• સોમવાર, 29 એપ્રિલ, 2024

હવે UNએ કરી કેજરીવાલની ધરપકડ અને કૉંગ્રેસના ફ્રીઝ એકાઉન્ટ્સ અંગે ટીપ્પણી  

નવી દિલ્હી, તા.29 : હવે યુનાઈટેડ નેશન્સે પણ દિલ્હીના મુખ્ય પ્રધાન અરાવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસ પાર્ટીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાના સવાલ પર ટિપ્પણી કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે તેને આશા છે કે ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં દરેક વ્યક્તિ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકશે. પહેલા જર્મની અને અમેરિકાએ પણ અરાવિંદ કેજરીવાલની ધરપકડ પર પ્રતિક્રિયા આપી હતી. જે બાદ ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને જર્મન અને અમેરિકન રાજદ્વારીઓને બોલાવ્યા હતા. 

અરાવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસ પાર્ટીના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા અંગેના પ્રશ્નોના જવાબમાં યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું છે કે અમને આશા છે કે ભારતમાં અન્ય ચૂંટણી હોય તેવા દેશોની જેમ રાજકીય અને નાગરિક અધિકાર સુરક્ષિત રહેશે જેથી તમામ વ્યક્તિ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકે. 

અમેરિકાએ દિલ્હીની દારૂની નીતિમાં કૌભાંડના આરોપમાં અરાવિંદ કેજરીવાલની ધરપકડ અને ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીના બેક્ન ખાતા ફ્રીઝ કરવાના આરોપો પર બે વખત ટિપ્પણી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ પણ સોમવારે કહ્યું હતું કે યુએસ અરાવિંદ કેજરીવાલની ધરપકડના અહેવાલ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ન્યાયી કાયદાકીય પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે.  

અમેરિકાની ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ભારતની કાયદાકીય પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે જે ઉદ્દેશ્યપૂર્ણ અને સમયસર નિર્ણયો માટે પ્રતિબદ્ધ છે. ભારતીય ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવવો અયોગ્ય છે.