• સોમવાર, 29 એપ્રિલ, 2024

સંદેશખાલીનો ખુલાસો કરનારની નિજતાનું હનન  

રેખા પાત્રાનો તૃણમૂલ પર આક્ષેપ

કોલકત્તા તા. 29 : પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં સિથત ભારે ચર્ચાસ્પદ બનેલા સંદેશખાલી ગામમાં મહિલાઓની દુર્દશાનો ખુલાસો કરનાર બશીરહાઈટથી ભાજપાના ઉમેદવાર રેખા પાત્રાએ તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર દેવાંગ્શુ ભટ્ટાચાર્ય પર નિજતાના હનનનો આરોપ  લગાવી તુરંત કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

રેખા પાત્રાએ રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી છે સાથે રાષ્ટ્રીય અનુસૂચિત આયોગને પણ એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે તામલુક લોકસભા બેઠકથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અને પાર્ટીની સોશ્યલ મીડિયા શાખાના પ્રમુખ દેવાંગ્શુ ભટ્ટાચાર્યએ તેમની અંગત માહિતી અને બેંક ખાતાની વિગતો જાહેર કરી નાખી છે. પાત્રાના વકીલે કહયુ કે તેમના કલાઈન્ટના ફોન નંબર, બેંક ખાતાની વિગત, સ્વાસ્થ્ય સાથી યોજના સાથે દુઆરે સરકારની યોજના અંગેની માહિતીઓ જાહેર કરી દેવામાં આવી છે જે સ્પષ્ટ રીતે નિજતાનું હનન છે.