય દિવસો કરતા વધુ ગરમ રહેવાની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યંજય મહાપાત્રાએ કહ્યું છે કે, અલનીનોની અસર ઉનાળાની ઋતુ પર ચાલુ રહેશે. અલનીનોએ મધ્ય પેસેફિક મહાસાગરમાં પાણીના ગરમ થવાને કારણે આબોહવાની ઘટના છે. અલનીનોની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે અને તેનાથી ભારતમાં ગરમી વધી શકે છે.