• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ગુપ્ત અહેવાલો જાહેર કરવાં ગંભીર મામલો  

કૉલેજિયમ વિવાદમાં કાયદા પ્રધાને સુપ્રીમ કોર્ટ સામે નિશાન તાંક્યું 

નવી દિલ્હી, તા. 24: જજોની નિયુક્તિ મુદ્દે કેન્દ્ર સરકાર અને ન્યાયપાલિક વચ્ચે જારી ટકરાવ મધ્યે કેન્દ્રીય કાનૂન પ્રધાન કિરન રિજિજૂએ ફરી એકવાર ન્યાયતંત્રને નિશાનમાં લેતા કહ્યું છે કે, કોલેજિયમ દ્વારા આઈબી સહિતનાં ગુપ્તચર રિપોર્ટ જારી કરવામાં આવ્યા તે ગંભીર મામલો છે. આ સાથે જ તેમણે કોર્ટમાં પેન્ડિંગ કેસ અંગે પણ ચિંતા પ્રગટ કરી હતી. 

આજે એક કાર્યક્રમનાં ઉપક્રમે તેમણે કહ્યું હતું કે, રો અને આઈબીનાં ગુપ્ત અને સંવેદનશીલ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યા તે ચિંતાનો વિષય છે. આ બારામાં થોડા વખતમાં જ વિચાર પણ કરવામાં આવશે. 

કોલેજિયમ દ્વારા હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્તિ માટે જે નામો સૂચવવામાં આવ્યા હતાં તેને નકારવા માટે સરકાર તરફથી રો અને આઈબીનાં અહેવાલોનો હવાલો આપવામાં આવેલો. સરકારને તેનો જવાબ આપવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય.ચંદ્રચૂડે ચાર દિવસ સુધી વિચાર કર્યા પછી તેને જાહેર કરી નાખ્યા હતાં.