• શનિવાર, 25 માર્ચ, 2023

ચાર મહિનાના સર્વોચ્ચ કોરોના કેસ  

નવા 796 કેસથી નવી લહેરની આશંકા

નવી દિલ્હી, તા. 17 : દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ઉછાળાથી ચિંતાની લહેર ફરી વળી છે. લાંબો સમય સુધી કેસની સંખ્યામાં નહિવત્ વધારા બાદ એકલા માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં જ કુલ 6 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે. વીતેલા 24 કલાકમાં પણ કોરોનાના 796 કેસ નોંધાયા હતા. જે ચાર મહિના બાદના સર્વાધિક હોવાથી વિશેષજ્ઞોએ દેશમાં કોરોનાની નવી લહેર આવતી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. કોરોનાના નવા દર્દીઓના ઉમેરા સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 4,46,93,506 થઈ હતી. આ પહેલાં 12મી નવેમ્બરે દેશમાં 734 કોરોના દર્દી નોંધાયા હતા. દેશમાં 109 દિવસ બાદ એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને પાંચ હજાર કેસની ઉપર  ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર હાલમાં દેશમાં કુલ 5026 સક્રિય કેસ છે.

માર્ચ મહિનામાં જ અત્યાર સુધીમાં 6 હજાર કેસ મળી આવ્યા હતા. માર્ચના પહેલા સપ્તાહમાં 2082 અને બીજા અઠવાડિયામાં 3264 નવા દર્દી નોંધાયા હતા. વિશેષજ્ઞોનું માનવું છે કે દેશમાં ફ્લૂના મામલા વધતાં કોરોનાનું ટેસ્ટિંગ વધ્યું છે અને આ કારણે પણ દેશમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં વીતેલા 24 કલાકમાં કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને પોંડિચેરીમાં એક-એક મોત નોંધાયાં હતાં.