• રવિવાર, 28 એપ્રિલ, 2024

દેશના 600થી વધુ વકીલનો મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર  

ન્યાયતંત્ર પર જોખમ... કાયદાના રક્ષકો ચિંતામાં

નવી દિલ્હી, તા. 28 : ન્યાયતંત્ર જોખમમાં છે. આપણે ન્યાયપાલિકાને રાજકીય અને કારોબારી દબાણોથી બચાવવી પડશે, તેવી ચોંકાવનારી વાત દેશના સોલિસિટર જનરલ રહી ચૂકેલા હરીશ સાલ્વે સહિત દેશના 600થી વધુ વરિષ્ઠ વડીલએ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડને લખેલા પત્રમાં કરી છે.

લોકસભા ચૂંટણીથી પહેલાં દેશભરના વકીલો તરફથી પાઠવાયેલા પત્રએ દેશનાં રાજકીય જગતમાંયે ચર્ચા જગાવી દીધી છે. પત્રમાં નોંધાયું છે કે, ન્યાયિક અખંડિતતાને નબળી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. હવે અદાલતોને બચાવવા માટે આગળ આવવું પડશે. સાથે મળીને અવાજ ઉઠાવવો પડશે.

એક વિશેષ જૂથ ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જૂથ ન્યાયિક વ્યવસ્થાને અસર કરી રહ્યું છે અને તેમના રાજકીય એજન્ડા હેઠળ ઊલટાના આરોપ લગાવીને કોર્ટોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

તેમનાં કૃત્યોને કારણે ન્યાયતંત્રની લાક્ષણિકતા ધરાવતા સંવાદિતા અને વિશ્વાસનું વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. રાજકીય બાબતોમાં દબાણની આંટીઘૂંટી સામાન્ય છે, ખાસ કરીને એવા કિસ્સાઓમાં કે જેમાં રાજનેતા સામે ભ્રષ્ટાચારનો આરોપ હોય. યુક્તિઓ આપણી કોર્ટોને નુકસાન પહોંચાડી રહી છે અને લોકતાંત્રિક માળખાને જોખમમાં મૂકી રહી છે. 

વિશેષ ગ્રુપ ઘણી રીતે કામ કરે છે. તેઓ આપણી કોર્ટોના સોનેરી ભૂતકાળનો ઉલ્લેખ કરે છે અને આજની ઘટનાઓ સાથે તેની તુલના કરે છે. માત્ર ઇરાદાપૂર્વકનાં નિવેદનો છે, જેથી નિર્ણયોને પ્રભાવિત કરવા અને રાજકીય લાભ માટે કોર્ટો પર જોખમ તોળાય. 

જોઈને પરેશાની થાય છે કે, કેટલાક વકીલો દિવસ દરમિયાન રાજકારણીનો કેસ લડે છે અને રાત્રે મીડિયામાં રહે છે, જેથી નિર્ણયને અસર કરી શકાય. તેઓ બેન્ચ ફિક્સિંગની થિયરી પણ ઘડી રહ્યા છે. કાર્યવાહી માત્ર આપણી કોર્ટોનો અનાદર નથી, પરંતુ માનહાનિ પણ છે. આપણી કોર્ટોની ગરિમા પર કરાયેલો હુમલો છે. 

માનનીય ન્યાયમૂર્તિઓ પર પણ હુમલા થઈ રહ્યા છે. તેમના વિશે ખોટી વાતો કહેવામાં આવી રહી છે. તેઓ એટલી હદે નીચે બેસી ગયા છે કે, તેઓ આપણી કોર્ટોની સરખામણી એવા દેશો સાથે કરી રહ્યા છે જ્યાં કાયદા નામની કોઈ વસ્તુ નથી. આપણા ન્યાયતંત્ર પર અન્યાયી કાર્યવાહીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જોઈને નવાઈ લાગે છે કે, રાજનેતા કોઈના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે અને પછી તેને બચાવવા કોર્ટમાં દોડી જાય છે. જો કોર્ટનો નિર્ણય તેમના પક્ષમાં આવે તો તેઓ કોર્ટની અંદર કોર્ટની ટીકા કરે છે અને પછી મીડિયા સામે પહોંચી જાય છે. સામાન્ય માણસના મનમાં આપણા માટે જે આદર છે, તેના માટે બેવડું ચરિત્ર જોખમી છે. 

કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેમના કેસ સાથે જોડાયેલા જજો વિશે ખોટી માહિતી ફેલાવે છે. તેઓ પોતાની રીતે તેમના કેસમાં નિર્ણય પર દબાણ લાવવા માટે આવું કરે છે. આપણી કોર્ટોની પારદર્શિતા માટે જોખમી છે અને કાયદાકીય સિદ્ધાંતો પર હુમલો છે. તેમનો સમય પણ નક્કી હોય છે. જ્યારે દેશમાં ચૂંટણી આવવાની હોય છે ત્યારે તેઓ આવું કરી રહ્યા હોય છે. અમે આવું 2018-19માં પણ જોયું હતું.