• રવિવાર, 28 એપ્રિલ, 2024

દુનિયામાં 80 કરોડ લોકો ભૂખ્યા સૂવે છે  

સંયુક્ત રાષ્ટ્રનો અહેવાલ

દરેક વ્યક્તિ વર્ષે સરેરાશ 79 કિલો અનાજ બગાડે છે

નવી દિલ્હી, તા. 28 :  એક વરસમાં દરેક વ્યક્તિ સરેરાશ 79 કિલો અનાજ બગાડે છે, દુનિયામાં વર્ષે એક અબજ ટન અનાજ વેડફાય છે, દુનિયામાં આજેય રોજ 80 કરોડ લોકો ભૂખ્યા સૂઈ જાય છે. ચોંકાવનારા આંકડા સંયુક્ત  રાષ્ટ્રના `ફૂડ વેસ્ટ ઈંડેકસ રિપોર્ટ 2024'માં અપાયા છે.વર્ષ 2022ના આંકડા આપતા યુનોના અહેવાલ અનુસાર વર્ષમાં લોકો માટે ઉપલબ્ધ હતું તેમાં 19 ટકા એટલે કે, 1.05 અબજ ટન અનાજ બરબાદ થયું હતું. હિસાબે એક વર્ષમાં 84 લાખ કરોડ રૂપિયાનું અન્ન વેડફાયું.

દરેક વ્યક્તિએ દુનિયામાં સરેરાશ 79 કિલો અનાજનો બગાડ કર્યો. વિશ્વમાં માણસોની ત્રીજા ભાગની વસ્તી પર ખાદ્ય સંકટ ઝળૂંબે છે. ભારતમાં દરેક જણ દર વર્ષે 55 કિલો અનાજ બગાડે છે જોતાં ભારતીય પરિવારોમાં વર્ષે 7.81 કરોડ ટનથી વધુ ખાવાનું બગડે છે.ભારતના પાડોશી દેશોમાં અનાજનો સૌથી વધુ બગાડ કરતાં ચીનમાં દરેક વ્યક્તિ વર્ષે સરેરાશ 76 કિલો અનાજ વેડફે છે. મતલબ કે, ચીનના પરિવારો વર્ષે 10.86 કરોડ ટનથી વધુ અનાજનો બગાડ કરે છે.

આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનમાં દરેક વ્યક્તિ સરેરાશ 130 કિલો અનાજ વર્ષે બરબાદ કરે છે. પાકમાં વર્ષે 3.07 કરોડ ટન અનાજનો બગાડ થાય છે. બાંગલાદેશમાં 1.41 કરોડ ટન, અફઘાનિસ્તાનમાં 52.29 લાખ ટન, નેપાળમાં28.31 લાખ ટન, શ્રીલંકામાં 16.56 લાખ ટન અનાજ વર્ષે બગડે છે, તેવું યુનીનો અહેવાલ નોંધે છે.જો કે, અનેક દેશોએ અન્નનો બગાડ રોકવા પ્રયાસો કર્યા છે. બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં અનાજના બગાડમાં ઘટાડો આવ્યો છે.

વર્ષ 2007 પછીથી જાપાનમાં અનાજના બગાડમાં ત્રીજા ભાગનો તો બ્રિટનમાં પણ 18 ટકાનો ઘટાડો થયો છે.ગ્લોબલ ફૂડ બેંકિંગ નેટવર્કના સીઈઓ લીસામૂને એક અખબાર સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે, વિશ્વમાં અનાજનો બગાડ ઘટાડવા માટે ફૂડ બેન્ક સાથે મળીને કામ કરી શકાય.