• શનિવાર, 13 એપ્રિલ, 2024

પ્રધાનમંડળે ત્રણ ચિપ પ્લાન્ટને મંજૂરી આપી : બે એકમો ગુજરાત અને એક આસામમાં સ્થપાશે   

રૂા. 1.26 લાખ કરોડનું રોકાણ થશે 

નવી દિલ્હી, તા.29 (એજન્સીસ) : કેન્દ્રીય પ્રધાનમંડળે આજે ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટની દરખાસ્તને મંજૂરી આપી હતી જેમાં બે પ્લાન્ટ ગુજરાતમાં અને એક આસામમાં સ્થાપવામાં આવશે. ત્રણ પ્લાન્ટ પાછળ આશરે રૂા. 1.26 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. દરખાસ્ત મુજબ ગુજરાતના ધોલેરામાં તાતા ઈલેક્ટ્રોનિક્સ અને તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કૉર્પોરેશન (પીએસએમસી) દ્વારા જોઈન્ટ વેન્ચર હેઠળ દેશનો સૌપ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ અથવા ફૅબ શરૂ કરવામાં આવશે. યોજનાનો અંદાજિત ખર્ચ રૂા. 91,000 કરોડ છે અને એકમ દ્વારા પ્રતિ માસ 50,000 વૅફર્સનું ઉત્પાદન થવાની ધારણા હોવાનું કેન્દ્રના આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે અહીં પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું.  

  એકમમાં 26 હજાર નાગરિકોને સીધો રોજગાર અને આશરે એક લાખ લોકોને પરોક્ષ રોજગારની સંધિ ઉપલબ્ધ થશે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ વિશે મહત્ત્વનો નિર્ણય લીધો હોવાનું વૈષ્ણવે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પહેલાં માઈક્રોન કંપની દ્વારા ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે. હવે ફૅબ પ્લાન્ટ ધોલેરામાં તાતા અને પીએસએમસી દ્વારા જોઈન્ટ વેન્ચર હેઠળ શરૂ કરવામાં આવશે. 

આદર્શ ફૅબ એકમ તૈયાર થતાં ત્રણથી ચાર વર્ષનો સમય લાગે છે, પરંતુ અમે સમયગાળો ઘટાડવાના પ્રયાસો કરીશું, આપણા દેશમાં અત્યારે એસેમ્બલી, ટૅસ્ટિંગ, માર્કિંગ ઍન્ડ પૅકેજિંગ (એટીએમપી) ટેકનૉલૉજી વિકસાવવામાં આવી છે અને ટેક્નૉલૉજી વિકસાવવા માટે પાછલા અનેક મહિનાઓથી કામ થઈ રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

સીજી પાવર અને જપાનની રેનેસેસ દ્વારા ગુજરાતના સાણંદમાં આશરે રૂા. 7600 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવશે અને તેમાં પ્રતિ દિન 1.5 કરોડ ચિપનું ઉત્પાદન કરવામાં આવશે. સાથે આસામમાં તાતા સેમિકન્ડક્ટર એસેમ્બલી ઍન્ડ ટેસ્ટ પ્રા.લિ. દ્વારા મોરીગાંવ ખાતે પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. પ્લાન્ટ માટે રૂા. 27,000 કરોડનું રોકાણ કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ