• શનિવાર, 27 એપ્રિલ, 2024

પેલેસ્ટાઇનના લોકોને માતૃભૂમિથી વંચિત કરાયા : જયશંકર  

મલેશિયા પ્રવાસે વિદેશપ્રધાન

કુઆલાલાંપુર, તા. 28 : વિદેશ પ્રધાન એસ જયશંકરે ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયલ હમાસ યુદ્ધ ઉપર બોલતા કહ્યું હતું કે પેલેસ્ટાઇનના લોકો પાસેથી માતૃભુમિ છિનવી લેવામાં આવી છે. મલેશિયાના પ્રવાસે ગયેલા જયશંકરે કુઆલાલાંપુરમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા હમાસના 7મી ઓક્ટોબરના હુમલાને આતંકી હુમલો ઠેરવ્યો હતો. તેમણે આતંકવાદ સામે લડવાની પ્રતિબદ્ધતા બતાવી હતી તેમજ કહ્યું હતું કે પેલેસ્ટાઇનના લોકો સાથે જે થયું તે પણ યોગ્ય નથી. ગાઝા ઉપરાંત યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું હતું કે, યુદ્ધમાં કોઈની જીત થતી નથી પણ નુકસાન થાય છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ઉપર વિદેશ પ્રધાને કહ્યું હતું કે, એક તરફ સાતમી ઓક્ટોબરે જે થયું તે આતંકવાદ હતો સૌ કોઈ જાણે છે કે નિર્દોષ નાગરીકોનાં મૃત્યુને કોઈપણ સહન કરશે નહીં  જ્યારે બીજી તરફ સમગ્ર મુદ્દો પેલેસ્ટાઇનના લોકોના અધિકારોનો પણ છે. પેલેસ્ટાઇનના લોકોને તેમની માતૃભૂમિથી વંચિત કરી દેવામાં આવ્યા છે તે પણ હકીકત છે. રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે જયશંકરે કહ્યું હતું કે, ભારતે પહેલાથી કહ્યું છે કે યુદ્ધથી કોઈ સમાધાન મળશે નહીં. યુદ્ધમાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે અને રાષ્ટ્ર પણ બરબાદ થાય છે. માટે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે કે સંઘર્ષને ખતમ કરવાનો રસ્તો શોધવામાં આવે. 

જયશંકરે ભારત અને મલેશિયાના સંબંધ ઉપર વાત કરતા કહ્યું હતું કે, બન્ને દેશ સ્વભાવથી બહુલવાદી છે. મલેશિયાના શીર્ષ નેતૃત્વ સાથેની મુલાકાતને સારી ગણાવતા જયશંકરે કહ્યું હતું કે, પ્રવાસથી બન્ને દેશના સંબંધ મજબૂત થશે. તેમણે મલેશિયામાં સીઓ સાથે એક બેઠક કરી હતી. તેમણે કહ્યું હતું સીઇઓની ભારતીય ઉદ્યોગો સાથે ભાગીદારીમાં વધતી રુચિ અંગે જાણીને ખુશી થઈ છે.